ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરી શરૂ: રાજકોટમાં ખરીદ કેન્દ્રમાં કાપ: 4 ને બદલે 3 સેન્ટર

05 March 2018 04:55 PM
Rajkot Saurashtra
  • ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરી શરૂ: રાજકોટમાં ખરીદ કેન્દ્રમાં કાપ: 4 ને બદલે 3 સેન્ટર

Advertisement

રાજકોટ તા.5
મગફળીની વધુ એક લાખ ટન ખરીદીનું છેવટે મુહુર્ત નીકળ્યુ હોય તેમ આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ ક્રવામાં આવી છે. રાજકોટમાં એક સેન્ટર ઘટાડી નાખવામાં આવ્યું છે. ચારના બદલે ત્રણ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
રાજયમાં મગફળીના જંગી ઉત્પાદન પછી સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. આઠ લાખ ટનનો કવોટા પૂર્ણ થતાં તે એકાએક અટકાવી દેવામાં આવી હતી. ખેડુતોના ઘરમાં હજુ મોટો માલ પડયો હોવાથી વધુ ખરીદીની માંગ ઉઠી હતી. કેન્દ્રની મંજુરીનાં આધારે રાજય સરકારે વધુ એક લાખ ટન મગફળી ખરીદવાનું જાહેર કર્યું હતું પરંતુ છેલ્લા દોઢ મહિનાથી પ્રક્રિયા અટવાયેલી હતી.
ટેકાના ભાવે મગફળી ખરીદી જાહેર થવા છતાં તે ચાલુ નહીં કરાતા જબરો ઉહાપોહ લાગુ થવા લાગ્યો હતો એટલે રાજય સરકારે 5 થી 9 માર્ચ દરમ્યાન અગાઉ રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા ખેડુતો પાસેથી ખરીદી કરવાનું જાહેર કર્યું હતું.
સુત્રોએ કહ્યું કે રાજય સરકારે ખરીદી કેન્દ્રો પાસેની જ બાકી રહી ગયેલા ખેડુતોની યાદી મંગાવી હતી અને ફોન પર સંદેશા પાઠવીને પહોંચાડયા છે. રાજકોટને લાગે વળગે છે ત્યાં સુધી ચારના બદલે ત્રણ ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. બપોર સુધીમાં માત્ર એક ખેડુત માલ આપવા આવ્યા હતા. હજુ ચાર દિ’ બાકી છે. એટલે ઘસારો નહિં કરવાનું વલણ હોવાનું મનાય છે. રાજકોટમાં અંદાજીત 1500 થી વધુ ખેડુતોનાં રજીસ્ટ્રેશન હોવા છતાં માલ આવી શકયા ન હતા. આ તમામને સરકાર દ્વારા એસએમએસથી જાણ કરવામાં
આવી છે.
મગફળીની વધુ એક લાખ ટનની ખરીદી માટે કેન્દ્ર સરકારે કેટલીક શરતો લાદી હતી. ખરીદી પ્રક્રિયા, ગોદામોમાં સવલત વગેરે માટે માર્ગદર્શીકા જારી કરવામાં આવી હતી અને તેના વાંકે દોઢ મહિનાથી ખરીદી શકય બનતી ન હતી. હવે આ શરતોમાં બાંધછોડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

સેંકડો ખેડુતોને હજુ અઢી માસથી
જુના નાણાં પણ ચુકવાયા નથી
રાજય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે છતાં હજુ જુની ખરીદીમાં કરોડો રૂપિયા ખેડુતોને ચુકવવાના બાકી છે. સુત્રોએ કહ્યું કે મગફળીની ખરીદી બંધ થયા પછી કરોડો રૂપિયાનાં ચુકવણા બાકી હતા. રાજય સરકાર દ્વારા તબકકાવાર નાણાં આપવામાં આવતા રહ્યા છે. છતા હજુ મોટી રકમ બાકી છે. રાજકોટના ખરીદ કેન્દ્રનાં એક અધિકારીએ નામ નહિ દેવાની શરતે એમ કહ્યું કે રાજકોટના ખરીદ કેન્દ્રોમાં મગફળી આપનારા હજુ સંખ્યાબંધ ખેડુતોના નાણાં બાકી છે. અઢી મહિનાથી નથી મળ્યા આ સપ્તાહે મળી જવાનું આશ્ર્વાસન સરકારે આપ્યું છે.


Advertisement