વિંછીયાના ગુંદાળા ગામે પ્રાથમિક શાળાનું નવુ ભવન બનાવવા સંકલ્પ

08 March 2018 01:19 PM
Jasdan

લોકફાળાથી સાડા ત્રણ લાખ એકઠા : સરકાર હવે જમીન ફાળવે

Advertisement

જસદણ તા.8
સામાજીક શૈક્ષણિક અને આર્થિક રીતે ખૂબ પછાત ગણાતા વિંછીયા તાલુકાના ગુંદાળા ગામે બાળકોના શિક્ષણ માટે નવો અભિગમ અપનાવ્યો છે. મંગળવારે રાત્રે યોજાયેલ ગુંદાળા (જસ) પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ દરમ્યાન શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ લોકસહયોગ અને બિનસરકારી સંસ્થા (નોન-ગવર્નમેન્ટલ) ઓર્ગેનાઇઝેશનની મદદથી શાળા માટે નવા ભવન બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
અંદાજે 2500ની વસ્તી ધરાવતા આ ગામની પ્રાથમિક શાળામાં 331 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ પાંચ વર્ષ પહેલા શાળાનું સૌથી જુનુ મકાન સરકારે ભયજન જાહેર કરતા તે ત્રણ ઓરડાવાળુ મકાન પાડી દેવામાં આવ્યું હતું.
વર્ગખંડોની સંખ્યા ઘટતા શાળાના આચાર્યએ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ 2017માં શાળાના વધારે વર્ગખંડોને બદલે એક નવું ભવન (બિલ્ડીંગ) જ બનાવવાની અરજી કરી. સાથે સાથે ગુંદાળા (જસ) ગ્રામ પંચાયતને પણ નવા બિલ્ડીંગ માટે જમીન ફાળવવા વિનંતી કરી. ગ્રામ પંચાયતે શાળાના આચાર્ય અને શાળા સંચાલન સમિતિ (સ્કુલ મેનેજમેન્ટ કમીટી)ની અરજી માન્ય રાખી એક હેકટર જમીન ફળાવવાનો ઠરાવ 2017માં જ પસાર કર્યો હતો.
શાળાના આચાર્યએ ગ્રામ પંચાયતોની જમીન ફાળવવાનો ઠરાવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં રજુ કર્યો હતો. અને શિક્ષણાધિકારીએ તે ઠરાવને મંજૂરી અર્થે રાજકોટ જિલ્લા કલેકટરને મોકલી આપ્યો હતો. હાલ આ જમીન ફાળવણી અંગેની અરજી કલેકટર કચેરીની વિચારણા હેઠળ છે. શાળા બનાવવા સાડા ત્રણ લાખનો લોકફાળો એકત્ર થયા હતા.


Advertisement