નાની કંપનીઓ (SME)ના IPOમાં ગુજરાતનો ડંકો: સમગ્ર દેશમાં નંબર-વન

10 April 2018 11:51 AM
Business Gujarat
  • નાની કંપનીઓ (SME)ના IPOમાં ગુજરાતનો ડંકો: સમગ્ર દેશમાં નંબર-વન
  • નાની કંપનીઓ (SME)ના IPOમાં ગુજરાતનો ડંકો: સમગ્ર દેશમાં નંબર-વન

છ વર્ષમાં નાની કંપનીઓના 113 આઈપીઓ; 1301 કરોડ ઉઘરાવ્યા ; મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગરના ઔદ્યોગીક કલસ્ટર થકી મોટો લાભ

Advertisement

અમદાવાદ તા.10
પ્રાયમરી માર્કેટમાં મોટી સંખ્યામાં આવેલા આઈપીઓમાં એસએસઈ (સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ) નો મોટો હિસ્સો છે અને તેમાં ગુજરાતની કંપનીઓનો ડંકો છે. છેલ્લા છ નાણાકીય વર્ષ દરમ્યાન નાના-મધ્યમ એકમોના એમએમઈઆઈપીઓ સૌથી વધુ ગુજરાતની કંપનીઓના આવ્યા છે અને સૌથી વધુ નાણાં પણ ગુજરાતની કંપનીઓએ મેળવ્યા છે.
પંતોમથ એડવાઈઝરી સર્વિસ ગ્રુપ દ્વારા એકત્રીત આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા છ નાણાકીય વર્ષમાં કુલ 377 એસએસઈ આઈપીઓએ પ્રાયમરી માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. તેમાંથી 113 કંપનીઓ ગુજરાતની હતી. 377 એસએમઈ આઈપીઓ મારફત 4226 કરોડ એકત્રીત થયા હતા તે પૈકી 1301 કરોડ ગુજરાતની કંપનીઓએ મેળવ્યા હતા.
એસએમઈ આઈપીઓમાં ગુજરાત પછી મહારાષ્ટ્રનો બીજો ક્રમ છે. મહારાષ્ટ્રની 107 કંપનીઓએ 1195 કરોડ, દિલ્હીની 30 કંપનીઓએ 260 કરોડ તથા પશ્ર્ચીમ બંગાળની 23 કંપનીઓએ 257 કરોડ એકત્રીત કર્યા હતા. હાલ બોમ્બે સ્ટોક એકસચેંજ તથા નેશનલ સ્ટોક એકસચેંજમાં એસએમઈ કંપનીઓ માટેના ટ્રેડીંગ પ્લેટફોર્મ મૌજુદ છે. સૌપ્રથમ બોમ્બે સ્ટોક એકસચેંજે 2012માં તે શરૂ કર્યુ હતું. પંતોમથ ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર મહાવીર લુણાવતના કહેવા પ્રમાણે જામનગર, મોરબી, ભાવનગર અને રાજકોટ જેવા શહેર-જીલ્લાઓમાં મોટા ઔદ્યોગીક કલસ્ટરનો કંપનીઓને લાભ મળે છે. આ કલસ્ટરની અનેક કંપનીઓ એસએમઈ આઈપીઓ મારફત નાણાં એકત્રીત કરી રહી છે.
2017-18નું નાણાં વર્ષ નાની કંપનીઓ માટે શ્રેષ્ઠ બની રહ્યું હતું. ગુજરાતમાંથી 51 એસએમઈ આઈપીઓ આવ્યા હતા અને 663 કરોડ ઉઘરાવાયા હતા. વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાં 1478 એસએમઈ આઈપીઓ મારફત 2155 કરોડ એકત્રીત થયા હતા.
નાની કંપનીઓ પરંપરાગત રીતે બેંક લોન, સરકારી ગ્રાંટ અને ઘરની મૂડી પર મદાર રાખતી હોય છે. બદલાતા ધંધાકીય યુગમાં વિકાસ અને રીવર્સ ઉપરાંત માર્કેટીંગ વગેરે ક્ષેત્રો માટે વધુ નાણાંની આવશ્યકતા રહે છે. એસએમઈ ક્ષેત્રમાં પ્રોજેકટ આધારીત અથવા વિકાસ સંલગ્ન ભંડોળ ચાલતુ નથી એટલે પ્રાયમરી માર્કેટ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. વધુને વધુ ઉદ્યોગપતિઓ આ માર્ગ અપનાવી રહ્યા છે.


Advertisement