કોમેડીને, કોમેડીની જગ્યાએ રાખશો તો નિજાનંદ મળશે !: મનન દેસાઈ

13 February 2018 02:43 PM
Rajkot Entertainment
  • કોમેડીને, કોમેડીની જગ્યાએ રાખશો તો નિજાનંદ મળશે !:  મનન દેસાઈ
  • કોમેડીને, કોમેડીની જગ્યાએ રાખશો તો નિજાનંદ મળશે !:  મનન દેસાઈ
  • કોમેડીને, કોમેડીની જગ્યાએ રાખશો તો નિજાનંદ મળશે !:  મનન દેસાઈ
  • કોમેડીને, કોમેડીની જગ્યાએ રાખશો તો નિજાનંદ મળશે !:  મનન દેસાઈ

મગજ પર બહુ "ભાર” ન રાખો તો સારું ; એફ.એમ.રેડીયોમાં આર.જે.થી કારકિર્દી શરુ કરનાર મનન દેસાઈએ શરુ કરી કોમેડી ફેક્ટરી ; લગ્ન પછી પત્ની વિદ્યાના સહયોગથી કોમેડીમાં આગળ વધવાનું મળ્યું બળ : મનન દેસાઈ ; નાનપણથી જ શાળા, કોલેજ અને સ્ટેજ પર મિમિક્રી આપતા મનન દેસાઈ આજે ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી "પાયોનીયર" બની ગયા !! ; દેશ-વિદેશમાં ધૂમ મચાવતા કોમેડી ફેકટરીના વિડીયોનું સોશિયલ મીડિયામાં પણ ગજબનું શેરીંગ !

Advertisement

રાજકોટ તા.13
ગુજરાત ક્ષેત્રે પહેલા કહી શકાય એવા સ્ટેન્ડઅપ આર્ટીસ્ટ કોમેડિયન મનન દેસાઈએ સાંજ સમાચારના યુવા એક્ઝીક્યુટીવ કરણભાઈ શાહને મુલાકાતમાં હાસ્યનો મર્મ સમજાવ્યો હતો. મુલાકાતના પ્રારંભમાં જ તેઓ જે ક્ષેત્રમાં આગળ ધપી રહ્યાં છે તેવા મિમિક્રી, કોમેડી ફિલ્મનું આગાધ મહત્વ જણાવ્યું હતું કે, હાસ્યને જો હાસ્યની જગ્યાએ જ રાખશો તો બેશક "નિજાનંદ" પામશો.
પોતાની કોમેડી પરત્વેની સફળતાની મીશાલને પ્રગટાવ્યા પહેલાં તેઓ ક્યાં ક્યાં ક્ષેત્રોમાંથી પસાર થયા ? વિગેરે બાબતોનો ઇતીથી અંત સુધીનો નિખાલસ મને એકરાર કરી ફોડ પાડતા મનન દેસાઈએ જણાવેલ કે, તેઓએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આવા સમયે પિતાનો ખાલીપો જરૂર દિલને ઘાયલ કરી ગયો હતો, પણ પોતાના ધ્યેયને આગળ ધપાવવા કદી પાછીપાની કરી નથી !
વડોદરા ખાતે શિક્ષણ મેળવી 19 વર્ષની ઉંમરે તેઓએ સતત 7 વર્ષ સુધી એફ.એમ.રેડીયોમાં આર.જે. તરીકે ફરજ બજાવી રેડિયો ચાહકોના દિલ જીતી લીધા. આ પહેલા તેઓને ગમતો એવો વિષય મિમિક્રીના કાર્યક્રમો આપવાની શરૂઆત મનન દેસાઈએ શાળા, કોલેજમાં અને સ્ટેજ પર આપીને બખૂબી રોલ નિભાવ્યો. મતલબ કે જે મનન દેસાઈનો કાર્યક્રમ લોકોએ જોયો કે સાંભળ્યો તેઓ હાસ્યરસમાં ડૂબી ગયાનું કહેવાય છે.
વિનયશીલ સ્વભાવથી લોકોમાં વખણાયેલા મનન દેસાઈએ સાથી કલાકારો દીપ વૈધ, ઓજસ રાવલ, ચિરાયું મિસ્ત્રી અને આરીઝ સૈયદને સાથે રાખીને 5 વર્ષ પહેલા "કોમેડી ફેક્ટરી"ની સ્થાપના કરી, આ સંસ્થાનું નેટવર્ક બરોડા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહીત ગુજરાતભરમાં ફેલાવી લાખો ચાહકો ઉભા કર્યા છે.
સોશિયલ મિડીયાથી મળી રહેલા અભૂતપૂર્વ સાથ અને સહકારની વાત જણાવતા મનન દેસાઈએ કહ્યું હતું કે આજે યુટ્યુબ પર તેઓના અઢી લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તો ફેસબુકમાં લાખો ફોલોઅર્સ રોજ ને રોજ તેમના કાર્યક્રમોને લાઈક કરી કોમેન્ટ્સ આપી રહ્યાં છે.
કોમેડી ફેકટરીએ ગુજરાતમાં સૌ પ્રથમ વીરદાસ, નાઝીરખાન, અભિષેક ઉપમન્યુ. અમિત ટંડન વિગેરે આર્ટીસ્ટના શો રજુ કર્યા છે. કોમેડી ફેકટરીના યુટ્યુબ પર તેઓના વિડીયો ધૂમ મચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા ચાહકો તેમના વિડીયો મોટા પ્રમાણમાં શેરીંગ થઇ રહ્યાં છે. તેઓએ એવું પણ જણાવેલ કે ખાસ કરીને તેમના "અશુદ્ધ ગુજરાતી" કાર્યક્રમોના વિડીયો બહોળા પ્રમાણમાં જોવાઈ રહ્યાં છે.
પતિ-પત્ની બંને રેડિયો જોકી !!
નાની ઉમરેજ કોમેડી અને મિમિક્રી ક્ષેત્રમાં મોટું કાઠું કાઢી ચુકેલા મનન દેસાઈ અને તેમના પત્ની વિદ્યા મનન દેસાઈ એમ બંનેએ એફ.એમ.રેડિયો જોકી તરીકે ફરજ બજાવી સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પોતાનો વિશાળ ચાહક વર્ગ ઉભો કર્યો છે. કદાચ ગુજરાત રાજ્યભરમાં આ એવી પ્રથમ વાત ગણાવાઈ રહી છે કે પતિ-પત્ની બંને એક સાથે જ રેડિયો જોકીના રોલમાં સંભાળવા મળે અને એક સમયે બેક ટુ બેક શો એજ એફ.એમ. પર કર્યો હોય.
પહેલા જ શોમાં વડોદરામાં 50 મિનીટ પ્રેક્ષકો ચુપ
26 ઓગસ્ટ 2011 ના વર્ષમાં વડોદરા ખાતેના એક રેસ્ટોરાંમાં પોતાનો પહેલો જ શો એક કલાકના કોમેડી કાર્યક્રમનો અનુભવ બતાવતા મનન દેસાઈએ જણાવેલ કે, એક કલાકની પ્રારંભિક 50 મિનીટ સુધી પ્રેક્ષકોને ચુપ કરી સ્ટેચ્યુ બની ગયા ! બાદમાં વધેલી કલાકની છેલ્લી 10 મિનીટ મિમિક્રી કરી પ્રેક્ષકોને પેટ પકડાવી હસાવ્યા તે કાર્યક્રમ સદાય યાદ રહેશે ! આ કાર્યક્રમ બાદ વધુ મહેનત કરવાની ધગશ આપોઆપ જાગતા ત્યારથી તેઓ નિરંતર કાર્યક્રમો આપી રહ્યાં છે.
કોમેડી બાબતે શું માને છે મનન દેસાઈ ??
