મોદી સરકારે વચનો પાળી બતાવ્યા; 56 ટકા લોકો ‘સંતુષ્ટ’

14 May 2018 12:13 PM
India Politics
  • મોદી સરકારે વચનો પાળી બતાવ્યા; 56 ટકા લોકો ‘સંતુષ્ટ’

કેન્દ્ર સરકારના ‘લોકસમર્થન’માં આંશિક ઘટાડો છતાં હજુ લોકપ્રિયતા સારી જ છે ; શાસનના ચાર વર્ષ ટાણે સર્વેમાં મહત્વના તારણો: સરકારની કામગીરી સામે ખાસ વાંધો ન હોવા છતાં બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગુનાખોરી જેવા મુદાઓ પર ચિંતા-નારાજી

Advertisement

નવી દિલ્હી તા.14
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ચાર વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે 56 ટકા લોકો એવુ માને છે કે આ સમયગાળામાં મોદી સરકારે વચનો પાળી બતાવ્યાછે જયારે 75 ટકા લોકોએ મોદી સરકારની પાકીસ્તાનની નીતિને સમર્થન આપ્યુ છે. ટેકસ ટેરરીઝમ ઘટયો હોવાનું અને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ સફળ હોવાનું 54 ટકા લોકોએ માન્યુ છે.
કોમ્યુનીટી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ મારફત મોદી સરકારના ચાર વર્ષ વિશે હાથ ધરાયેલા સર્વેમાં 56 ટકા લોકોએ એમ કહ્યું હતું કે ચૂંટણી પુર્વે ઢંઢેરામાં અપાયેલા વચન પાળી બતાવ્યા છે. જો કે, ગત વર્ષના સર્વેમાં 59 ટકા લોકોએ આમ કહ્યું હતું કે સરખામણીએ તેમાં ઘટાડો છે.
સામાન્ય રીતે રાજકીય પક્ષો કે સતાધારી પાર્ટી પાસેની અપેક્ષાઓ ઝડપથી ઓસરતી હોય છે. મોદી સરકાર પાસેની અપેક્ષાઓનો આંકડો નીચે ઉતરી જ રહ્યો હોવા છતાં હજુ ઘણો ઉંચો છે.
મોદી સરકાર માટેના સંકેતો હજુ સારા જ છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ મોદીનો જનાધાર નીચો આવ્યો હોવા છતાં મોટી ચિંતા જેવુ નથી. 2016માં 60 ટકા લોકોએ મોદી સરકારની કામગીરીને સારી ગણાવી હતી જે આંકડો આ વર્ષે 57 ટકાએ આવી ગયો છે. લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ બાકી છે ત્યારે સરકાર માટે ચિત્ર સારુ જ છે છતાં આપેલા વચનોનું પાલન કરવાનું જરૂરી બની ગયુ છે.
સર્વેક્ષણમાં અન્ય અનેક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા જેમાં વધતો જીવનનિર્વાહ ખર્ચ, કોમવાદી ઘટનાક્રમને અસરકારક રીતે અંકુશમાં લેવામાં નિષ્ફળતા, બેરોજગારી તથા મહિલા-બાળકો સામે વધતી ગુનાખોરી જેવા મુદાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
દેશનાં 350 જીલ્લાઓમાં હાથ ધરાયેલા આ સર્વેમાં સરકારની કામગીરીને બહુમતી લોકોએ સમર્થન આપ્યુ હોવા છતાં બેરોજગારી વિશે ચિંતા દર્શાવવામાં આવી છે.


Advertisement