લાઠીના ઝરખીયા ગામે તળાવનું ખાતમુહૂર્ત કરતા સીએમ

13 May 2018 12:11 AM
Rajkot Gujarat Saurashtra
  • લાઠીના ઝરખીયા ગામે તળાવનું ખાતમુહૂર્ત કરતા સીએમ

Advertisement

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશ ગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તખ્તીનું અનાવરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરી છે. આ પાણીની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે વ્યાપક સ્વરૂપે અભિયાન ઉપાડેલ છે. પાણીની સંગ્રહ શક્તિ વધારવા 11000 લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સૌની યોજના’ અંતર્ગત 115 જેટલા ડેમોને નર્મદાની લાઇનો સાથે જોડીને કનેક્ટ કરવામાં આવશે અને વરસાદ અપુરતો પડે તો નર્મદાના નીરથી ભરવામાં આવશે. પીવાના પાણીની અછત, દુષ્કાળ ભૂતકાળ બને તે રીતે સરકાર કામ કરી રહી છે. જમીનમાં પાણીના તળ 20 ફુટે નીકળે તેવું આપણું લક્ષ્યાંક છે.
જળ સંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે. આપણે વિકાસમાં પાણીને પ્રાથમિક અગ્રતા આપીને પર્યાપ્ત માત્રામાં પાણીનું સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે 10 પ્લાન્ટ નાખવામાં આવશે. ઇઝરાઇલ સહિતના અન્ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે. જામનગર જિલ્લાના જોડીયા ખાતે 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્લાન્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. આપણે પાણીના સ્ત્રોત વધારવા અને પાણીને રીચાર્જ કરવા આગળ વધી રહ્યા છીએ.
મુખ્યમંત્રી વધુમાં જણાવયું હતું કે, શહેરોમાં વપરાયેલ લાખો ક્યુસેક પાણી ગટરમાં છોડવામાં આવે છે. આ પાણીને રીસાયક્લીંગ કરીને શુદ્ધ કરીને ઉદ્યોગો, બાગ-બગીચાઓ અને પાણી વપરાશ માટે અપાશે. આ માટે સરકાર ટૂંક સમયમાં નીતિ લાવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રાજયમાં ચાલતા જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે. 13 હજારથી વધુ તળાવો ઉંડા કરાશે. આ ઇશ્વરીય કાર્ય છે અને પાણીએ પ્રભુનો પ્રસાદ છે. આ ગામમાં 24 કલાક ચાલતા જળ અભિયાનના કાર્ય માટે વતન પ્રેમી દાતાઓ સ્વૈચ્છિક સંસ્થા અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. આ જળ અભિયાનને જનતાએ પોતે જન અભિયાન બનાવી લીધો છે.

લાઠી તાલુકાના ઝરખીયા ગામે મનરેગા દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલા છે. અંદાજે 250 શ્રમિકો દ્વારા કામ શરૂ કરાયેલા છે. 150 ચોકડીઓ ગાળવાનું 600 માનવ દિવસોનું કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલા 491 કામો પૈકી 111 કામો શરૂ કરવામાં આવ્યા છે અને 19 કામો પૂર્ણ થયેલ છે. જ્યારે 10મી મે સુધીમાં સિંચાઇના તળાવ, વોટર શેડ, ચેકડેમ સહિત 72 કામો, નગરપાલિકાઓના 39 કામો અને મનરેગાના 47 કામો મળી કુલ ૧૫૮ કામો શરૂ કરવામાં આવેલા છે. આ કામગીરી 105 જેસીબી, 256 ટ્રેક્ટર્સ અને 6 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહેલી છે.

પ્રારંભમાં, આકાશ ગંગા સંસ્થાના ચેરમેન મનુ કાકડીયાએ જણાવ્યું હતું કે, ઝરખીયા ગામમાં અગાઉ સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના અંતર્ગત 150 જેટલા ચેક ડેમો આ વિસ્તારમાં કરવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામમાં દાતાઓના સહયોગથી 65 વીઘા જમીનમાં 10 ફુટ તળાવ ઉંડુ કરવામાં આવેલ છે અને હજુ પાંચ ફુટ ઉંડુ કરાશે. જ્યારે આજે ગામના 20 થી 25 વીઘા જમીનમાં તળાવ કરવામાં આવનાર છે. જેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે. તેમણે આ તકે જિલ્લામાં ગામે ગામ ચેક ડેમ કરવા જણાવ્યું હતું.

