જામનગરમાં કિરીટ જોશીના હત્યારાનો સ્ક્રેચ જાહેર કરતી પોલીસ

10 May 2018 09:35 PM
Rajkot
  • જામનગરમાં કિરીટ જોશીના હત્યારાનો સ્ક્રેચ જાહેર કરતી પોલીસ
  • જામનગરમાં કિરીટ જોશીના હત્યારાનો સ્ક્રેચ જાહેર કરતી પોલીસ

સ્ક્રેચ મુજબનો શખ્શ કોઈને જોવા મળે તો જામનગર એસ.પી. અને એએસપીને જાણ કરવા અનુરોધ : જાહેર કરનારને રૂપિયા ૫૦ હજાર ઇનામ અપાશે : બાતમીદારનું નામ ગુપ્ત રહેશે : પોલીસ

Advertisement

રાજકોટ તા.૧૦
સારાયે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચકચારી બનેલ જામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણની તપાસ હવે સ્થાનિક પોલીસ સાથે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે સાંભળી છે. હત્યાના ખાસ્સા દિવસો થઇ ગયા હોવા છતાં સ્થાનિક પોલીસે હત્યારા સુધી પહોચવામાં જોઈએ તેવું પરિણામ ના મેળવતા રાજ્યના ડીજીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કાફલાને જામનગર મોકલતા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. ગઈકાલે ક્રાઈમબ્રાંચ કાફલાએ કિરીટ જોશીના રહેણાંક મકાન અને બનાવ સ્થળની મુલાકાત લઇ બારીકાઇથી તપાસ વેગવંતી બનાવી બનાવનું રિકન્ટકશન કર્યું હતું. છેલ્લા બે દિવસ થયા સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાંચ અમદાવાદની પોલીસની સદન તપાસ, શંકાશ્પદ ઇસમોના નિવેદનો, પૂછપરછ વચ્ચે આજે પોલીસે કિરીટભાઈ જોશીના હત્યારાનો સ્ક્રેચ જાહેર કરી પ્રજા વચ્ચે મુક્યો છે.

આ બાબતે પોલીસ જણાવે છે કે કિરીટભાઈ જોશીની હત્યા કરનાર શખ્શના જાણકાર આર્ટીસ્ટ દ્વારા આજે એક સંભવિત સ્ક્રેચ તૈયાર કરવામાં આવેલ છે. જે સ્ક્રેચમાં દેખાતા સખ્શ જેવું કોઈ નજરમાં પડે તો બાતમીદારોએ પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બાતમીદારનું નામ ગુપ્ત રખાશે. તેમજ સચોટ બાતમી પરથી જો આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળે તો આવી બાતમી આપનારને પોલીસ રૂપિયા ૫૦ હજાર રૂપિયા ઇનામ આપશે તેવી જાહેરાત કરાઈ છે.

પોલીસે જણાવ્યું છે કે સ્ક્રેચ મુજબનો શખ્શ જો કોઈને જોવા મળે તો જામનગરના પોલીસ અધિક્ષક(૯૯૭૮૪ ૦૮૧૯૧), અધિક પોલીસ અધિક્ષક જામનગર શહેર(૯૯૦૯૯ ૭૭૨૭૭) તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસ.ઓ.જી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર(૯૦૯૯૯૧૦૦૦૭)ને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે એ નોંધનીય છે ગઈ તા.૨૮.૪.૨૦૧૮ ના રોજ કિરીટભાઈ જોશી (એડવોકેટ) પોતાની ટાઉન હોલ સામેના જ્યોત ટાવરના ચોથા માળે આવેલી ઓફીસમાંથી ઉતરી પોતાના ઘર તરફ જવા નીકળ્યા ત્યારે રાત્રીના બરાબર નવ વાગ્યા ને નવ મીનીટે કિરીટભાઈની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી એક શખ્શ અન્ય બાઈક ચાલક પાછળ બેસી નાશી છૂટ્યો હતો. જે તે વખતે પોલીસેને આ હત્યાના સીસી ફૂટેજ મળ્યા હતા અને આ નિર્મમ હત્યાનો વિડીયો પણ વાઈરલ થયો છે.

કિરીટ જોશીની હત્યા બાદ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી વીસેક શખ્શોને હીરાશતમાં લઈને આકરી પૂછપરછ કરી હતી પણ કોઈ શંકાસ્પદ શખ્શ ના જણાતા તમામને છોડી મુકાયા હતા. બીજી બાજુ આ હત્યામાં જેને મુખ્ય સુત્રદ્ધાર તરીકે શંકાસ્પદ ગણાવાઈ રહ્યો છે તે જયેશ મુબઈ આર્થર જેલમાં તેમજ અમદાવાદ જુદી જુદી જગ્યાએ રોકાયો હોય, જામનગર પોલીસે મુબઈ તેમજ અમદાવાદ એમ સ્થળોએ ટુકડીઓ મોકલી ભાડુતી મારો આ શહેરોના છે કે કેમ તે અંગે તપાસ કરાવી હતી. પણ પોલીસને કોઈ કડી નહોતી મળી.


Advertisement