એરપોર્ટ મોટુ કરાશે: પાર્કીંગ-ટર્મીનલ વિસ્તારાશે

13 February 2018 08:06 PM
Rajkot
  • એરપોર્ટ મોટુ કરાશે: પાર્કીંગ-ટર્મીનલ વિસ્તારાશે

નવા હિરાસર એરપોર્ટના નિર્માણ સુધી જુના વિમાનીમથકે સુવિધા વધારાશે ; એક સાથે બે થી વધુ વિમાનના ઉતરાણ શકય બનશે: એરપોર્ટ ઓથોરીટીની લીલીઝંડી

Advertisement

રાજકોટ તા.13
રાજકોટ નજીક હિરાસર ખાતે નિર્માણ પામનારા ઈન્ટરનેશનલ એરપોર્ટને બનતા પાંચેક વર્ષ લાગવાના છે. પરંતુ ત્યાં સુધી જુના એરપોર્ટ પર પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટે ટર્મીનલ પાર્કીંગનો વિસ્તાર વધારવાનો મહત્વનો નિર્ણય એરપોર્ટ ઓથોરીટીએ લીધો છે.
રાજકોટમાં દિલ્હી-મુંબઈની અર્ધો ડઝન જેટલી ફલાઈટો આવતી હોવા છતાં એક સાથે બે વિમાનનું લેન્ડીંગ શકય બનતુ નથી. આ સિવાય ટર્મીનલ બિલ્ડીંગ નાનુ પડે છે. એક સાથે બે વિમાનોના મુસાફરો ભેગા થઈ જાય તો જગ્યા ટુંકી પડે છે. પ્રવાસીઓને લેવા-મુકવા આવનારા માટે પણ જગ્યા નાની છે. આ પ્રકારની સુવિધાઓ વધારવા માટે એરપોર્ટ સતાવાળાઓએ અગાઉ દરખાસ્ત કરી હતી. વેપારી સંગઠનોએ પણ રજુઆતો કરી હતી. હવે એરપોર્ટ ઓથોરીટીએ આ દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
એરપોર્ટ ઓથોરીટીની તાજેતરની બેઠકમાં રાજકોટ વિમાનીમથકે સુવિધા વધારવાની દરખાસ્ત પર ચર્ચા થઈ હતી. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને મહત્વના વેપારીમથક તરીકે ઉભર્યુ છે. ઉપરાંત મહાનુભાવોના પ્રવાસ પણ વખતોવખત થતા હોય છે. નવા એરપોર્ટના નિર્માણમાં પાંચેક વર્ષ થાય તેમ છે. 2022માં તેના નિર્માણનો ટારગેટ છે તે પુર્વે જુના એરપોર્ટમાં વધુ સુવિધા ઉભી કરવા આ નિર્ણય લેવાયો છે.
રાજકોટ એરપોર્ટ પર હાલ રીકાર્પેટીંગની કાર્યવાહી ચાલુ છે. એરપોર્ટ ઓથોરીટીની લીલીઝંડી પછી હવાઈ પટ્ટી વિસ્તારવા સાથે પાર્કીંગ મોટું થશે. બે કે બેથી વધુ વિમાનો એકસાથે ઉતરી શકે તેવી સુવિધા થશે. અત્યારની સ્થિતિએ એક વિમાનનું ઉતરાણ થઈ ગયુ હોય તો તેના મુસાફરો ઉતરી ન જાય ત્યાં સુધી બીજા વિમાનને ચકકર મારવા પડે છે અથવા રન-વે પર જ રાખવુ પડતુ હોય છે. નવી સુવિધાપછી બે વિમાનોનું પાર્કીંગ શકય બનશે. આ જ રીતે ટર્મીનલ બિલ્ડીંગને મોટુ કરવાનું પણ નકકી કરવામાં આવ્યું છે. મુસાફરોની સંખ્યા વધતી રહી છે ત્યારે ટર્મીનલ બિલ્ડીંગ નાનુ પડે છે એટલે તેને પણ વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આગળ વધી જ રહ્યું છે તેવા સમયે પણ જુના એરપોર્ટમાં સુવિધા વધારવાનો નિર્ણય મહત્વનો છે. હિરાસર એરપોર્ટ માટે સરકારે 400 કરોડની ગ્રાંટ ફાળવી જ દીધી છે અને હાલ ત્યાં લેવલીંગ અને ફેન્સીંગની કામગીરી કરવામાં આવી રહી છે. વખતોવખત બેઠક યોજીને કામની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી રહી હોય તેમ તાજેતરમાં મુખ્ય સચિવ દ્વારા એરપોર્ટ મેનેજર, કલેકટર વગેરે સાથે બેઠક કરવામાં આવી જ હતી.


Advertisement