મોડપર ગામે મેલડી માતાના મંદિરને નિશાન બનાવતા તસ્કરો

13 March 2018 04:33 PM
Jamnagar

આભુષણો, દાનપેટીમાંથી રોકડ, એક એલસીડી ટીવી સહિત અડધા લાખના મુદામાલની ચોરી

Advertisement

જામનગર તા.13
જામનગર તાલુકાના મોડપર ગામે મેલડી માતાના મંદિરને નિશાન બનાવી કોઇ તસ્કરો માતાજીને ચડાવવામાં આવેલ આભુષણો, દાનપેટીની રોકડ, એક એલસીડી ટીવી તથા ડીવીડી સહિતનો મુદામાલ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે સરપંચે પંચ કોશી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર સહિતના બે મંદિરમાં થયેલ ચોરીના બનાવનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. જામનગર તાલુકાના મોડપર ગામે આવેલ મેલડી માતાના મંદિર ગત તા.11મીના રોજ રાત્રે કોઇ તસ્કરો અંદર ઘુસ્યા હતાં. મંદિરમાં રાખવામાં આવેલ કબાટનું તાળું તોડી તેમજ દાન પેટીનું તાળું તોડી અંદરથી સાત હજારની રોકડ તેમજ 10 હજારની કિંમતની એક એલસીબી ટીવી, રૂપિયા સાત હજારની કિંમતનું એક ડીવીડી, નવ હજારની કિંમતનું એક યુપીએસ તથા 900ની કિંમતનું જીઓ કંપનીનું એક ડોગલ ઉપરાંત માતાજીના મંદિરના નાના-મોટા ચાંદીના 25 ઝુમખા સહિત રૂા.48900ની કિંમતનો મુદામાલ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે સવારે જાણ થતાં સરપંચ મહેન્દ્રસિંહ શિવુભા જાડેજાએ પંચ કોશી એ ડિવિઝનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એચ.બી. ગોહિલ સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement