ગાંધીધામમાં અશાંતિ સર્જનાર વિવાદી પોસ્ટ મૂકનારો શખ્સ અંતે પકડાયો

15 May 2018 12:28 PM
kutch Crime

દલિત-મેઘવાળ સમાજની લાગણી દુભાવી હતી

Advertisement

ગાંધીધામ તા.15
મહેશ્ર્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ તથા દલિત સમાજ વિશે ફેસબુક પર અભદ્ર ટીપ્પણી કરવાના 12 દિવસ અગાઉના પ્રકરણની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ અને 48 કલાકમાં જ એક શખ્સની ધરપકડ કરી લેવાઇ છે. પકડાયેલા શખ્સના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને તેણે આ કૃત્ય કર્યાનું પણ કબૂલી લીધું છે.
ફેસબુક પર રોયલ સરકાર અને જય બાપજી નામની આઇડી ધરાવનાર શખ્સે આ બનાવને અંજામ આપ્યો હતો. મહેશ્ર્વરી મેઘવાળ સૃમાજના ઇષ્ટદેવ ઘણીમાં તંગ અને દલિત સમાજ વિશે અભદ્ર ટીપ્પણી આ શખસે કરતાં તેના વિરૂઘ્ધ ગત તા.1/5ના એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. ગાંધીધામમાં આરોપીને પકડી પાડવાની માંગ સાથે ચક્કાજામ કરાયો હતો. તો જિલ્લાનાં અન્ય શહેરોમાં પણ ચક્કાજામ કરાયો હતો. આ બનાવની તપાસ કરતી સ્થાનિક પોલીસ આરોપી સુધી ન પહોંચી શકતા ગત તા.10/પનાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. બનાવના દિવસે સાંજે 6:30 વાગ્યે ફેસબુક આઇ.ડી.ના ધારકની આઇડી બંધ થઇ ગઇ હતી. પરંતુ સ્થાનિક પોલીસે તે પહેલા જ આ આઇડીને ઓબ્ઝર્વરમાં મૂકી દીધી હતી અને ફેસબુક પાસેથી તેના આઇપી એડ્રેસ માંગવામાં આવ્યા હતા. દરમિયાન ફેસબુકે આઇપી એડ્રેસ આપી દેતાં પોલીસે આ વિગતોનો અભ્યાસ કરી ગૂગલ અને જીમેઇલ આઇપી અને લોગીંગ ડેટા એનાલીસીસ તથા ટેકનીકલ અભ્યાસના આધારે પ્રદીપ નામના શખ્સની ધરપકડ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં સાયબર સેલ ક્રાઇમ બ્રાંચના અધિક નાયબ પોલીસ કમિશ્નર ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ શખ્સ અને અન્ય એક યુવાનની ફેસબુકમાં પર્સનલ ચેટ થઇ હતી. જેમાં ગાળાગાળી બાદ આ શખ્સે પબ્લિક પોસ્ટ કરી હતી અને આ બનાવ બન્યો હતો. આ શખ્સને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા તેના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.


Advertisement