બાળકોના મગજમાં મોદીની ઈમેજ ઠસાવવા મહારાષ્ટ્ર મેદાને

13 February 2018 06:50 PM
India
  • બાળકોના મગજમાં મોદીની ઈમેજ ઠસાવવા મહારાષ્ટ્ર મેદાને

શિક્ષણ વિભાગે 1લાથી 8માં ધોરણના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન વિષેના દોઢ લાખ પુસ્તકોનો ઓર્ડર આપ્યો ; સંસદમાં મોદીએ સરદાર પટેલને મહાન ચીતર્યા, પણ મહારાષ્ટ્રે એક પણ કોપીનો ઓર્ડર આપ્યો નથી ; નહેરુ વિષે માત્ર 1,635 અને ઈન્દીરા વિષે માત્ર 2,675 પ્રતો મંગાવાઈ

Advertisement

મુંબઈ તા.13
મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા શાળાના પાઠયપુસ્તકોનો ઓર્ડર આપવામાં આવ્યો છે એ આધારે કહી શકાય કે જવાહરલાલ નહેરુ અથવા સરદાર વલ્લભભાઈ પટેલ નહીં પણ દેશના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના રાજકીય નેતા છે.
રાજયના શિક્ષણ વિભાગે રૂા.59.42 લાખના ખર્ચે મોદી પરના દોઢ લાખ પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે, જયારે દેશના પ્રથમ વડાપ્રધાન અને અન્ય ઐતિહાસિક વ્યક્તિઓ વિષે થોડા હજારની સંખ્યામાં પુસ્તકો મંગાવાયા છે.
હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજીમાં મોદી વિષેના પુસ્તકોને ધારેણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે વધારાની વાચનસામગ્રી તરીકે જીલ્લા પરિષદની શાળાઓની લાયબ્રેરીમાં રાખવામાં આવશે.
ટીકાકારો કહે છેકે બાળકોના મનમાં મોદીની વિભૂતિ તરીકે છાપ ઉભી કરવા સરકાર પુસ્તકોનો ઉપયોગ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીર્ષકવાળી 24 પાનાની પુસ્તિકામાં પિતા સાથે ચાય વેચતા હતા તે સહિતની મોદીની તસ્વીરો સમાવિષ્ટ કરવામાં આવી છે. ‘ચાચા ચૌધરી અને નરેન્દ્ર મોદી’ નામની કોમીક સીરીઝની પ્રતો અને નરેન્દ્ર મોદીના જીવનચરિત્રના પુસ્તકોનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રથમ બેનું પ્રકાશન દિલ્હીની પોકેટબુકસ પ્રાઈવેટ લિમીટેડ અને ‘નરેન્દ્ર મોદી’નું પ્રકાશન નાસિકની કંપની વિલાસ બુક એજન્સી એન્ડ પ્રકાશન દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં ટેન્ડરીંગ પ્રક્રિયા પુરી કરવામાં આવી છે, અને ચાલુ મહિનાના અંતમાં પુસ્તકો શાળાના વાંચનાલયોમાં આવી જશે. બીએમસી અને અન્ય મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલીત શાળાઓ માટે આ ખરીદવામાં નથી આવ્યા, પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મળેલ ફંડમાંથી પુસ્તકોથી ખરીદી થઈ શકે છે, મોદીને મોર્ડન આઈકન તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર અને રાજય જાહેર નાણાનો ઉપયોગ કરી રહ્યા છે.
2014ના શિક્ષક દિવસથી માંડી પોતાના તાજેતરના પુસ્તક ‘એકઝામ વોરિયર્સ વિષય પર 16 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના આયોજીત પ્રવચન સુધી રાજય સરકાર બાળકોનું મન રાજકીય હેતુથી ભરી દેવા માંગે છે. એક શિક્ષણકારે જણાવ્યું હતું કે આવું બહુ કરવાના બદલે પીએમઓએ શિક્ષણ પદ્ધતિની સમસ્યાઓ ઉકેલવા ફંડનો ઉપયોગ કરવા રાજયોને જણાવવું જોઈએ.
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે મહાનુભાવો પરના 1,30,50,859 પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે. એમાં 3,40,982 પ્રતો સાથે છત્રપતિ શિવાજી મહારાજ મોખરે છે. એ પછી 3,21,328 પ્રતો સાથે પુર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, 1,93,972 પ્રતો સાથે છત્રપતિ સજુ મહારાજનો ક્રમ આવે છે. વિભાગ દ્વારા મહત્વ અપાયું હોય તેવા રાજકીય નેતાઓમાં મોદી એકમાત્ર છે. નહેરુ પર માત્ર 1,635 અને ઈન્દીરા ગાંધી પર માત્ર 2,675 પુસ્તકો મંગાવવામાં આવ્યા છે.
ગત સપ્તાહે રાજયસભાના સત્રમાં મોદીએ જવાહરલાલ નહેરુ સામે સરદાર વલ્લભભાઈ પટેલને વધુ મહાન ચીતરવા પ્રયાસ કર્યો હતો, પણ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે પટેલ પર એક પણ પુસ્તક મંગાવ્યું નથી. ઓર્ડર યાદીમાં મહાત્મા ગાંધીના 4,343, ડો. બી.આર.આંબેડકરના 79,388, પુર્વ વડાપ્રધાન એ.બી.વાજપેયીના 79,388 અને સમાજ સુધારક મહાત્મા જયોતિરાવ ફુલેના 76,713 પુસ્તકો સામેલ છે.
ડાયમંડ પોકેટ બુકના એન.કે.વર્માના જણાવ્યા મુજબ તેમને ગત મહિને રૂા.40 લાખના પુસ્તકોનો ઓર્ડર મળ્યો છે. એમાં મોદી વિષેના દોઢ લાખ પુસ્તકોનો સમાવેશ થાય છે.
‘ચાચા ચૌધરી ઔર નરેન્દ્ર મોદી’ શીર્ષકવાળા કોમીકમાં મોદીના જીવન, બાળપણ, દેશની સેવા કરવાની તેમની ઝંખના અનેસીએમથી પીએમ સુધીની તેમની રાજકીય યાત્રા ઝાંખી કરાવવામાં આવી છે.
વિલાસ બુક એજન્સીના વિલાસ પોદારે જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી’ જીવનચરિત્ર બાળકો માટે લખવામાં આવ્યું છે. એમાં તેમના બાળપણથી માંડી વડાપ્રધાન પદ સુધીની યાત્રા આવરી લેવામાં આવી છે.


Advertisement