કોંગ્રેસમાંથી સામ પિત્રોડા- શક્તિસિંહને રાજયસભાની ટિકીટ?

06 March 2018 12:39 PM
Gujarat Politics
  • કોંગ્રેસમાંથી સામ પિત્રોડા- શક્તિસિંહને રાજયસભાની ટિકીટ?

રાજયસભાના ઉમેદવાર પસંદ કરવા ભાજપ-કોંગ્રેસનાં મોવડીઓનું મંથન ; અભિષેક સિંધવી, જનાર્દન દ્વિવેદી તથા ભરતસિંહ સોલંકીના પણ નામ: એક બેઠક આદિવાસી નેતાને આપવા લોબીંગ

Advertisement

અમદાવાદ તા.6
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ જવા સાથે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ છે. કોંગ્રેસ દ્વારા સામ પિત્રોડા અને શક્તિસિંહ ગોહીલ પર કળશ ઢોળવામાં આવે તેવી શકયતા છે. સાથોસાથ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને જનાર્દન દ્વિવેદીના નામે પણ ચર્ચામાં હોવાના નિર્દેશ સાંપડયા છે.
દેશના વિવિધ રાજયોની ખાલી પડેલી રાજયસભાની બેઠકો પર ચૂંટણી જાહેર થઈ છે. કોંગ્રેસ એકલાહાથે વિવિધ રાજયોમાંથી સાત બેઠકો જીતી શકે તેમ છે. છેલ્લા સમયમાં રાજયસભામાં ઝડપથી ઘટેલા સંખ્યાબળને વધારવા માટે અમુક બેઠકો માટે તોડજોડ કરવાના મૂડમાં છે. કર્ણાટક, ઝારખંડ તથા પશ્ર્ચિમ બંગાળમાં વધુ બેઠક મેળવી શકે છે. ગુજરાતની બે બેઠકો માટે સામ પિત્રોડા તથા શક્તિસિંહ ગોહીલના નામો વિચારણામાં છે છતાં રાજસ્થાનથી રીટાયર થતા અભિષેક મનુ સિંધવીને પણ રાજયસભામાં મોકલવાનો કોંગ્રેસનો મિજાજ છે. ગુજરાત અથવા ઝારખંડમાંથી તેમને લડાવવામાં આવે તેવી શકયતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ હવે બન્ને રાજકીય પાર્ટીઓ એ રાજસભાના ચૂંટણી જંગ જીતવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જો કે આ જંગમાં કોણ કયા ઉમેદવાર ને મેદાનમાં ઉતારશે? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નિકટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબમાં આ વખતે ગુજરાતમાંથી રાજયસભામાં જવા બે બિનગુજરાતીને ચાન્સ આપવાની ભાજપ કોંગ્રેસની ચાલ છે. જેમાં બે-બે બેઠકો વહેંચાઈ જળશે. ગુજરાતમાં 23મી માર્ચે રાજયસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે. આ બેઠકોમાં બે બિન ગુજરાતી અને 2 ગુજરાતી ઉમેદવારોની પસંદગી થાય તેવી શકયતાઓ બન્ને પક્ષે સેવાઈ રહી છે. રાજયસભાની ચાર બેઠકો પૈકી બે બેઠકો ભાજપને અને બે બેઠકો કોંગ્રેસને ફાળે જાય તેમ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એક એક ઉમેદવાર ગુજરાત બહારના મુકે તેવી શકયતાઓ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા ભરત સોલંકી અને જનાર્દન દ્વિવેદી તથા ભાજપ પક્ષ દ્વારા અરુણ જેટલી અને પરસોતમ રૂપાલાનું નામ નકકી થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
ગુજરાતની રાજયસભાની આ ચાર બેઠકો હાલમાં ભાજપ પાસે છે પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપને તેમાંથી બે બેઠકો ઓછી મળી શકે તેમ છે. કારણ કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળતા ભાજપને જીતવા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા ઘણી જ ઓછી છે. અગાઉ આ ચારમાંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી શકી ન હતી. પરંતુ આ વખતે ભાજતપ પાસેથી બે બેઠકો કોંગ્રેસ ખુંચવી લેશે. રાજયસભાની આ ચાર બેઠકો માટેની ચૂંટણીમાંભાજપ દ્વારા હાલના 4 રાજયસભાના સભ્યો અરુણ જેટલી, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઈ વેગડ છે તેમાંથી આ વખતે અરુણ જેટલી અને પરસોતમ રૂપાલાને રિપીટ કરવામાં આવશે. કારણ કે જેટલી અને રૂપાલા બંને કેન્દ્રમાં સીનીયર મંત્રી તરીકેની કામગીરી બજાવી રહ્યા છે.તે જોતા અરુણ જેટલી અને જનાર્દન દ્વિવેદી બંને ગુજરાત બહારના બિનગુજરાતી નેતાઓ ગુજરાતમાંથી રાજયસભા લડીને જશે જયારે ભરતસિંહ સો;લંકી અને પરસોતમ રૂપાલા ગુજરાતી નેતા તરીકે રાજયસભામાં જશે.
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ ફોર્મ 12મી માર્ચ સુધી ભરાશે. 13મી માર્ચે ફોર્મની ચકાસણી થશે. 15મી માર્ચે ફોર્મ પાછું ખેંચવાનું છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ જરૂર પડશે તો 23મી માર્ચે મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજયની વર્તમાન ભાજપ સરકાર માટે 2019 પહેલાની આ રાજયસભાની ચૂંટણી એ લિટમસ ટેસ્ટ બની રહેશે. જયારે કોંગ્રેસ માટેની આ ચૂંટણી એ લોકસભા ચૂંટણી જંગ પહેલાનું મહત્વનું હોમવર્ક સમાન બની રહેશે તેમ રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.તો બીજી તરફ એમ પણ મનાઈ રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી અને અમીત શાહ આ ઈલેકશનમાં પણ કોઈચાન્સ લેવા માંગતા નથી અને આજ ચૂંટણી પરથી તેઓ આગામી લોકસભાની તૈયારીઓ શરૂ કરશે તેમ મનાઈ રહ્યું છે. જયારે કોંગ્રેસ પણ આ ચુંટણી જંગને જીતવા કમર કસી છે અને તે માટે તે કયું મોહરુ મેદાનમાં ઉતારશે. તે એક યક્ષ પ્રશ્ર્ન સાથે ચર્ચાના એરણે ચઢયું છે.


Advertisement