બે બાળકો સહિત ત્રણના અકસ્માતમાં મોત

11 May 2018 01:17 PM
kutch
  • બે બાળકો સહિત ત્રણના અકસ્માતમાં મોત

ભૂજના કનૈયા ગામ નજીક માધાપરના મુસ્લીમ કુંભાર પરિવારને અકસ્માત :કારનો બુકડો વળી ગયો

Advertisement

ભુજ તા.11
જીલ્લા મથક ભુજને વાગડ વિસ્તાર સાથે જોડતા વાયા દુધઈ માર્ગ ઉપર ભુજ તાલુકામાં કનૈયા બે ગામ નજીક ગઇકાલે સવારે ટ્રેઇલર સામેથી આવી રહેલી કાર સાથે અથડાતાં સર્જાયેલા ગોઝારા જીવલેણ અકસ્માતમાં પુર્વ કચ્છના રાપર નગરના મુસ્લીમ કુંભાર પરિવારના સભ્ય અને તેમના કુટુંબના માધાપર ગામના બે બાળક મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.
હતભાગી મૃતકોમાં રાપરના સલીમ હુશેન કુંભાર (ઉ.વ.23) તથા માધાપરના સોહેબ અલીમામદ કુંભાર (ઉ.વ.10) અને રેહાન રમજાન કુંભાર (ઉ.વ.7) નો સમાવેશ થાય છે. તો સલમાબેન અલીમામદ કુંભાર નામની મહિલાને ઇજાઓ થઇ હતી. બહાર આવેલી વિગતો અનુસાર ભોગ બનનારા કુંભાર પરિવારના સભ્યો જીજે 12 બીઆર 9534 નંબરની મારૂતિ સ્વીફટ કારથી રાપરથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે કનૈયા બે ગામ નજીક એશિયા મોટર વર્કસ કંપની પાસે ગત સવારે આઠેક વાગ્યાના સુમારે તેમને જીજે 12 એયુ 7957 નંબરના ટ્રેઇલર સાથે આ ગમખ્વાર અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ટ્રેઇલરની ટકકર લાગતા બુકડો બોલી ગયેલી કારમાં સવાર સલીમ કુંભાર, સોહેબ કુંભાર અને રેહાન કુંભાર અત્યંત ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર નસીબ થાય તે પહેલા તેમના જીવનદીપ બુઝાઇ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં સલમાબેન કુંભાર નામના મહિલા ઘવાયા હતા. બનાવની જાણ થતા પદ્ધર પોલીસની ટુકડી સ્થાનિકે અને હોસ્પિટલે દોડી જઇને કાર્યવાહીમાં પરોવાઇ હતી. ભોગ બનનારાઓને ભુજના મામદ સુલેમાન કુંભારે હોસ્5િટલમાં ખસેડાયા હતા.


Advertisement