આંતરજ્ઞાતિય લગ્ન કરનાર 194 યુગલોને રાજયની આર્થિક સહાય

13 February 2018 08:13 PM
Rajkot

દરેક યુગલને રૂા.પ0,000 આપવામાં આવે છે

Advertisement

જ્યાં પ્રેમ હોય ત્યાં લેશમાત્ર ભેદ હોતો નથી. પરસ્પર અનર્ગળ પ્રેમ કરનારા યુગ્મો ભેદ ભૂલી સુખમય જીવન માટે પોતાની કેડી કંડારતા હોય છે. એમને મન નથી કોઇ ઊંચ કે નીચ, નથી કોઇ શ્રીમંત કે ગરીબ, નથી કોઇ શ્વેત કે શ્યામ. અનુલોમ-પ્રતિલોમ લગ્ન કરનારા આવા યુગલો સામાજિક સમરસતાના અનોખા ઉદાહરણ પાડે છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 154 યુગલો એવા નોંધાયા છે, જેમણે ઊંચીનીચી જ્ઞાતિનો ભેદ ભૂલી લગ્ન કર્યા છે. આવા દંપતિઓને રાજ્ય સરકારે આર્થિક પ્રોત્સાહન પૂરૂ પાડ્યું છે.હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. પ્રેમકથાઓના ગુણગાન ગવાઇ રહ્યા છે ત્યારે, અસ્પૃશ્યતાને નાબૂદ કરવા તથા સામાજિક એકતાના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડો. સવિતાબાઇ આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહક યોજનાનું સામાજિક અન્વેષણ કરવું યોગ્ય ગણાશે. જેમાં સવર્ણ સમાજના યુવક-યુવતી અનુસૂચિત જાતિના યુવક-યુવતી સાથે લગ્ન કરે તો તેમને રૂ. 50 હજારની આર્થિક સહાય પ્રોત્સાહનરૂપે પૂરી પાડવામાં આવે છે.રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઉક્ત યોજના હેઠળ વર્ષ 2013-14માં 32, 2014-15માં 37, 2015-16માં 31, 2016-17માં 25 અને 2017-18માં 29 મળી કુલ 154 યુગલોને રૂ.50 હજારની સહાય જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરી મારફત પૂરી પાડવામાં આવી છે. આવા દંપતીઓને રૂબરૂ મળીએ તો સામાજિક ઢાંચાના બદલાવની રસપ્રદ વાતો જાણવા મળે !પોતાના સહકર્મી સાથે પ્રેમલગ્ન કરનાર એક યુવતી કહે છે કે જ્યારે તમે સભ્ય સમાજમાં રહેતા હો ત્યારે તમામ લોકો સમાન છે. હવેનો યુગ એવો છે કે ઉંચ-નીચ જાતિની યુગો જૂની માન્યતાને તિલાંજલી આપવી પડશે. તો જ સામાજિક વિષમતાની બદીઓ દૂર થશે. આ કામ યુવાનો સારી રીતે કરી રહ્યા છે. અમારા જેવા યુગલો માટે વેલેન્ટાઇન ડે 365 દિવસ હોય છે.પોતાના સાસરિયામાં સારી રીતે સેટ થઇ ગયેલી આ યુવતી કહે છે, રીતિ-રીવાજો એક સરખા, પહેરવેશ, ખાનપાન એક સરખા હોવાના કારણે કોઇ મુશ્કેલી નથી રહી. મારા સાસરિયાઓએ પણ ઊંચનીચ જ્ઞાતિની પરવા કર્યા વીના અમને અપનાવી લીધા છે. અમારા બન્નેના પરિવાર વચ્ચે પણ સારા સંબંધો છે.
આવા જ લગ્ન કરનાર એક યુવક કહે છે, હવે નવી સામાજિક વ્યવસ્થા અમલમાં આવી રહી છે. કેટલાક વર્ષો પૂર્વે આંતરજ્ઞાતીય લગ્ન થતાં તો સમાજમાં હોબાળો મચી જતો હતો. સામાજિક બહિષ્કાર પણ થતો. પરંતુ, ધીમે ધીમે લોકોની વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાવા લાગ્યો છે. આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સમાજ સ્વીકારવા લાગ્યો છે. જે નવા ભારતના નિર્માણના આરંભ સમાન છે.નૂતન સામાજિક ચીલો ચાતરનારા આવા યુગલોને રૂ. 50 હજારની સહાય એમના માટે નવું ઘર શરૂ કરવામાં ઘણી મદદરૂપ થાય છે. રાજ્ય સરકારની આવી પ્રોત્સાહક સહાયના કારણે આજે અનેક યુગલોના ઘર સારી રીતે વસી ગયા છે.


Advertisement