જામનગરમાં અજાણ્યા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા

16 April 2018 04:23 PM
Jamnagar Crime
  • જામનગરમાં અજાણ્યા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા

હરિયા કોલેજ પાસે રાત્રી દરમિયાન ઘટના ઘટી હોવાનો પોલીસનો અંદાજ: પોલીસે હત્યાનો ભોગ બનેલ યુવાનની અને આરોપીઓના સગડ મેળવવા કવાયત: માથાના ભાગે બોથડ પદાર્થ ફટકારી નિપજાવાઇ હત્યા

Advertisement

જામનગર તા.16
જામનગરમાં શાંતી હણાઇ ગઇ હોય તેમ લુંટ, મારામારી અને જુથ અથડામણ સહિતના વધી રહેલા બનાવ વચ્ચે હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. હરીયા કોલેજ પાસે અજાણ્યા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ ફટકારી ઢીમ ઢાળી દેવાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મૃતકનો કબ્જો સંભાળી ગંભીર ગુન્હાનો તાગ મેળવવા તપાસ હાથ ધરી છે.
જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી ગંભીર ગુન્હાઓનું પ્રમાણ વધવા પામ્યું છે. એમાંય હત્યા પ્રયાસના ગુન્હા તો આમ બની ગયા હોય તેમ રોજ એકાદ બે બનાવો પોલીસ દફતરે પહોચતા હોય છે ત્યારે તાજેતરમાં વૃઘ્ધા પર હુમલો કરી બે લુંટારૂઓ દ્વારા લુંટ ચલાવ્યાના બનાવની શાહી સુકાઇ નહીં ત્યાં અજાણ્યા યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના સીટી સી ડિવિઝન પોલીસ હસ્તક આવતા હરીયા કોલેજ નજીક આજે સવારે અજાણ્યા યુવાનની ઘાતક ઇજા પહોચેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સીટી સી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ફટકારી અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની હત્યા નિપજાવી હોવાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે મૃતકના દેહને જી.જી. હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ વિધી સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પેન્ટ, શર્ટ પહેરેલા અને 40 થી 42 વર્ષની ઉંમર ધરાવતા આ મૃતક યુવાનની ઓળખ સામે આવ્યા બાદ જ આ બનાવ અંગેની કડીઓ મળશે. પોલીસે હાલ એડી દાખલ કરી પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ હત્યાનો ગુન્હો દાખલ કરશે એમ જાણવા મળ્યું છે. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.


Advertisement