માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!

13 March 2018 03:12 PM
Morbi
  • માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!
  • માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!
  • માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!
  • માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!
  • માળીયા મિંયાણા નગરપાલિકામાં સ્ટાફના નામે સમ ખાવા પૂરતા એકમાત્ર ચીફ ઓફિસર!

મોરબી જિલ્લાની ડી ગ્રેડની સુધરાઇમાં 12 વર્ષથી અધિકારીઓની જગ્યા ખાલી : કોંગ્રેસના શાસનથી પ્રજા સાથે વેર વાળતી સરકાર : રોજમદારો પર ચાલતો વહિવટ...

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
મોરબી જીલ્લામાં આવતી ડી-ગ્રેડની માળિયા મિયાણા નગરપાલિકાને 12 વર્ષથી કાર્યરત કરવામાં આવી છે જો કે, આ કચેરીમાં આજની તારીખે એક માત્ર ચીફ ઓફિસર સિવાય બીજા કોઇપણ કાયમી કર્મચારીને સરકાર દ્વારા મુકવામાં આવેલ નથી જેથી લોકોને લાઈટ, પાણી, રોડ, રસ્તા સહિતની જે પ્રાથમિક સુવીધો મળવી જોઈએ તે મળતી નથી આટલું જ નહિ પાલિકા દ્વારા શહેરમાંથી વેરની વસુલાત પણ કરવામાં આવતી નથી જેના કારણે પાલિકાની સ્વભંડોળની આવક પણ નીલ છે જેથી માત્રને માત્ર સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટના આધારે જ પાલિકાનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે તે હક્કિત છે.
તમને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કોઈ ખંડેર બિલ્ડીંગના દ્રશ્યો નથી...આ છે મોરબી જીલ્લામાં આવતી ડી-ગ્રેડની માળિયા મિયાણા નગરપાલિકાની કચેરી...આ વાત સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, તમને એ વાત જાણીને સૌથી મોટો જટકો લાગશે કે, આ કચેરીમાં 12 વર્ષથી ચીફ ઓફિસર સિવાય બીજા કોઈપણ સરકારી કાયમી કર્મચારીને મુકવામાં આવ્યા નથી તો સ્વાભાવિક રીતે કોઇપણના મનમાં એક પ્રશ્ર્ન ઉભો થાય કે માત્ર એક અધિકારીથી 15000 જેટલી વસ્તી ધરાવતા શહેરમાં તમામ વ્યવસ્થા કેવી રીતે પૂરી પાડવામાં આવતી હશે હાલમાં આ પાલિકા રામભરોસે ચાલી રહી છે એટલે કે, રોજમદાર કર્મચારી રાખવામાં આવ્યા છે જે માળિયા પાલિકામાં સર્વેસર્વાં થઇ ગયા છે.
શહેરીજનો પાસેથી મળતી વિગત મુજબ માળિયા મિયાણા વર્ષો જૂની ગ્રામ પંચાયત હતી અને મુખ્ય શહેરથી ત્રણથી પાંચ કિલો મીટરના અંતરે આવેલા વાંઢ વિસ્તારો ત્યારે પંચાયતની હદ્દમાં આવતા હતા જેથી તેને એમને એમ જ રાખીને માર્ચ 2006થી માળિયા મિયાણાને પાલિકાનો દરજ્જો દેવામાં આવ્યો હતો અને આ પાલિકાનો રાજ્યની ડી-ગ્રેડની પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી વર્ષોથી સુવિધાને ઝંખતા માળીયાના રહેવાસીઓને એવી આશા હતી કે, માળિયા મિયાણાને પાલિકાનો દરજ્જો મળી જવાથી લોકોને લાઈટ, પાણી, રોડ, રસ્તા સહિતની જે પ્રાથમિક સુવીધો સારી રીતે મળશે પરંતુ સરકારી કામ ગોકળગતિએ કરવામાં આવે તે તો લોકોએ સાંભળ્યું જ હશે. સરકારી ભરતી અને નિમણુક ગોકળગતિએ કરવામાં આવે તો શું સ્થિતિ થઇ તે જોવું હોય તો માળિયા શહેરની મુલાકાત લેવાની જરૂર છે.
છેલ્લા 12 વર્ષથી કાર્યરત માળિયા મિયાણા નગરપાલિકામાં એક માત્ર ચીફ ઓફિસર સિવાય બીજા કોઇપણ અધિકારી કે કર્મચારી સરકાર દ્વારા મુકવામાં આવ્યા નથી જેથી હંગામી કર્મચારીઓને કામે રાખીને સરકારી કામગીરીનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે માળીયાના કોંગ્રેસના આગેવાન હારૂનભાઈ સાંધવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, માળિયા શહેર કોંગ્રેસી હોવાથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા માળિયાની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને પાલિકા અસ્તિત્વમાં આવી તેને 12 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજ દિન સુધી આ પાલિકામાં ઈજનેર, એકાઉન્ટટ સહિતના અધિકારીઓ મુકવામાં આવ્યા નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં તેમના દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે હાલમાં જે ચીફ ઓફિસર છે તે માળિયા પાલિકા કચેરીએ આવતા નથી અને ત્યાં બેસીને કામ પણ કરતા નથી જેથી નાનામોટા કામ માટે પાલિકાના હંગામી કર્મચારીઓ તેમજ શહેરીજનોને મોરબી સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
હાલમાં આસરે 15 હજારથી વધુની વસ્તી ધરાવતા માળિયા મિયાણા શહેરમાં ફાયર, બાગ બગીચા કે પછી અન્ય કોઈપણ સુવિધા નથી આટલું જ નહિ નગરપાલિકાની હદ્દમાં આવતા રોડ સારા બનાવવા માટે છેલ્લા વર્ષોમાં લાખો રૂપિયાની ખર્ચ કરી નાખવામાં આવ્યા છે તો પણ આજની તારીખે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉબડખાબડ રસ્તા જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા વર્ષોમાં વાપરવામાં આવેલી સરકારી ગ્રાન્ટમાંથી લોકોની સુવિધામાં શું વધારો થયો તે પ્રશ્ન છે હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા પાસેથી મળતી વિગત પ્રમાણે પાલિકામાં કોઈ સ્ટાફ જ ન હોવાથી શહેરની સફાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 23 સફાઈ કામદાર, 6 ડ્રાઇવર, ચોકીદાર, ઓફીસ સ્ટાફ, વાલ્વમેન સહીત કુલ મળીને 40 જેટલા હંગામી કર્મચારીઓને રાખવામાં આવ્યા છે જેનો પગાર સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે.
અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા હંગામી કર્મચારી રાખવામાં આવ્યા છે પરંતુ તેમના દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે હક્કિત છે જેથી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ સારી રીતે મળતી નથી સામન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની હદ્દમાં તેના સ્વભંડોળ અને સરકારી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાના થતા હોય છે જો કે, માળિયા પાલિકામાં સ્વભંડોળની આવક નીલ છે જેથી હંગામી કર્મચારીઓના પગાર સહિતના ખર્ચા કાઢવામાં જ સરકાર તરફથી મળતી ગ્રાન્ટો વપરાઈ જાય છે. માળિયા પાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી શહેરમાં સુવિધા વધારવા માટે સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જેટલી પણ ગ્રાન્ટો પાલિકાને ફાળવવામાં આવી છે તે ખર્ચી નાખવામાં આવી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેના કોઈપણ દસ્તાવેજી પુરાવા પાલિકા કચેરીમાં નથી.
માળિયા પાલિકાની હદ્દમાં વિકાસ કામોની આડમાં વર્ષો પહેલા ગેરરીતી કરવામાં આવી હોવાથી થોડા સમય પહેલા આવેલા ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા તેની જાણ કલેકટર સુધી કરવામાં આવી હતી જેથી કલેકટર દ્વારા માળિયા પાલિકાના નાણાકીય હિસાબોની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે, ડીએમઓ દ્વારા આજની તારીખે પાલિકાના નાણાકીય વ્યવહારોની તપાસ પૂરી થઇ નથી જેથી સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ કયા કરવામાં આવ્યો છે અને વિકાસના નામે કેટલા કોભંડો કરવામાં આવ્યા છે તે હજુ સુધી બહાર આવ્યું નથી તે હક્કિત છે.
નગરપાલિકાની હદ્દમાં રોજમદાર કે પછી હંગામી કર્મચારીઓ દ્વારા પહેલા માટે 3000 રૂપિયાના માસિક વળતરથી કામગીરી કરવામાં આવી રહી હતી જો કે, આ પગાર ઓછો પડતો હોવાની ફરિયાદ સાથે હંગામી કર્મચારીઓ દ્વારા થોડા સમય પહેલા સફાઈ સહિતની તમામ કામગીરી બંધ કરી દીધી હતી જેથી શહેરીજનોના હિતમાં નિર્ણય કરીને હંગામી કર્મચારીઓનો પગાર 3000 માંથી 5000 કરી દેવામાં આવ્યો છે. હજુ પણ લોકોને પ્રાથમિક સુવીધો મળતી નથી જેથી સરકારી ગ્રાન્ટ અને પ્રજાના પૈસાનું પૂરેપૂરું વળતર પ્રજાને મળે તે માટે વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા માળિયા પાલિકામાં ઈજનેર, એકાઉન્ટટ સહિતના અધિકારીઓ મુકવામાં આવે તેમજ અન્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.


Advertisement