રૂા.40ની લાંચ લેતા વનરક્ષક પકડાયો

13 April 2018 03:36 PM
kutch Crime

સુરજબારી પુલ પાસે લાકડા ભરેલી બોલેરો રોકતા એ.સી.બી.એ દબોચ્યો..

Advertisement

ગાંધીધામ તા.13
જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી ચેકપોસ્ટ ઉપર લાકડાં ભરીને જિલ્લા બહાર જતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણીની ફરીયાદોનાં પગલે એસીબીની ટીમે રૂા.40ની લાંચ લેતા વનરક્ષક એવા ઘનશ્યામ હીરજી સોનાગર નામના કર્મીને રંગે હાથ પકડી પાડટો હતો.
સમગ્ર એશિયામાં ગાંધીધામ સંકુલનો લાકડા ઉદ્યોગ પ્રખ્યાત છે. અને અહીથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો થકી લાકડા જીલ્લા બહાર જતા હોય છે. આવા વાહન ચાલકોએ સૂરજબારી વન વિભાગની ચેકપોસ્ટ પાસેથી ટ્રાન્ઝીસ્ટ પાસ લેવાના હોય છે.
આ પાસ પર સહી સિકકા મારી આપવા માટે વન વિભાગના અમુક લાંચીયા કર્મીઓ લાંચ ઉઘરાવતા હોવાની એક જાગૃત નાગરિકે પૂર્વ કચ્છ એસીબીમાં માહિતી આપી હતી. દરમ્યાન રાત્રે ગળપાદર ત્રણ રસ્તા પાસેથી લાકડા ભરેલી બોલેરો નીકળતા તેને એસીબીએ અટકાવી હતી અને આ ચાલકને છટકામાં સહકાર આપવા જણાવતા આ ચાલકે સહમતી દર્શાવી હતી. પરિણામે એસીબીની ટીમે સૂરજબારી ચેકપોસ્ટ પર જઈ છટકુ ગોઠવ્યુ હતું. આ વાહન ચાલક ચેકપોસ્ટ પર આવતા પાસમાં સહી સીકકા કરવા માટે વન રક્ષક એવા ઘનશ્યામ સોનાગરે રૂા.100ની માંગણી કરી હતી. પરંતુ બોલેરો ચાલકે પોતાનું નાનું વાહન હોવાનું કહેતા આ વનરક્ષકે રૂા.60 પરત આપ્યા હતા અને રૂા.40ની લાંચ સ્વીકારી લીધી હતી. તેવામાં છટકુ ગોઠવીને બેઠેલી એસીબીની ટીમ ત્રાટકી હતી અને આ કર્મીને રંગેહાથ ઝડપી પાડયો હતો.
આ કામગીરીમાં એસીબી પીઆઈ પી.વી. પરગડુ સાથે ટીમ જોડાઈ હતી.


Advertisement