મોરબી મત વિસ્તારનો પ્રવાસ ખેડીને પ્રશ્ર્નો ઉકેલવા પ્રયાસ કરતા બ્રિજેશભાઈ મેરજા

16 May 2018 03:06 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.16
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ‘સ્ટડી ટુર’ ઉપરથી આવતા વેંત જ મત વિસ્તારનો ઘનિષ્ઠ પ્રવાસ ખેડી વ્યાપક લોક સંપર્ક કેળવી ગ્રામ્ય વિસ્તારના લોકોના રસ્તા અને પીવાનું પાણી, તેમજ મોરબી શહેરની ડોર ટુ ડોર કચરો ઉપાડવાની, સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની તેમજ અન્ય સ્થાનિક સમસ્યાઓની રજૂઆતો સાંભળી લાગતા વળગતા અધિકારીઓને લોકોની હાડમારી દુર કરવા સૂચના આપી હતી.
મોરબી તાલુકાના ગુંગણ ગામની મુલાકાત લઈ નેશનલ હાઈવેથી ગુંગણ સુધીના બીસ્માર રસ્તા બાબતે તેમજ ચકમપર ગામની મુલાકાત લઈ પીવાના પાણીની સમસ્યા દુર કરવા બોર કરવા માટે લોકફાળા પેટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રકમ ફાળવી, કાયમી ધોરણે ઘોડાધ્રોઈ ડેમમાંથી ચકમપર માટે પીવાના પાણીની પાઈપલાઈન અંગે રજૂઆતો કરી હતી. અગ્રણી ભીખુભાના સૌજન્યથી મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરી પ્રસાદ લીધો હતો. ચકમપર ગામે શિવ કથાકાર દિલીપભાઈ પૈજાની વાણીનો લાભ લઈ ગ્રામજનોનું સન્માન સ્વીકારી ચકમપર- ઝીકીયારી રોડ તેમજ ચકમપર- જીવાપર- રંગપર રોડ બાબતે રજૂઆત કરી હતી. માળીયા (મીં) તાલુકાના ખાખરેચી ગામે આસપાસના 12 ગામોની પીવાના પાણીની સમસ્યા સુલઝાવા વોટર વર્કસના સંપની મુલાકાત લઈ 3 વર્ષથી સંપના તુટી ગયેલા સ્લેબને બાંધવા પાણી પુરવઠા અધિકારીઓને તાકીદ કરી હતી.
જેતપર (મચ્છુ) ગામની મુલાકાત લઈ ગામના પાદરમાં ચાલતા રસ્તાનું નિરીક્ષણ કરી ત્રુટીઓ નિવારવા તેમજ ગામના પાદરમાંથી પસાર થતા રસ્તા ઉપરનું ટ્રાફીક ભારણ ઓછું કરવા, નવા બંધાઈ રહેલ બ્રિજથી ગામના તળાવની પાળ પાસેથી રીંગરોડ બાંધવા શકયતા દર્શી અહેવાલ માટે માર્ગ-મકાન ખાતાને જણાવ્યુ હતું. મોરબીના સતવારા વિસ્તારની મશાલની વાડીમાં પીવાના પાણીની પાઈપલાઈન બાબતે તેમજ મેઈન કેનાલ ઉપર નાલુ બાંધવા બાબતની આગેવાનોની સ્થળ ઉપર રજૂઆતો અંગે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગને જણાવ્યુ હતું.
મોરબીના રાજનગર- પંચાસર રોડના કામમાં ગતિ લાવવા સ્થળ ઉપર નિરીક્ષણ કરી અડચણરૂપ વિજળીના થાંભલા હટાવવા વિજતંત્ર અને નગરપાલીકાને જણાવ્યું હતું.
આ પ્રવાસમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કે.ડી. પડસુંબીયા, તાલુકા પંચાયત સભ્ય હંસરાજભાઈ પાંચોટીયા, રવજીભાઈ કાલરીયા, જેતપર ગ્રામ પંચાયત સરપંચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement