અલંગમાં લોખંડ પડતા મજુરના મોત બાદ શ્રમિકો વિફર્યા : તોડફોડ-ક્રેઇન સળગાવવાનો પ્રયાસ

16 April 2018 03:51 PM
Bhavnagar

નિયમોનો ઉલાળ્યો કરી મજુરો પાસે કરાવાતા કામના મામલે શ્રમિકોમાં આક્રોશ

Advertisement

ભાવનગર તા.16
અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નં.2માં રાત્રીના સમયે રવિવારની જાહેર રજા હોવા છતાં કામ શરૂ રાખેલ હોય એક મજુર ઉપર વજન પડતા મજુરનું મોત નિપજયું હતું. નિયમોની ઐસી તૈસી કરીને કામ શરૂ હોય અને એમાંય મજુરનું મોત નિપજતા પરપ્રાંતીય મજુરો ઘટનાને લઇ વિફર્યા હતા. પ્લોટમાં તોડફોડ અને અને આગ લગાવવાનો પ્રયાસ કર્યાની વાતને લઇ પોલીસ કાફલો દોડી ગયો હતો.
અલંગ જહાંજવાડામાં જાણે મજુરોના જીવની કોઇ કિંમત ન હોય અને શીપબ્રેકીંગને લઇ ઘડેલા કાયદાઓની પણ ધોધ ઉડતો હોય તેવી ઘટનાઓ વારંવાર બહાર આવ્યા વગર રહેતી નથી.
રવિવારની જાહેર રજાનો દિવસએ ઉપરાંત સાંજના છ વાગ્યા બાદ પ્લોટમાં કામ થોભાવી દેવાના નિયમોની ઐસી તૈસી કરીને પ્લોટ નં.2માં રાત્રીના સમયે પણ કામ શરૂ રાખવામાં આવ્યું હતું.
જેમાં રાત્રીના દસેક વાગ્યાના સુમારે મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે એક શ્રમિક ઉપર વજન પડતા મજુરનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.
નિયમો વિરૂઘ્ધ સમયની મર્યાદા ઓળંગીને કરાવાતા કામ તેમાંય મજૂરના મોતને લઇ શ્રમિકોમાં રોષ ફેલાયો હતો. રોષના પગલે પ્લોટ નં.2માં પડેલ સામાનમાં તોડફોડ અને ક્રેઇન સળગાવવાનો પ્રયાસ કર્યાનું પોલીસને જાણ કરવામાં આવતા અલંગ પો.ઇ.પટેલીયા, મરીન પોલીસ મળી બંને પોલીસ મથકનો કાફલો ક્રોધે ભરાયેલ, ટોળાને કાબુમાં લેવા દોડી ગયો હતો.


Advertisement