કર્ણાટકમાં ઓપરેશન કમળ શરૂ: વિપક્ષના ધારાસભ્યોના ‘શિકાર’ કરી રાજીનામા અપાવાશે

16 May 2018 11:52 AM
India Politics
  • કર્ણાટકમાં ઓપરેશન કમળ શરૂ: વિપક્ષના ધારાસભ્યોના ‘શિકાર’ કરી રાજીનામા અપાવાશે

બહુમતીના મેજીક આંકને પહોંચવા ધારાસભાની અસરકારક સભ્ય સંખ્યા ઘટાડવાનો વ્યુહ: પક્ષાંતર ધારો પણ લાગુ થશે નહી ; 2008માં યેદુરપ્પાએ આજ વ્યુહથી બહુમતી મેળવી હતી: કોંગ્રેસના નારાજ લિંગાયત ધારાસભ્યો પર નજર

Advertisement

બેંગ્લોર: કર્ણાટકમાં ધારાસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવેલા ભાજપે હવે 104માંથી બહુમતીના 112ના આંકડે પહોંચવા માટે ‘ઓપરેશન- કમળ’ શરૂ કરી દીધું છે. ભાજપના ધારાસભ્યોની આજે બેંગ્લોરમાં બેઠક મળી જેમાં શ્રી બી.એસ.યેદુરપ્પાને પક્ષના નેતા તરીકે ચૂંટયા બાદ તેઓ રાજયપાલને પોતાની સરકાર રચવા દાવો કરશે અને ભાજપના તમામ ધારાસભ્યોને પણ પરેડ કરાશે તેવી ધારણા છે. બીજી તરફ ભાજપે અહી બહુમતી માટે રાજયપાલ 7 દિવસનો સમય માંગે તેવી ધારણા છે. ભાજપે આ ઉપરાંત 2008ની પેટર્નની ‘ઓપરેશન કમળ’ શરૂ કર્યાના સંકેત છે. જનતાદળ (એસ)ના 38 ધારાસભ્યોમાં ભંગાણ પડાવવાનું ભાજપ માટે સરળ બની શકે છે. જનતાદળ (એસ)ના 38 ધારાસભ્યોમાં ભાજપ ત્રીજા ભાગના ધારાસભ્યોને તોડવામાં સફળ થાય તો તે 12-13 ધારાસભ્યોને સાથે લઈને સરકાર રચી શકે અને પક્ષાંતર વિરોધી ધારો પણ લાગુ પડે નહી. બીજી તરફ માનવામાં આવે છે કે લિંગાયત સમુદાયને 8થી10 ધારાસભ્યો જે કોંગ્રેસના છે તેઓ અસંતુષ્ટ છે અને કોંગ્રેસમાંથી સામુહિક પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જનતાદળ (એમ)ના ધારાસભ્યોએ ફરિયાદ કરી છે કે તેમનો ભાજપના નેતાઓએ સંપર્ક કર્યો છે. જનતાદળ (એસ)ના વડા શ્રી કુમાર સ્વામીએ આ અંગે ગઈકાલે રાજયપાલ વજુભાઈ વાળા ને પણ ફરિયાદ કરી હતી.
ભાજપે 2008માં પણ આ પ્રકારના ઓપરેશનની બહુમતી મેળવી હતી તે સમયે પણ બી.એસ.યદુરપ્પા ભાજપના મુખ્યમંત્રી હતા જેણે 110 ધારાસભ્યોના ટેકો હતા અને 112ના માર્કને પહોચવા માટે એક નવો વિકલ્પ અપનાવ્યો હતો. ઓછા ધારાસભ્યોને જરૂર હોવાથી તે સમયે કોંગ્રેસ અને જનતાદળ (એસ)ના કુલ 7 ધારાસભ્યોના રાજીનામા અપાવીને વિધાનસભામાં કુલ સંખ્યાબળ ઘટાડીને ભાજપની 110 બેઠકોની બહુમતી મેળવી હતી અને વિશ્ર્વાસ મત હાંસલ કર્યા બાદમાં રાજીનામા આપનારને ફરી ભાજપની ટિકીટ આપી હતી જેમાં પાંચ ચૂંટાયા હતા અને ભાજપને 115 બેઠકો થઈ હતી.
આ ચૂંટણીમાં પણ પક્ષાંતર ધારા મુજબ ધારાસભ્યો ન થાય તો આ આઈડીયા અમલમાં મુકાશે. ગુજરાતમાં રાજયસભા બેઠક સમયે પણ ભાજપે કોંગ્રેસના સાત ધારાસભ્યોને રાજીનામા અપાવીને મત ઘટાડી જીત માટે પ્રયાસ કર્યો હતો.


Advertisement