રોકડની રેલમછેલ: નોટબંધીના સમય કરતા પણ ‘રોકડા’ વધી ગયા

15 March 2018 11:41 AM
India
  • રોકડની રેલમછેલ: નોટબંધીના સમય કરતા પણ ‘રોકડા’ વધી ગયા

નવેમ્બર 2016 માં 17.97 લાખ કરોડ ચલણમાં હતા જે હાલ 18.13 લાખ કરોડ થયાનો રીપોર્ટ

Advertisement

મુંબઈ તા.15
દેશના વેપાર ઉદ્યોગ પરના નોટબંધીના પ્રત્યાઘાતો શમી ગયા હોવાના દાવા વચ્ચે હવે એવી આંકડાકીય માહીતી બહાર આવી છે કે દેશમાં રોકડની રેલમછેલ થઈ ગઈ છે. આજે રોકડ કરન્સી નોટબંધીના સમય કરતા પણ ઘણી વધી ગઈ છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાનાં રીપોર્ટ પ્રમાણે 9મી માર્ચની સ્થિતિએ ચલણમાં રહેલી રોકડનો આંકડો 18.13 લાખ કરોડ રૂપિયા થયો છે. જે નોટબંધી પૂર્વે 4થી નવેમ્બર 2016 ના રોજ 17.97 લાખ કરોડ હતી. આમ નોટબંધી વખત કરતાં પણ અત્યારે ચલણમાં રોકડ વધી ગઈ છે.
રોકડની રેલમછેલ થઈ જવા પાછળ અનેકવિધ કારણોને આગળ ધરવામાં આવી રહ્યા છે. ડીજીટલ અભિયાન અંગે વાદ વિવાદમાં પડવા કોઈ માંગતી નથી છતા ગ્રામ્ય અર્થતંત્રમાં ધબકાર હોવાનો આના પરથી સંકેત ઉઠતો હોવાનો દાવો છે. ગ્રામ્ય અર્થતંત્ર રોકડ વ્યવહારો પર જ નિર્ભર રહેતુ હોય છે.
જાણકારોનું એવુ કથન છે કે કેટલાંક રાજયોમાં ચૂંટણીને કારણે રોકડનું ચલણ વધી ગયુ છે.અલબત આ કામચલાઉ જ છે ચૂંટણીમાં નાણાંકીય લેવડ દેવડ રોકડમાં જ થતી હોવાથી તેમાં કોઈ નવાઈ નથી છતાં એક બાબત મહત્વની છે કે બેંકીંગ સીસ્ટમમાં તેનાંથી દબાણ આવી શકે છે.
કેન્દ્ર સરકારે નવેમ્બર 2016 માં પણ 1000 ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકીને નોટબંધી લાગુ કરી હતી. ભ્રષ્ટાચાર, કાળાનાણાં તથા ત્રાસવાદ માટેના ફંડીંગને રોકવા આ નિર્ણય લેવાયાનું જાહેર કરાયું હતું. નોટબંધીના છેલ્લા દિવસે 30 મી ડીસેમ્બરે ચલણમાં રોકડનો આંકડો 8.93 લાખ કરોડ થઈ ગયો હતો જે નોટબંધી પૂર્વે 17.97 લાખ કરોડ હતો.
Advertisement