સૌરાષ્ટ્ર-કચ્છ ભઠ્ઠી બન્યા: ઝાલાવાડમાં 44.3 ડીગ્રી

12 May 2018 12:15 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ ભઠ્ઠી બન્યા: ઝાલાવાડમાં 44.3 ડીગ્રી

રાજકોટ સહિતના શહેરમાં પારો વિક્રમી: ભાવનગરમાં 43.1 ડીગ્રી હજુ બે દિવસ પ્રકોપ વરસશે

Advertisement

રાજકોટ તા.12
ભારે ગરમી વચ્ચે ગઈકાલે સુરેન્દ્રનગર 44.3 અને અમદાવાદ 44 ડીગ્રી સહિત અનેક શહેરમાં સિઝનની વિક્રમી ગરમી નોંધાઈ છે તો આવનારા દિવસોમાં હજુ ગરમી વધે તેવી આગાહી વચ્ચે ઠેર ઠેર ઓરેંજ એલર્ટની સ્થિતિ છે. ગરમીએ ઉગ્ર સ્વરૂપ દેખાડતા ગીરીનગર જૂનાગઢ 41.2 ડીગ્રી ગરમીમાં ધખધખ્યુ હતું. લઘુતમ તાપમાન 25.5 અને ભેજનું નીચુ પ્રમાણ 26 તથા મહતમ પ્રમાણ 78 ટકા રહ્યુ હતું. ગઈકાલે ઝાલાવાડ પંથક રાજયમાં હોટેસ્ટ રહ્યો હતો. 44.3 ડીગ્રી જેવી સિઝનની વિક્રમી ગરમીથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની ગયા હતા. બજારોમાં કરફયુ જેવો માહોલ હતો.
રાજકોટમાં ગઈકાલે 42.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. લઘુતમ તાપમાન 26 ડીગ્રી રહ્યુ હતું. રાજકોટમાં આ મહિનામાં ગઈકાલનું તાપમાન સૌથી ઉંચુ જોવા મળ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 44 ડીગ્રી, ઈડરમાં 43.8 કંડલા એરપોર્ટ 43.2, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજયના મોટાભાગના શહેરો 40 થી 42 ડીગ્રી તાપમાન ધમધખ્યા હતા. કંડલા એરપોર્ટ ખાતે 43.6, ભૂજ ખાતે 41.4 નોંધાયુ છે જુનાગઢમાં પારો 41.2 સે.સુધી પહોંચી ગયો હતો. ભેજનું પ્રમાણ સવારે 70 ટકાની આસપાસ રહેતુ હોય છે પણ દરીયાકાંઠાના સ્થળોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં સાંજે હવામાન સુકુ થઈ જાય છે. ઉતર પશ્ર્ચિમના પવનના પગલે હજુ તાપમાન 44 સે.સુધી પહોંચવા હવામાન ખાતાની આગાહી છે
ભાવનગર 43.1 ડીગ્રી
ભાવનગરમાં મહતમ તાપમાને 43ની ડીગ્રીને પાર કરતા ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વૈશાખ માસના પ્રારંભ બાદ બીજા પખવાડીયાના ઉતરાર્ધમાં પણ સૂર્ય નારાયણનું રૌદ્ર સ્વરૂપ યથાવત રહેતા ભાવનગર જીલ્લામાં કાળઝાળ ગરમીનાં પગલે જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે. દરમ્યાન 24 કલાકમાં મહતમ તાપમાને 2 ડીગ્રીના વધારા સાથે આજે 43.1 ડીગ્રી પાર કરતા ગે દઝાડતી કાળઝાળ ગરમીના પગલે લોકો તોબા પોકારી ગયા હતા.
ગઈકાલે ભાવનગરનું મહતમ તાપમાન 43.1 ડીગ્રી અને લઘુતમ તાપમાન 28.9 ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33 ટકા અને પવનની ઝડપ 24 કીમી પ્રતિકલાકની રહી હતી.


Advertisement