રૂરલ ક્રાઇમ કોર્નર

14 April 2018 12:33 PM
Crime Saurashtra
Advertisement

જેતપુરની પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
જેતપુર શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ અકળ કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવવાળા વિસ્તારમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા કરીશ્માંબેન જાવેદભાઈ ટાંક(ઉ.વ.30) નામની પિંજારા મહિલાએ ગઈકાલે તેમના ઘટે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમની ડેડબોડી પીએમ માટે સરકારી હોસ્પીટલે લઇ જવાતા ફરજ પરના ડો.નીકીતાબેન પડિયાની જાણ પરથી જેતપુર શહેર પોલીસ સ્ટેશનના જમાદાર વી.યુ.આરબે આગળની તપાસ હાથ ધરી છે.

શાપરના વયોવૃદ્ધનું બીમારી સબબ મોત
શાપર(વેરાવળ)માં સર્વોદય સોસાયટીમાં રહેતા લાખાભાઈ ભોજાભાઈ મકવાણા(ઉ.વ.70) ને ગઈ તા.12 ના રોજ બીમારી સબબ બેભાન થઇ જતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ ફરજ પરના ડોકટર એસ.એસ.તવલેકરે તેમને મૃત જાહેર કરી, શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી. આ બનાવની વધુ તપાસ વી.બી.ચાવડાએ હાથ ધરી છે.

વાડોદરગામે વાડીમાંથી 20 મણ લસણ ચોરાયું
પાટણવાવ તાલુકાના વાડોદર ગામની સીમમાંથી 20 મણ લસણ ચોરાયાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પાટણવાવ ગામની સીમમાં વાડી ધરાવતા સર્દુલભાઈ રૂડાભાઈ મિયાત્રાના ખેતરમાંથી કોઈ હરામખોર તા.10-4 થી 11-4 દરમિયાન રૂપિયા 10 હજારની કિમતનું 20 મણ લસણ ચોરી કરી લઇ જતા આ બારાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પ્રોબેશનલ એ.એસ.આઈ. એમ.એન.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિના પહેલા થયેલા હુમલાની આટકોટ પોલીસમાં ફરિયાદ : 5 સામે ગુનો
ગઈ તા.21-03-2018 ના રોજ આટકોટ તાલુકાના ગુંદાળા(જામ) ગામની સીમમાં પુના ચાના ઝાપડિયા નામના 40 વર્ષીય ભરવાડ આધેડ પર તેજ ગામના 5 શખ્શો ભૂપત હમીર જાપડા, વિપુલ હમીર જાપડા, હાજા ધના જાપડા, ધના ચોથા જાપદા તથા ભીમા ઉકા જાપડાએ ગાયો ચરાવવા બાબતે માથાકૂટ કરી ધારિયા વડે હુમલો કરતા પુના ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું.
હોસ્પીટલમાં સારવાર બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પણ હુમલાખોર શખ્શોએ સમાધાનમાં ભંગાણ સર્જી પુન: દાદાગીરી ચાલુ કરતા પુનાભાઈએ પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ આટકોટ પોલીસના ફોજદાર એ.વી.જાડેજાએ હાથ ધરી છે.

ડેડરવાનો શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો
જેતપુર તાલુકાના ડેડરવા ગામે રહેતા મિલન ચીમન ચાવડા નામના શખ્શને જેતપુર તાલુકા પોલીસના જમાદાર ભુરાભાઈ માલીવાડે દેશી દારૂ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુર શહેર-તાલુકા પોલીસના દેશી દારૂ દરોડા
જેતપુર તાલુકા પોલીસના પોલીસ જમાદાર ભુરાભાઈએ રેશમડીગાલોલ ગામે રહેતા કાળું મોહન વેગડાના કબજામાંથી 7 લીટર દેશી દારૂ પકડી પડ્યો હતો. કાળું પોલીસને જોઇને નાશી છૂટ્યો હતો. જમાદાર મુસ્તુફાભાઈ ચૌહાણે મંડલીકપૂર ગામેથી અદામ નુરમહમદ સંધીને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો.
જેતપુર શહેર પોલીસે જુદા જુદા ત્રણ દેશી દારૂ દરોડામાં જમાદાર એસ.એન.પરમારે નવાગઢ જુના વાસમાંથી વિજય કલ્યાણ પરમારને દેશી દારૂ સાથે પકડી લીધો હતો. જમાદાર અનિલભાઈ ગુજરાતીએ દેરડી ધાર સરકારી સૌચાલય પાછળથી કાન્તા જોરુ વડોદરિયા નામની મહિલાને દેશી દારૂ સાથે પકડી પાડી હતી. એ.એસ.આઈ.એમ.આર.રાડાએ શહેરના જનતાનગરમાં મધુ રજુ સોલંકીના કબજામાંથી દેશી દારૂ પકડ્યો હતો પણ કાન્તા નાશી છૂટી હોવાનું પોલીસ જણાવે છે. જ્યારે જમાદાર એમ.ટી.ચુડાસમાએ બોરડી સમઢીયાળા ગામ નજીકથી યોગેશ ઉર્ફે અમિત દાદુ જાદવ ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાંથી હદપારી શખ્શ પકડાયો
જેતપુર શહેર પોલીસના ભાવેશભાઈ ચાવડાએ ભાદર સામા કાંઠા વિસ્તારમાં રહેતા ભાવેશ નારણ મેર જાતે કોળી કોઈ કારણ વગર એસ.એમ.ડી.ગોંડલના હદપાર હુકમનો ભંગ કરતો પકડી પાડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાએ વેરાવળના સિકંદર કાદર કાદરી જાતે સૈયદને નાઝાવાળાપરા વિસ્તારમાં લપાતો છુપાતો, તાળા ફંફોસતો, ગુનો કરવાના ઈરાદે ભટકતો ઝડપી લીધો હતો.

ભાડેર ગામે આધેડ પર 5 શખ્શોનો હુમલો
પાટણવાવ તાલુકાના ભાડેર ગામે ગઈકાલે બપોરે એક યુવાન પર તે જ ગામના 5 શખ્શોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની મળતી વિગતો મુજબ ધોરાજી તાલુકાના ભાડેર ગામના મુકેશ હરજી સાંગાણી નામના પટેલ આધેડ ઉપર ખેતરના કેદમાં ચાલવા બાબતે ચાલી આવતી જૂની અદાવતનો ખાર રાખી તે જ ગામના 5 શખ્શોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઈજાઓ કરતા મુકેશભાઈને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોમાં રઘુભા જીતુભાઈ વાઘેલા, દિગુભા જીતુભાઈ વાઘેલા, પૃથ્વીસિંહ ભાવસંગ વાઘેલા, જયુભા જીતુભા વાઘેલા અને ગંભીરસિંહ જીતુભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement