19.9 કરોડ ડોલરના લોન કૌભાંડમાં 25 વર્ષની સજા

12 March 2018 09:37 PM
Rajkot World
  • 19.9 કરોડ ડોલરના લોન કૌભાંડમાં 25 વર્ષની સજા

નિક પટેલ આ લોન કૌભાંડમાંથી રજવાડી શોખ પૂરા કરતો હતો

Advertisement

ઓર્લેન્ડો: 19.9 કરોડ ડોલર એટલે કે લગભગ 1150 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કરનારા નિકેશ ઉર્ફે નિક પટેલને શિકાગો કોર્ટે 25 વર્ષની જેલની સજા ફટકારી છે. નિક પટેલે 1150 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કર્યું એ કારણે પેનન્ટ મેનેજમેન્ટ કંપનીને તાળા લાગી ગયા હતા. નિક ભાગવાનો પ્રયાસ કરતો હતો એ દરમિયાન પકડી લેવાયો હતો. નિક ભાગીને એક્વાડોર પહોંચે તેના બીજા દિવસે તેની પત્ની ત્રિશા બાળકોને લઈને એક્વાડોર ભાગી જવાની હતી.

નિક પટેલ આ લોન કૌભાંડમાંથી રજવાડી શોખ પૂરા કરતો હતો. એકથી એક ચડિયાતી બ્રાન્ડ્સની શોપિંગ કરતો. કોલગર્લનો શોખીન નિક પટેલ તે માટે ખાસ પનામાના વૈશ્યાલયોની મુલાકાત લેતો હતો. પનામા જઈને નિક ખર્ચાળ હોટેલોમાં દિવસો સુધી પડ્યો પાથર્યો રહેતો હતો. પનામા જતો ત્યારે ટ્રમ્પ ક્લબમાં રોકાતો હતો. ફ્લોરિડામાં કિસિમીમાં ગેલોર્ડ પામમાં રહેતો નિક કેરેબિયન સમુદ્રમાં નેવિસ ટાપુમાં વેકેશન ગાળવા જતો ત્યારે ફોર સીઝન જેવી ભવ્ય હોટલમાં રહેવાનું પસંદ કરતો હતો.

એટલું જ નહીં, શિકાગો કોર્ટમાં લોન કૌભાંડની સુનાવણી થવાની હોય ત્યારે પણ તે ચાર્ટર પ્લેનમાં શિકાગો આવતો. તેની પાછળ તેણે 19,000 ડોલરનો ખર્ચ કર્યો હતો. તેની દીકરીની પહેલી બર્થ-ડે પાર્ટી આપવા માટે નિક પટેલે કિસિમીની ભવ્ય હોટલમાં 30,000 ડોલર એટલે કે લગભગ 20 લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચી હતી.

અમેરિકામાં ચાલી રહેલા લોન કૌભાંડના કેસથી બચવા માટે નિક પટેલે એક્વોડોર ભાગી જવાની યોજના બનાવી હતી. નિક અને તેનો સાથીદાર કેવિન તિમિરચંદ એક્વાડોર ભાગી જવાની ફિરાકમાં હતા ત્યારે જ ગત 6 જાન્યુઆરીએ કિસિમી એરપોર્ટ પરથી એફબીઆઈએ તેમને 40 હજાર ડોલર સાથે ઝડપી લીધા હતા.
નિક એક્વાડોર જઈને બિઝનેસ સેટ કરવા ઈચ્છતો હતો. 3.5 કરોડ ડોલરના હીરા ખરીદીને મનીલોન્ડરિંગ કરવાનો હતો. એટલું જ નહીં, એક્વાડોર પહોંચે એ પહેલા જ નિક પટેલે ત્યાં પણ આવી જ રજવાડી જિંદગી માટેની તૈયારી કરી લીધી હતી. એક્વાડોરમાં નિક પટેલે 5,00,000 ડોલરના ખર્ચે લક્ઝુરિયસ કાર ખરીદી રાખી હતી. બ્રાન્ડેડ ઘડિયાળો, આઠ મોબાીલ અને ડોલર ઉપરાંત એક વ્હાઈટ પાઉડર ભરેલી બેગ (જેમાં કદાચ કોકેઈન હોવાની શક્યતા છે) સહિતની વસ્તુઓ એફબીઆઈએ જપ્ત કરી લીધી છે.

નિક પટેલ ફર્સ્ટ ફાર્મર્સ ફાઈનાન્શિયલ (FFF) કંપનીનો સીઈઓ છે. તેની કંપની FFF પર મિલવૌકી સ્થિત પેનન્ટ કંપનીને જૂન 2013થી અત્યાર સુધીમાં 150 મિલિયન ડોલર (અંદાજે 920 કરોડ રૂપિયા)ની લોન ખોટા દસ્તાવેજો પર વેચવાનો આરોપ હતો. એફબીઆઈ મુજબ, નિકે આવી 25 લોનને ખોટા દસ્તાવેજોને આધારે વેચી હતી. લોનની સાથે પેટેલ જે ગેરંટી ફોર્મ જમા કરાવ્યા હતા તે પણ ચેડાં કરેલા હતા.

29મી સપ્ટેમ્બર 2014એ ઈલિનોઈસના નોર્ધન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નિક પટેલ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જારી કરાયું હતું. બાદમાં 30 સપ્ટેમ્બર 2014એ એફબીઆઈએ નિક પટેલની ધરપકડ કરી હતી. બાદમાં 1,00,000 ડોલરના બોન્ડ પર તેને મુક્ત કરી દેવાયો હતો. એ સમયે તેણે લોનની રકમ ભરવામાં એજન્સીઓને મદદ કરવાની ખાતરી આપી હતી. પણ, જામીન પર છૂટ્યા બાદ તેણે લોન ભરપાઈ કરવાને બદલે પોતાના મોજશોખ પાછળ જ ડોલર ઉડાડવાનું ચાલુ રાખ્યું હતું.
નિક પટેલની કંપની પાસેથી લોન ખરીદનાર પેનન્ટ મેનેજમેન્ટ ઇન્કે પટેલ વિરુદ્ધ 72.8 મિલિયન ડોલરનો દાવો માંડ્યો હતો.

નન્ટે નિકની પત્ની ત્રિશા પર પણ કેસ કર્યો છે. જેમાં ત્રિશા પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ હતો કે, તે અગાઉ ક્વાડ્રાન્ટ ફાઇનાન્શિયલ ઇન્કમાં કામ કરતી હતી. અહીંયા તે USDA ગેરંટીડ રુરલ ડેવલપમેન્ટ લોન પ્રોગ્રામ સાથે કામ કરતી હતી. આ પ્રોગ્રામ સાથે કામ કરીને ત્રિશાએ એ જાણી લીધું કે આ પ્રોગ્રામનો ગેરલાભ કેવી રીતે ઉઠાવી શકાય.

જુલાઇ 2014માં જ્યારે નિક પટેલે એક હોટેલ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે પટેલની વેબસાઇટ અનુસાર, તેમણે સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પરંતુ તે અંગે સ્થાનિક મીડિયાએ તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે માહિતી ખોટી છે અને સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાં આ અંગે કોઇ રેકોર્ડ જ નથી. જ્યારે આ અંગે નિક પટેલને પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટ બાયોગ્રાફી તેમણે લખી નથી અને તેમાં બદલવા કરવામાં આવશે. બાદમાં વેબસાઇટ પર સુધારો મૂકવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, પટેલે સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાં ક્લાસ અટેન્ડ કર્યા હતા.
Advertisement