ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા : ખૂની પોલીસમાં સામેથી હાજર : ૨ ફરાર

12 May 2018 10:15 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા : ખૂની પોલીસમાં સામેથી હાજર : ૨ ફરાર

નરેન્દ્રસિંહ જાડેજાની હત્યામાં સંડોવાયેલ રાજેન્દ્રસિંહ જેઠુંભા જાડેજા સામેથી ગોંડલ તાલુકા પોલીસમાં હાજર : તેમના બે પુત્રો અજયસિંહ અને ક્રિપાલસિંહને શોધતી પોલીસ : ચુંટણીની અદાવતમાં બે ગરાસીયા જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ભોગ લેવાયો : એક ગંભીર : જીલ્લાભરના પોલીસબેડામાં દુઃખ સાથે શોક :

Advertisement

રાજકોટ તા.૧૨
ગોંડલ તાલુકાના મેસપર ગામે આજે બે ગરાસીયા જૂથો વચ્ચે ચુંટણીની જૂની અદાવત મુદ્દે થયેલી સશસ્ત્ર અથડામણમાં રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડોની હત્યા થઇ જતા સનસનાટી મચી ગઈ છે. જ્યારે એક ઘાયલને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હોવાની ગોંડલ તાલુકા પોલીસે વિગતો આપી હતી.

બનાવની મળતી વિગતો મુજબ આજે ગોંડલ તાલુકાના મેસપર ગામે ગરાસીયા પરિવારના બે જૂથો વચ્ચે અગાઉની ચુંટણી મુદ્દે હથિયારો સાથે ધીંગાણું સર્જાતા તેમાં રાજકોટના એસીપી ભરત રાઠોડના કમાન્ડો નરેન્દ્રસિંહ રાજુભા જાડેજાની માથામાં ધારિયું ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જયારે અન્ય એક ગંભીર અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને પણ માથામાં ધારિયું લાગવાથી ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે લઇ જવાયા છે. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ કાફલો મેસપર ગામે દોડી ગયો હતો અને મૃતક નરેન્દ્રસિંહની ડેડબોડીને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ બાબતે ગોંડલ તાલુકા પોલીસે હજુ કોઈ વિગતો બહાર આવી નથી તેમજ મૃતકની લાશ હોસ્પીટલમાં પડી હોય, ગુનો નોંધાવાનો બાકી હોવાનુંજણાવ્યું હતું. જયારે અન્ય આધારભૂત પોલીસ સુત્રોમાંથી " સાંજસમાચાર"ને વિગતો સાંપડી હતી કે આજે બપોરના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ગોંડલ તાલુકાના મેસપર ગામે મારામારીના બનાવમાં રાજકોટ સિટીમાં ફરજ બજાવતા અને એસીપી ભરત રાઠોડના કમાન્ડો એવા નરેન્દ્રસિંહ રાજુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા ઉપર તેજ ગામના રાજેન્દ્રસિંહ જેઠુંભા જાડેજા અને તેમના બે પુત્રો અજયસિંહ અને ક્રિપાલસિંહ એમ ત્રણેયે એકસંપ કરી ધારિયા વતી હુમલો કરતા નરેન્દ્રસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજા પામેલ અનિરુધ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

અમારા ગોપનીય સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, મેસપર ગામની આજની મારામારી ની ઘટનામાં એકનું ઢીમ ઢાળી દેનાર આરોપી રાજેન્દ્રસિંહ જેથુભા જાડેજા સામેથી ગોંડલ તાલુકા પોલીસમાં હાજર થઈને બનાવ કબુલ્યો છે. જયારે તેમના બે દીકરાઓ અજયસિંહ અને ક્રિપાલસિંહને પકડવા ગોંડલ તાલુકા પોલીસે કવાયત આદરી છે.બનાવ બાબતે રાજકોટ જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ અને ગોંડલના ડીવાયએસપી ચૌહાણ સતત સંબંધિત પોલીસસુત્રો સાથે સંપર્કમાં છે. તેઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. તેમજ આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ પીએસઆઈ વાય.બી.રાણા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પારિવારિક અને ચુંટણીના મનદુઃખથી આ ઘટના બનવા પામી હોવાનું જાણકારોનું કહેવું છે. સામાન્ય બોલાચાલી બાદ વાત ઉગ્રાવેશમાં ધીંગાણામાં ફેરવાઈ જતા અને તેમાં પણ એકની લોથ ઢળી જતા મેસપર ગામમાં અને ગોંડલ તાલુકામાં ચકચાર જાગી છે. મૃતક નરેન્દ્રસિંહજી જાડેજા બાબતે વધુ એવી પણ વિગતો મળવા પામી છે કે તેમના પિતા રાજકોટ ખાતે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર ખાતે ફરજ બજાવે છે તો તેમના એક ભાઈ રાજકોટ સીટી પોલીસ હેડ ક્વાર્ટરમાં એમટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વાતને લઈને નરેન્દ્રસિંહની હત્યાનું સમસ્ત રાજકોટ સ્થિત પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ વડા, અસીપી ભરત રાઠોડ સહિતના તમામ પોલીસ અધિકારીગણ અને પોલીસ પરિવારે દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો હતો.


Advertisement