અરબી સમુદ્રમાં લો-પ્રેસર: વાદળો છવાશે, વરસાદની શકયતા નથી

13 March 2018 08:06 PM
India
  • અરબી સમુદ્રમાં લો-પ્રેસર: વાદળો છવાશે, વરસાદની શકયતા નથી

દક્ષિણ ભારતમાં ત્રણ ઈંચ સુધી તથા મહારાષ્ટ્ર સુધીના રાજયોમાં ઝાપટાથી એક ઈંચ વરસાદની શકયતા ; જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 17થી 19 સુધી વાદળો છવાશે; 13થી20 માર્ચ દરમ્યાન તાપમાન 36થી38 ડીગ્રીની રેન્જમાં નોર્મલથી ઉંચુ જ રહેવાની શકયતા

Advertisement

રાજકોટ તા.13
અરબી સમુદ્રમાં સીઝનનું પ્રથમ લો-પ્રેસર સર્જાયુ છે. તેના પ્રભાવ હેઠળ દક્ષિણના રાજયોમાં વરસાદ તથા મહારાષ્ટ્ર જેવા રાજયોમાં માવઠા થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાદળો છવાશે છતાં વરસાદ-માવઠાની શકયતા ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ગત સપ્તાહમાં મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી ત્રણ ડીગ્રી ઉંચુ રહ્યું હતું. રાજકોટનું મહતમ તાપમાન 37.3 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 2 ડીગ્રી વધુ હતું. અમરેલીનું 38.8 ડીગ્રી નોર્મલ કરતા 3 ડીગ્રી તથા અમદાવાદનું 37.1 ડીગ્રી નોર્મલ કરતા એક ડીગ્રી વધુ રહ્યું છે. ઉનાળો આગળ ધપવા સાથે નોર્મલ તાપમાનનો આંકડો પણ હવે 34 ડીગ્રી વાળો 35 ડીગ્રી થઈ ગયો હોવાનું તેઓએ સ્પષ્ટ કર્યુ હતું.
બીજી તરફ બે દિવસ પુર્વે બંગાળની ખાડીમાં શ્રીલંકાના દક્ષિણે અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ હતું તે હવે અરબી સમુદ્રમાં સરકયુ છે અને લો-પ્રેસર તરીકે 8 ડીગ્રી ઉતર અને 75.8 ડીગ્રી પુર્વ પર કેન્દ્રીત છે. ક્ધયાકુમારીથી 225 કી.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ર્ચિમે અને શ્રીલંકાથી 450 કીલોમીટર દુર પશ્ર્ચિમે વેલમાર્ક લો-પ્રેસર તરીકે છે.
આ સીસ્ટમ ઉતર-પશ્ર્ચિમ તરીકે ગતિ કરી રહી છે. બે દિવસ પછી ઉતર તરફ અને ત્યારપછી ઉતરપુર્વ તરફ વળાંક લ્યે તેવી શકયતા છે. અલબત, આ સમયગાળામાં સીસ્ટમ નબળી પડી જશે તે પૂર્વે 24-48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પણ શકયતા છે.
અરબી સમુદ્રમાં સીઝનનું પ્રથમ લો-પ્રેસર સર્જાયુ હોવાનો નિર્દેશ કરતા શ્રી અશોકભાઈ પટેલે કહ્યું હતું કે આ સીસ્ટમની અસર હેઠળ 13થી20 માર્ચ દરમ્યાન તામીલનાડુ, કેરળ અને કર્ણાટકમાં એકથી બે ઈંચ તથા અમુક સ્થળોએ ત્રણ ઈંચ સુધીનો વરસાદ થવાની શકયતા છે. જયારે મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ તથા તેલંગાણા જેવા રાજયોમાં ઝાપટાથી માંડીને એક ઈંચ સુધી વરસાદ થવાની શકયતા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત વિશે આગાહી કરતા તેઓએ કહ્યું કે બે દિ’થી ઝાકળવર્ષા થઈ રહી છે. હજુ 14થી17 દરમ્યાન બે દિવસ ઝાપળ પડવાનું ચાલુ રહેશે જયારે 17થી19 દરમ્યાન વાદળો ધરાશે. જો કે, વરસાદ કેમાવઠુ થવાની શકયતા નથી.
સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાપમાન 36થી38 ડીગ્રીની રેન્જમાં રહેશે જે નોર્મલ કરતા એકથી બે ડીગ્રી ઉંચુ રહેવાની શકયતા છે. વાતાવરણ મિશ્ર રહેશે.


Advertisement