ગીર-સોમનાથ જિલ્લામાં 120 તળાવો અને નદી-નાળામાં જળ સંચય કામગીરી શરૂ

15 May 2018 03:35 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં 120 તળાવો અને નદી-નાળામાં જળ સંચય કામગીરી શરૂ

કુદરતી પાણીનો વધુ સંગ્રહ થશે અને પ્રજાજનોને મોટો ફાયદો

Advertisement

વેરાવળ તા.15
ગીર સોમનાથ જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના તળે હાલ 120 જેટલા જળસંગ્રહના કામો ધમધમી રહ્યા છે. દરરોજ 4500 થી વધુ લોકોને રોજગારી આપવા સાથે ચેક ડેમ ઉંડા ઉતારવા, નદીઓને પુન:જીવીત કરવા સહિતના કામો ઝડપભેર આગળ વધી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં જળસંગ્રહના કામોને વેગ આપવા જિલ્લા પ્રભારી સચિવ સંજયનંદને જિલ્લા કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, તથા સબંધિત વિભાગના અધિકારીઓ સાથે દેવકા નદિમાં ડાભોર પાસે ચેક ડેમ ડિસીલ્ટીંગ કામગીરી તથા હિરણ નદીમાં સોમનાથ કોઝ-વે કામગીરીની સ્થળ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
ગીરગઢડા તાલુકાના બાબરીયા રેન્જ વિસ્તારમાં યોજના અંતર્ગત 13 ચેક ડેમ ઉંડા ઉતારવાની કામગીરી
ગીરગઢડા તાલુકાની બાબરીયા રેન્જના 11747 હેક્ટર વિસ્તારને આવરી લઇ જંગલ વિસ્તારમાં 13 ચેક ડેમ ઉંડા ઉતારવાના છે, જે પૈકી 5 કામ પૂર્ણ થયા છે 3 કામ ચાલુ છે અને પ ચેકડેમ ઉંડા ઉતારવા સત્વરે કામ હાથ ધરાશે. આ કામગીરી પૂર્ણ થતા કોડીનાર થી ઉના વચ્ચેના 58 થી 62 ગામોમાં લાભ થશે. વન વિસ્તાર ની સાથોસાથ ખેડૂતોની ખેતી લાયક જમીનમાં પણ કુવાના તળ ઉંચા આવશે. બાબરીયા રેન્જના આર.એફ.ઓ. ડો.રાજન જાદવે જળસંગ્રહની આ યોજનાને આવકારી જણાવેલ કે, આ યોજના અન્વયે ધુવડવાળી પાટ સાંગાવાડી નદી, બુઢડા-2 અને ભગતકુંડી સોસરીયા આ ત્રણેય ચેક ડેમ ઉંડા ઉતારવા માટે જે.સી.બી. અને ટ્રેકટરની મદદથી માટી બહાર કાઢવામાં આવી રહી છે. આ માટીનો જંગલ વિસ્તારમાં જ નિકાલ કરવામાં આવે છે. જેથી જંગલની ફળદ્રુપતામા વધારો થવાની સાથે વૃક્ષોના ઉછેર અને રક્ષણમાં આવનારા સમયમાં મદદરૂપ થનાર છે.


Advertisement