ગામના વતની અને રખીયાલના ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગત તા.૧૯ માર્થ થી ડમ્પર, ટ્રેક્ટરો અને જેસીબી જેવા સાધનો દ્વારા ૨૪ કલાક જળ સંચય અંગેની કામગીરી હાથ ધરેલ છે. ગ્રામજનો દ્વારા આગામી પાંચ વર્ષ સુધી જળ સંચય અંગેના ચેકડેમોનું કામ હાથ ધરવામાં આવશે. તેમણે આ તકે ખેડૂતોને સરકારની સૌર ઉર્જાની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

પૂર્વમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને પાણીની અછત-દુષ્કાળમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે જનભાગીદારીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. આ જળ અભિયાન એક યજ્ઞ છે. વરસાદના એક-એક ટીપાના પાણીને જમીનમાં ઉતારવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. જીવનનો મંત્ર બનાવીને દર વર્ષે જળ સંચય કરીએ.

તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં અગાઉ દાતાઓના સહયોગથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. તેમણે સરકારની વીજ ઉત્પાદનની સૌર યોજનાનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દુષ્કાળને ભૂતકાળ બનાવવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જળ સંગ્રહના વિકાસકાર્યો થકી અમરેલી જિલ્લો નોખો-અનોખો બન્યો છે. લાઠી તાલુકામાં થયેલા જળ સંગ્રહના કાર્યોનું ઋણ સ્વીકાર કરવાનો પ્રસંગ છે. આફતને અવસરમાં પલટાવવાનો પ્રસંગ એટલે સુજલામ સુફલામ જળ અભિયાન છે. ગામડાને ધબકતુ કરવા માટે દાતાનો સહકાર સરાહનીય છે. ધોમધખતા તાપમાં પણ આ જળસંચય માટેની પ્રવૃતિ વંદનીય છે. આવનારી પેઢી માટે આશીર્વાદ સમા જળ અભિયાનને હજુ વધુ ગતિશીલ કરવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, દાતા ધોળકીયા પરિવારના પ્રયત્નો લાઠી તાલુકામાં જળ સંગ્રહના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ‘જળ એ જ જીવન’ સૂત્ર લાઠી તાલુકામાં સાર્થક થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર આવતા કાયાપલટ થવાની તકોનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે પાણી માટેના કાર્યો હાથ ધરી જનતાની સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. ઇઝરાયેલ જેવા રાષ્ટ્રનો જળ સિંચન- ખેતી માટેની પદ્ધતિને આદર્શ બનાવી ક્રાંતિ લાવવા આહવાન કર્યું હતું. કૃષિ યુનિવર્સિટી દ્વારા આપાવામાં આવતું માર્ગદર્શન અનુસરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કૃષિક્રાંતિ લાવવા પ્રયત્નશીલ થઇએ તે જરૂરી છે.

કલેક્ટર આયુષકુમાર ઓકે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પહેલી મેથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહ માટેના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં 178 કામો શરૂ થયા છે અને મહિનાના અંતમાં 384 કામો પૂર્ણ કરાશે. 6500 શ્રમિકો કામ કરે છે અને 1.50 લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન કરવાનો અભિગમ છે. જિલ્લામાં રોજગારીનું સર્જન થયું છે. શ્રમિકોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ઉપસ્થિત થયા છે. લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્લાએ પૂરૂ પાડ્યું છે.

આ તકે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દાતાઓએ વૃક્ષારોપણ તથા જળસંગ્રહની કામગીરી માટે અનુક્રમે 51 હજાર તથા 21 હજારના ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યા હતા. તેમજ કન્યા કેળવણી નિધિ માટે 21 હજારનો ચેક અર્પણ કરાયો હતો.

આ તકે ફોરવર્ડ કન્યા શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્ર, જિલ્લા ભાજપ તથા ગ્રામ પંચાયતોના સભ્યો, ગ્રામજનો, દાતાઓ તથા ખેડૂતો અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારા સભ્ય વાલજી ખોખરીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા, અગ્રણીઓ પ્રફુલ પાનસેરીયા, ડૉ.કાનાબાર, કૌશિક વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, દાતાઓ મનજી ધોળકીયા, સવજી ધોળકીયા, દાસ ધામી, પેથાણી સહિતના અન્ય દાતાઓ-ઉદ્યોગપતિઓ જિલ્લાના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આભાર દર્શન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિર્ગુડે કર્યું હતું.


Advertisement