વિજ ઈજનેરોનું વર્ક-ટુ-રૂલ: નોકરીનો સમય પૂર્ણ થઈ ગયા બાદ વધારાના કોઈ કામ નહીં કરે

13 March 2018 08:07 PM
India

આવતીકાલે ગાંધીનગરમાં સત્યાગ્રહ, 20મીએ માસ સીએલ ; વિજમથક-સબસ્ટેશનો અન્ય સ્ટાફને હવાલે: ઈમરજન્સી કામો કરાશે- પ્રજાને હેરાનગતિ નહીં થવા દેવાય: બી.એમ.શાહ

Advertisement

રાજકોટ તા.13
પગાર સહીતની 30થી વધુ માંગણીઓના ટેકામાં આંદોલન શરૂ કરનારા વિજ ઈજનેરોએ આજે વર્ક ટુ રુલ કાર્યક્રમ આપ્યો છે. પરિણામે સબ ડીવીઝન વગેરે સાંજથી ઈજનેરો સિવાયના સ્ટાફને હવાલે થઈ જશે.
જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા પગાર વધારા ઉપરાંત ભથ્થા, નોકરીમા સવલતો સહીત 30થી વધુ માંગણીઓ સબબ આંદોલન શરૂ કર્યુ છે. લાંબા વખતથી માંગણીઓનો ઉકેલ આવતો ન હોવાથી આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા સરકારને નોટીસ પણ પાઠવી દીધી હતી. ઈજનેરોની હડતાળને ગેરકાયદે જાહેર કરવામાં આવી હોવા છતાં તેઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાના મામલે ટસના મસ થયા ન હતા અને લડતના કાર્યક્રમો યથાવત જ રાખ્યા હતા.ગત સપ્તાહમાં ધરણા-દેખાવોનો કાર્યક્રમ યોજાનાર વિજ ઈજનેરો દ્વારા આજે વર્ક ટુ રુલ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જીબીયાના પ્રમુખ બી.એમ.શાહે જણાવ્યું હતું કે રાજયના તમામ 55000 વિજ ઈજનેરો વર્ક ટુ રુલમાં જોડાયા છે. સાંજે 6.00 વાગ્યે નોકરીનો સમય પૂર્ણ થયા બાદ કોઈ વહીવટી કામકાજ નહીં કરે અન્યથા સાંજે સાડા આઠ વાગ્યા સુધી ફરજ બજાવતા હોય છે. જો કે, લોકોને કોઈ મુશ્કેલી ન થાય કે વિજ સપ્લાયને અસર ન પહોંચે તે માટે વિજપુરવઠાના ઈમરજન્સી કોલ્સને એટેન્ડ કરાવવાનું ચાલુ રહેશે.
આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણા-દેખાવો યોજવામાં આવશે તેમાં રાજયભરમાંથી વિજ ઈજનેર યુનીયનના હોદેદારો જોડાશે અને વિવિધ પડતર માંગણીઓનો નિવેડો લાવવા માટે પડઘો પાડવામાં આવશે. આ પછી 20મીએ ખાસ સીએલનો કાર્યક્રમ યોજાશે ત્યારે તમામ ઈજનેરો એક દિવસની હડતાળ પર ઉતરી જશે.

વિજ ઈજનેરોની રજા મંજુર નહીં કરાય: આંદોલન ગેરકાયદે
રાજયભરના જ વિજ ઈજનેરોએ અનેકવિધ માંગણીના ઉકેલ માટે સરકાર પર દબાણ લાવવા માટે આંદોલન શરૂ કર્યુ છે. 20મીએ માસ સીએલ યોજાશે અને 26મીની બેમુદતી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે જયારે ગુજરાત ઉર્જા નિગમે આંદોલન હડતાળને ગેરકાયદે જાહેર કરી છે.જીઈબી એન્જીનીયર્સ એસોસીએશને હડતાળની નોટીસ આપી તે પછી તુર્ત જ ઉર્જા નિગમે તેને માન્ય ગણી ન હતી. હવે એવા નિર્દેશ છે કે 20મીના માસ સીએલના કાર્યક્રમ વખતે ઈજનેરોની રજા મંજુર કરવામાં નહીં આવે.


Advertisement