મુલાકાત દરમિયાન કોમેડી આર્ટીસ્ટ મનન દેસાઈએ જણાવેલ કે, જેમ સંગીતમાં જોનર, ક્લાસિકલ, રોક, પોપ જેવા અનેક અલગ અલગ પ્રકાર હોય તેમ કોમેડીમાં પણ જુદા જુદા પ્રકારો હોય છે. એક જ પ્રકારની કોમેડી હોય તેવું માનવું ખોટું. હોવાનું જણાવતા દેસાઈએ જણાવેલ કે, "ટોયલેટ" જોક્સ, સેક્સ જોક્સ દ્વિઅર્થી ભાષાનું લોકો કોમેડી પસંદ કરે છે. તો ઘણાને નથી પણ ગમતું. આ વાતથી ઉલટું કોમેડીમાં જોવા મળે છે. કોઈને કપિલ શર્મા ગમે તો કોઈને વીરદાસ ટૂંકમાં કોઈ પણ શો જોવા જાવ તે પહેલા આર્ટીસ્ટ વિષે જાણવું અને કાર્યક્રમની થીમ વશે વાંચવું કે જાણવું જરૂરી હોવાની વાત પર મનન દેસાઈએ ભાર મુક્યો હતો.
કાર્યક્રમો દરમિયાન થયેલા કડવા અનુભવો !
મનન દેસાઈએ હાસ્યની ભીતરમાં જઈને એ વાત દોહરાવી હતી કે, ફક્ત ગાળો બોલવાથી હાસ્ય કે હ્યુમર ઉત્પન્ન ના થાય, પણ જોક્સમાં ગાળો બોલવાથી તે વલ્ગર પણ બની નથી જતું તે સમજવું ખુબ જરૂરી છે. તેઓએ એવું પણ જણાવેલ કે ઘણીવાર શો દરમિયાન તેઓને કડવા અનુભવો થયા છે. પ્રેક્ષકો અમુક પ્રકારનું કોમિક્સ નથી પસંદ કરતા પણ આ તકે તેઓએ મનોમન સમજવું જોઈએ કે આ ફક્ત હળવું હાસ્ય પીરસવાનો પ્રયાસ કરાતો હોય છે. અને આ વાત પણ એક હાસ્યનો ભાગ જ છે. પોતાની જાત પર હસવું ખોટું નથી. ઘણી વખત કલાકારો પણ એકબીજા સ્ટેજ પર મશ્કરી કરતા હોય છે.
કોમેડી શો બાદ ફિલ્મમાં પદાર્પણની ઈચ્છા !
"સાંજ સમાચારની" ની મુલાકાત દરમિયાન મનન એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, તેઓની કોમેડી ફેક્ટરી યુટ્યુબ સહીત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. તેઓ સચિન જીગર અને દર્શન રાવલ સાથે "ગુજરાતી નાઈટ આઉટ" શો લાવ્યા છે. અને આગળ જતા તેઓ શોફ્ટ ગુજરાતી ફિલ્મોમાં પણ પદાર્પણ કરે, ગુજરાતી ફિલ્મો રજુ કરે તેવું જણાવ્યું હતું. મનન દેસાઈએ ચોર બની થનગનાટ કરે અને અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે.
કોમેડી ફેક્ટરીનો પહેલો આંતરરાષ્ટ્રીય કોમેડી શો ઓસ્ટ્રેલીયાના 5 શહેરોમાં..
રાજકોટમાં ગઈકાલે ગુરુવારે મારવાડી કોલેજ ખાતે મનન દેસાઈ અને ચિરાયું મિસ્ત્રીએ કોમેડી શો રજુ બાદ હવે મનન દેસાઈએ પોતાની દેશના સીમાડા વટાવતી સાફલ્યગાથા વર્ણવી આનંદ વ્યક્ત કરી જણાવેલ કે, આગામી 20-2-2018 ના રોજ તેમની કોમેડી ફેક્ટરીનો પહેલો શો ઓસ્ટ્રેલીયાના 5 શહેરોમાં ધૂમ મચાવશે. જે શહેરોમાં બ્રીઝ્બેન, સિડની, મેલબોર્ન, પર્થ અને એડીલેડનો સમાવેશ થાય છે. જ્યારે આગામી 17 મી ફેબ્રુઆરીના રોજ
મુબઈમાં મુલુંડ ખાતે કોમેડી ફેકટરીના કલાકારો પોતાનો કાર્યક્રમ રજુ કરશે.
કોની કોની કોમેડી વિવાદમાં સપડાઈ !
કોમેડીની પણ મહદઅંશે મર્યાદા બતાવતા મનન દેસાઈએ જણાવ્યું હતું કે, હાસ્યને હાસ્યની રીતે પીરસવાનો પ્રયાસ આવકાર્ય છે, પણ હાસ્ય વિવાદમાં ના પલટાય તે પણ કલાકારોએ પ્રેક્ષકોને નજરઅંદાજ કરીને જોવું જરૂરી છે. કારણકે ભૂતકાળમાં જોની લીવર, કપિલ શર્મા, કીકુ શારદા જેવા ઘણા કોમેડિયન કલાકારો કોઈને કોઈ વિવાદમાં ફસાયા હોય, તે વાત ભવિષ્યમાં નુકશાનકારક સાબિત થવાની સંભાવનાને નકારી નાં શકાય, પણ લોકોએ "કોમેડી"ને દિલ પર ન લેવી જોઈએ
કેમ વખણાઈ કોમેડી ફેક્ટરી ?
કોમેડી ફેક્ટરી નિર્મિત બોલીવુડના કાલા ચશ્માંનું ગુજરાતી સુપરહીટ બની માર્કેટમાં ધૂમ મચાવતું થયું. સાથે સાથે વેસ્ટર્ન સીરીયલમાં પાબ્લોઅસ્કોબારની જેમ જબરો અસ્કોબાર પણ આલ્બમ યુટ્યુબ પર વિખ્યાતી પામ્યા છે. કોમેડી ફેક્ટરીના વિડીયો, ટ્વીટર પર રણવીરસિંગ અને ફરહાન અખ્તર જેવી સેલીબ્રીટીઓએ વખાણી છે, તો કોમેડી ફેકટરીના શો ગુજરાતભરના સોશિયલમીડિયા રસિકોમાં હોંશભેર એકબીજા સાથે શેર થતા હોય, કોમેડી ફેક્ટરી આજે ગુજ્જુઓના હૈયે વસી ગઈ હોવાનું કહેવું ઉચિત જણાય છે.


Advertisement