ઓક્ટોબર : પ્રેમ અને પીડાનો અદ્વિતીય સંગમ!

16 April 2018 01:20 PM
Entertainment
  • ઓક્ટોબર : પ્રેમ અને પીડાનો અદ્વિતીય સંગમ!

Advertisement

શૂજિત સરકાર મસ્ત-મજાની રમત રમી ગયા, બાપલિયા! એક તો ‘ઓક્ટોબર’નું ટ્રેલર રીલિઝ કર્યુ ત્યારે ભરપૂર સસ્પેન્સ અને થ્રીલ પેદા કરી અને બીજું, પ્રમોશન દરમિયાન યુટ્યુબ પર ગીતો અપલોડ કર્યા! પણ ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે એમાંના એકેય ગીતો બે કલાક સુધી દેખા નથી દેતાં! (આને કે’વાય માર્કેટિંગ..!) ઉછળકૂદ કરીને ગલગલિયા કરાવતાં વરૂણ ધવનનો અતિ શાંત અવતાર જોઈને સિનેમાંને તો ભય હતો કે ક્યાંક દિગ્દર્શક શૂજિત સરકાર બહુ મોટી ભૂલ તો નથી કરી બેઠા ને!? પણ બિલકુલ નહી સાહ્યબ, એપ્રિલમાં આવેલા ‘ઓક્ટોબર’ મહિનાએ બોલિવુડ ઇન્ડસ્ટ્રીને વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ પ્રદાન કરી આપી છે.
દિલ્હીની રેડ્ડીસન બ્લ્યુ નામની ફાઇવ સ્ટાર હોટલમાં ટ્રેઇની તરીકે કામ કરી રહેલા દાનિશ ઉર્ફે ડેન (વરૂણ ધવન) અને શાઉલી (બનિતા સંધુ)ની આ વાત છે. 30 ડિસેમ્બરની રાતે અકસ્માતે શાઉલી હોટલનાં ત્રીજા માળ પરથી નીચે પટકાઈ જાય છે. હોસ્પિટલમાં તેના પર પુષ્કળ ઓપરેશનો કર્યા બાદ તેની જાન તો બચી જાય છે પરંતુ ડોક્ટર્સ તેનાં ભાનમાં આવીને સાજા થવાની આશા ખોઈ બેસે છે. ડેનિશ ધીરે-ધીરે શાઉલી માટે ખૂબ લાગણીસભર બનતો જાય છે, જેની અસર તેનાં કરિયર પર પણ પડવા લાગે છે.
પ્રેમ, પીડા, વેદના, હાસ્ય, અપેક્ષા, આશા, નિરાશા, અને વાસ્તવિકતાનો સરવાળો એટલે ‘ઓક્ટોબર’! જીવન કોને કહેવાય અને શા માટે તેનો ઘૂંટડે-ઘૂટડો નિરાંતપણે ગળે ઉતારવો જરૂરી છે એ વાત બખૂબીપૂર્વક સમજાવાઈ છે. ફિલ્મની એકે-એક ફ્રેમમાં તમે વીતી ગયેલી જિંદગીનાં ટુકડાને માણી શકશો. અહીં શ્વાસ, નિ:શ્વાસ અને વિશ્વાસનાં ઝૂલતાં પુલ વચ્ચે ઉભેલા બે વ્યક્તિની વાત છે. ‘ઓક્ટોબર’ એ જીવાઈ ગયેલી જિંદગીનું દર્પણ છે. જ્યાં અમુક પ્રેક્ષક પોતાનો ભૂતકાળ જોઈ શકશે તો અમુક વર્તમાન! દિગ્દર્શક શૂજિત સરકાર અને લેખક જૂહી ચતુર્વેદીએ અત્યંત સભાનતાપૂર્વક ફિલ્મને મંદ ગતિએ આગળ વધારી છે. કારણકે રેડ વાઇનને આરામથી પુસ્તક વાંચતા-વાંચતા દરેક ઘૂંટડાનો આસ્વાદ માણીને પીવાની આખી એક અલગ મજા છે, એકસામટો આખો ગ્લાસ ગટગટાવી જાઓ તો કદાચ ભયંકર કડવી પણ લાગે!
શક્ય હોય તો એવા સમયે ફિલ્મ જોવા જજો જ્યારે ક્રાઉડ ઓછું હોય! જેનું કારણ એ છે કે આ ફિલ્મને સમજી શકવાની ક્ષમતા દરેક પાસે નથી જ હોવાની! અને કદાચ આ વસ્તુ સંભવ ન બને તો આજુબાજુની સીટ પર સંભળાતાં ખીખીયાટાને શાંત ચિત્તે અવગણવાની ક્ષમતા પણ કેળવી લેજો! એક છેલ્લી વાત. ભાગદોડવાળા જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનું મનોમંથન કરવાની ઇચ્છા હોય તો અચૂક આ ફિલ્મ જોવા જેવી છે.
bhattparakhyahoo.com

: ક્લાયમેક્સ :
બનિતા સંધુની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ એટલે ‘ઓક્ટોબર’! ભવિષ્યમાં તે ગમે એટલી ફિલ્મો કરી લે છતાં આપણો પ્રેક્ષકવર્ગ તો જીવનભર શિઉલીને તેની ભાવવાહી આંખો વડે જ યાદ રાખશે..

: સાંજસ્ટાર:
(1) ઓક્ટોબર : ચાર ચોકલેટ (2) ફેરાફેરી હેરાફેરી : ત્રણ ચોકલેટ (3) રેમ્પેજ : બે ચોકલેટ
Image result for october movies
ઓક્ટોબર
કેમ જોવી? : ઓફ-બીટ ફિલ્મોને પ્રાધાન્ય આપી શકતાં હો તો!
કેમ ન જોવી? : વરૂણ ધવનને સિક્સ-પેક એબ્સ ધરાવતાં ચાર્મિંગ હીરો સિવાયનાં અન્ય કોઇ પાત્રમાં જોઈ શકવા સક્ષમ ન હો તો!
Image result for rampage movies
રેમ્પેજ
કેમ જોવી? : ડ્વેન જોહ્નસન અને રેમ્પેજની વીડિયો ગેમ રમવાનાં ચાહક હો તો!
કેમ ન જોવી? : કશું જ નવું નથી. નવા પ્રકારની વૈજ્ઞાનિક ખોજને લીધે માણસજાત ખતરામાં મૂકાય અને ત્યારબાદ દરિંદાઓ અમેરિકાની ઉંચી-ઉંચી ઇમારતોને તબાહ કરી નાંખે તેવા દ્રશ્યોથી કંટાળ્યા હો તો!
Related image

ફેરાફેરી હેરાફેરી
કેમ જોવી? : ખડખડાટ હસાવીને લોટપોટ કરી દેતી ગુણવત્તાસભર ગુજરાતી ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતાં હો તો!
કેમ ન જોવી? : કોમેડી ઢોલિવુડ ફિલ્મો હવે પેટમાં અપચો કરાવી દેતી હોય તો!


Advertisement