શુટીંગ વર્લ્ડ કપમાં ભારતની અંજુમે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

10 March 2018 04:53 PM
Ahmedabad Sports
  • શુટીંગ વર્લ્ડ કપમાં ભારતની અંજુમે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

અંજુમે પોતાની કારકિર્દીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો હતો

Advertisement

અમદાવાદ : મેક્સિકોમાં ચાલી રહેલ શુટિંગ વર્લ્ડ કપમાં અંજુમ મુદગિલએ ભારતનું ગૌરવ વધાર્યું છે. અંજુમે શુટીંગ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પર નિશાન તાક્યું હતું. જે ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ)માં તેનો પ્રથમ મેડલ હતો. અંજુમે 50 મીટર રાઈફળ થ્રી પોઝિશનમાં મેડલ જીત્યો હતો. વર્લ્ડ કપના છઠ્ઠા દિવસે પડકારજનક સ્થિતિમાં અંજુમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચીનની રૂઈજિયો પેઈ બાદ બીજા સ્થાને રહી હતી. ફાઈનલમાં 45 શોટ બાદ પેઈએ 455.4 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે અંજુમે 454.2 પોઈન્ટ પોતાના નામે કર્યા હતા. ચીનની તિંગ સુન 442.2 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીતી હતી. આ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો આ આઠમો અને પ્રથમ સિલ્વર મેડલ હતો. આ પહેલા ભારતીય શૂટર્સે ત્રણ ગોલ્ડ અને ચાર બ્રોન્ઝ સહિત સાત મેડલ જીત્યા હતા. શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
અંજુમ આ મુકાબલાની શરૂઆતથી જ મેડલની રેસમાં સામેલ હતી. ફાઈનલમાં જ્યારે ઘૂંટણ પર બેસીને ફાયર કરવાનો રાઉન્ડ સમાપ્ત થયો તો 15 શોટના આ રાઉન્ડમાં તે ત્રીજા સ્થાને રહી હતી. આ રાઉન્ડમાં પેઈ અને સ્લોવાકિયાની જીવા વોર્સાક તેનાથી આગળ હતી. શોર્ટ પ્રોન પોઝિશનમાં તેણે પાંચ શોટમાં પોતાની સરસાઈ વધારી દીધી હતી. 15 શોટ પ્રોન સિરિઝ બાદ પણ અંજુમ આગળ હતી. જોકે બાદમાં 10મી શોટ સિરિઝના અંતમાં પ્રથમ બે ફાઈનલિસ્ટ ટોપ-8થી બહાર થઈ ગઈ અને અંજુ પણ ચોથા સ્થાને જતી રહી હતી. અંતમાં અંજુમે 10.2, 10.1, 9.5 અને 10.2 પોઈન્ટ હાંસલ કરીને સિલ્વર મેડલ જીતી લીધો હતો.


Advertisement