વાયબ્રન્ટ સમીટના રોકાણ-કરારમાં કેટલી રોજગારી મળી ? રૂપાણીએ રીપોર્ટ માંગ્યો

16 April 2018 06:29 PM
Gujarat
  • વાયબ્રન્ટ સમીટના રોકાણ-કરારમાં કેટલી રોજગારી મળી ? રૂપાણીએ રીપોર્ટ માંગ્યો

સચિવાલયમાં દોડધામ: રીપોર્ટના આધારે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Advertisement

ગાંધીનગર તા.16
ગુજરાતમાં વર્ષવાર થયેલ એમઓયુના રોકાણ બાદ રાજયમાં 20 એપ્રિલ સુધી કેટલાને રોજગારી મળી? તેની વિગતો મુખ્યમંત્રી વિજયભાઈએ મંગાવતા તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે. વાયબ્રન્ટ 2014ની તૈયારીઓ શરૂ કરતા પહેલા રાજયના તમામ જીલ્લા કક્ષાએથી આ અંગેની વિગતો મુખ્યમંત્રીએ માંગી હોવાના અહેવાલ છે.
ગુજરાત સરકારમાં વાયબ્રન્ટ 2013, 2015 અને 2017 અંતર્ગત થયેલા એમઓયુના સંદર્ભમાં પ્રોજેકટના ખરેખર થયેલા રોકાણ અને ખરેખર અપાયેલી રોજગારીની વિગતોની ચકાસણી કરવા માટે
ખુદ મુખ્યમંત્રી વિજયભાઈએ જીલ્લા તંત્ર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.
મળતી માહિતી અનુસાર વાયબ્રન્ટ સમીટને લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં કાર્યરત ઈન્ડસ્ટ્રીયલ સેલ દ્વારા દર માસે સમીક્ષા થતી હોય છે ત્યારે આ સેલ દ્વારા ખરેખર રોજગાર અને ખરેખર થયેલા રોકાણની તલસ્પર્શી વિગતો મંગાવાઈ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાતે અંગત રસ દાખવી આ અંગેની સમીક્ષા તમામ જીલ્લા કલેકટરો અને ડીડીઓ સાથેની બેઠક પરામર્શ આ સપ્તાહ દરમ્યાન જ કરવાના છે.
તો બીજી તરફ રાજયમાં વર્ષવાર કરવામાં આવેલા એમઓયુની પ્રોજેકટ વાઈઝ સમીક્ષા અને પ્રોજેકટમાં થયેલે રોકાણના પ્રમાણમાં ઉત્પન્ન થયેલી રોજગારીની ચકાસણી કરવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હોવાના અહેવાલ છે.
ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં હાઉસીંગ ક્ષેત્રે થયેલા ધિરાણ અને એમઓયુના મુદાની તમામ વિગતો સાથેનો વિગતવાર અહેવાલ સીએમઓને આપવા તેમને જણાવાયું છે. સાથે સાથે જીલ્લા કક્ષાએ એમઓયુ મોનીટરીંગ સમીતીની બેઠકમાં રજુ થયેલ અમલીકરણની ધીમી ગતિ અંગેની વિગતો પર મુખ્યમંત્રી વિજયભાઈએ માંગી હોવાથી તંત્રમાં સન્નાટા સાથે ગભરાટ જોવા મળી રહ્યો છે અને તંત્ર હવે મુખ્યમંત્રીએ માંગેલી વિગતોમાં શું જવાબ આપવો તેની અવઢવમાં મુકાઈ ગયા છે.
જાન્યુઆરી 2019માં વાયબ્રન્ટ ગુજરાત માટેનું આયોજન કરતા પહેલાં સઘળી બાબતો અંગે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાતે જ સમીક્ષા કરવાનો નિર્ણય કરી સૌને ચોંકાવી દીધા છે ત્યારે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે વિજયભાઈ આ સમીક્ષા બેઠકમાં સરકારી અધિકારીઓ, બેંકના અધિકારીઓ, જીલ્લા કલેકટરો, ડીડીઓ ઉપરાંત ઔદ્યોગીક ક્ષેત્ર સાથે સંકળાયેલા વિભાગો અને તેના તમામ અધિકારીઓને એક સાથે એક જ જગ્યાએ હાજર રાખી સર્વગ્રાહી સમીક્ષા કરશે તેમ જાણવા મળ્યું છે.


Advertisement