"સુજલામ સુફલામ" થી ગુજરાતની જળસંગ્રહ તાકાત વધશે: ગૃહ રાજ્યમંત્રી

02 May 2018 09:58 PM
Rajkot Gujarat
  • "સુજલામ સુફલામ" થી ગુજરાતની જળસંગ્રહ તાકાત વધશે: ગૃહ રાજ્યમંત્રી
  • "સુજલામ સુફલામ" થી ગુજરાતની જળસંગ્રહ તાકાત વધશે: ગૃહ રાજ્યમંત્રી

Advertisement

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આજથી 100 વર્ષ પહેલાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડે આજવા સરોવર અને વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યુ હતું. આજવા સરોવર આજે વડોદરા શહેરને પીવાનું પાણી જ્યારે 11 કિ.મી. વિસ્તારમાં પથરાયેલુ વઢવાણા તળાવ ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડે છે. ગુજરાત ગૌરવ દિન રાજ્ય સરકારે લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચયનો મહાયજ્ઞ ઉપાડ્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યના તળાવો, ચેકડેમો, નહેરોની સફાઇ, કાંસોની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ભીમ તળાવને ઊંડુ કરવાની કામગીરીનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ, મેયર ભરતભાઇ ડાંગર, ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે રાજેન્દ્ર ત્રિવેદીએ શહેરને વધુ હરિયાળુ બનાવવા ભીમ તળાવ ખાતે વૃક્ષારોપણ કરી શહેરી વન ઉછેર (અર્બન ફોરેસ્ટ) નો પ્રારંભ કરાવ્યો હતો. ત્રિવેદીએ જણાવ્યું કે, અભિયાન હેઠળ રાજ્યના 13 હજાર તળાવો ઊંડા કરવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે જેને પરિણામે 11 લાખ કરોડ ઘનમીટર પાણીનો જળસંગ્રહ થશે.

ત્રિવેદીએ રાજ્ય સરકારના આ જળસંચય અભિયાનમાં સૌ નાગરિકોને સહયોગ આપવાનો તેમણે અનુરોધ કરી પાણીને ઘીની જેમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આવેલા વિવિધ તળાવો પણ ઊંડા કરવામાં આવશે તેમ જણાવતાં તેમણે શહેરને હરિયાળુ બનાવવા માટે મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભીમ તળાવ ખાતે અર્બન ફોરેસ્ટની નવતર પહેલને તેમણે બિરદાવી હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતની જળસંગ્રહની તાકાત વધારશે અને ખેતી તથા પર્યાવરણ સુધારશે એવો વિશ્વાસવ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, એક મહિનો ચાલનારા જળસંચય અભિયાન હેઠળ રાજ્યના તેર હજાર જેટલા તળાવો અને જળસ્ત્રોતોની ઊંડાઇ વધારવી, કાંપ કાઢવો, સમારકામ કરવું જેવા 10570 જેટલા કામો કરવામાં આવશે જેના લીધે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 11 લાખ કરોડ ઘનમીટરનો વધારો થશે.

ગૃહ રાજ્યમંત્રીએ આજે કરજણ તાલુકાના દેથાણ, ધાવટ અને ધનોરા ગામોની મુલાકાત લીધી હતી તથા શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી તળાવના પાળાઓનું મજબૂતીકરણ, ઊંડાઇ વધારવી અને બ્યુટીફીકેશન જેવા જળસંચયના કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તથા આ કામોથી થનારા લાભોની ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. તેમણે સહયોગી સંસ્થાઓને જળસંચયના કામો પરિણામદાયક અને ગુણવત્તાસભર થાય તેની પૂરતી કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. ગ્રામજનોને પણ પાણીને પ્રભુનો પ્રસાદ ગણીને સાચવવા અને જળસ્ત્રોતો નજીક વૃક્ષો ઉછેરીને ગામના પર્યાવરણને હરિયાળુ બનાવવા અપીલ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી તે પછી વડોદરા ખાતે સયાજીપુરા એપીએમસીમાં આયોજિત કૃષિ કલ્યાણ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને સફળ ખેડૂતોની સન્માન કરવાની સાથે, ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે કરેલા આયોજનોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સતત એક દાયકા કરતાં વધુ સમયથી યોજાઇ રહેલા કૃષિ મહોત્સવોને લીધે સજીવ ખેતી વધી રહી છે અને કૃષિ વિકાસ દર 10 ટકાની નજીક પહોંચ્યો છે.


Advertisement