GSTB-3બી રિટર્ન વધુ ત્રણ મહીના ચાલુ રહેશે

09 March 2018 11:38 AM
India
  • GSTB-3બી રિટર્ન વધુ ત્રણ મહીના ચાલુ રહેશે

સિંગલ ફોર્મવાળી નવી સીસ્ટમનો અમલ કરવા ત્રણ મહીના જોઈશે રિફંડના ત્રાસથી વાઝ આવી ગયેલા નિકાસકારોએ મોદીની મુલાકાત માંગી આવતીકાલે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નવી રિટર્ન ફાઈલીંગ સીસ્ટમને મંજુરી અપાશે

Advertisement

નવી દિલ્હી તા.9
શનિવારે મળનારી જીએસટીની કાઉન્સીલની બેઠકમાં સરળ બનાવાયેલા સેલ્સ રિટર્ન જીએસટીઆર-3બી ભરવાની મુદત વધુ ત્રણ મહીના (જૂન સુધી) લંબાવવા નિર્ણય કરાશે.
નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી પરિષદની બેઠક જીએસટી હેઠળ રજીસ્ટર્ડ બીઝનેસીસ માટે રિટર્ન ફાઈલીંગ પ્રોસીજરને આખરી સ્વરૂપ આપશે. કાઉન્સીલ સંમત થશે તો નવી રિટર્ન ફાઈલિંગ સીસ્ટમનો અમલ કરવા ત્રણ મહિના લાગશે. ત્યાં સુધી જીએસટીઆર-3બી ચાલુ રહેશે.
જુલાઈમાં સરળ સેલ્સ રિટર્ન જીએસટીઆર- 3બી દાખલ કરાયું હતું. જીએસટીના અમલના શરુઆતી મહિનાઓમાં સરળતાથી રિટર્ન ભરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પછી બિઝનેસીસ ફાઈનલ રિટર્નસ- જીએસટીઆર-1,2 અને 3 ભરવાના થતા હતા.
ફાઈનલ રિટર્નસ ફાઈલ કરતી વખતે ઈન્વોઈસ મેચીંગ તથા જીએસટીએન સીસ્ટમમાં મુશ્કેલીથી વેપારીઓ તરફથી ફરિયાદોના કારણે જીએસટી કાઉન્સીલે ગત નવેમ્બરમાં જીએસટીઆર-3બી ફાઈલિંગની મુદત માર્ચ 2018 સુધી લંબાવી પરચેઝ રિટર્ન જીએસટીઆર-2 અને ફાઈનલ રિટર્ન 3 ફાઈલ કરવાની જરૂરિયાત રદ કરી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીઆર-3બી ફાઈલીંગ સીસ્ટમ હવે સ્થિર થઈ છે અને વેપાઓને પણ માફક આવી ગઈ છે. તેથી નવી રિટર્ન ફાઈલીંગ સીસ્ટમ ન ગોઠવાય ત્યાં સુધી વેપારીઓ 3બી ફાઈલ કરવાનું ચાલુ રાખી શકે.
જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ કરવાની આખરી તારીખ પછીના મહીનાની 20 તારીખ મુકર્રર કરાઈ હતી.
જીએસટી કાઉન્સીલે ગત જાન્યુઆરીમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીના વડપણ હેઠળની પ્રધાનોની સમીતીને રિટર્ન ફાઈલ કરવાની સરળ પ્રોસેસ તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ હતી જેથી વેપારીઓને રિટર્ન ફાઈલ કરવા એકજ ફોર્મ ભરવું પડે.
પ્રધાનોના જૂથો ગત મહિને સરળ રિટર્ન ફોર્મ તૈયાર કર્યુ હતું, પણ એ મીટીંગ અધુરી રહી હતી.
પ્રધાનોની બેઠકમાં કેન્દ્ર અને રાજયોના અધિકારીઓએ તેમના મોડેલ ફોર્મ પેશ કર્યા હતા, જયારે નંદન નીલેકણીએ પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ગત 1 જુલાઈથી જીએસટીના અમલ પછી જીએસટી નેટવર્ક પોર્ટલ પર અત્યાર સુધી 8 કરોડ જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
કરચોરી વિરોધી પગલાં અને ઈનવોઈસ મેચીંગના અભાવે જીએસટીની વસુલાત જુલાઈ પછી ઘટી છે.
જાન્યુઆરીમાં 57.78 લાખ જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ કરાયા હતા અને એ સામે તિજોરીને રૂા.86,318 કરોડની આવક થઈ હતી.
ડીસેમ્બરમાં 56.30 લાખ જીએસટીઆર 3બી ફાઈલ કરાયા હતા અને એ પેટે રૂા.86706 કરોડની વસુલાત થઈ હતી.
નવેમ્બર 2017માં 53.06 લાખ રિટર્ન ભરાયા હતા અને કુલ આવક રૂા.80808 કરોડ રહી હતી.
જુલાઈના પ્રથમ માસમાં વસુલાત સૌથી વધુ રૂા.9000 કરોડ જોવા મળી હતી.
દરમિયાન, નિકાસકારો હજુ રિફંડ મળવામાં વિલંબથી ખફા છે. તેમણે આ મુદે વાણિજય પ્રધાન સુરેશ પ્રભુનો સંપર્ક કર્યો હતો. પ્રભુને પણ ફરિયાદમાં તથ્ય જણાવતાતેમણે વડાપ્રધાન અને નાણાપ્રધાનનું ધ્યાન દોર્યુ હતું. નિકાસકારોના સંગઠનના પ્રવકતાના જણાવ્યા મુજબ તેમને હજુ 10થી માંડી 30% રિફંડ મળ્યું છે અને હવે સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તારીખ માંગી છે.
અગાઉ પણ રિફંડની ફરિયાદોના કારણે વડાપ્રધાન કાર્યાલયે નાણા મંત્રાલયને રિફંડની સ્થિતિ વિષે દરરોજ માહિતી મોકલવા જણાવ્યું હતું, તેમ છતાં હજુ ગાડી પાટે ચડી નથી.


Advertisement