બમ બમ ભોલેના નાદથી ગુંજયા શિવમંદિરો : ઠેર-ઠેર શ્રઘ્ધા-ભકિતનો અભિષેક

13 February 2018 01:17 PM
Rajkot Saurashtra
  • બમ બમ ભોલેના નાદથી ગુંજયા શિવમંદિરો : ઠેર-ઠેર શ્રઘ્ધા-ભકિતનો અભિષેક
  • બમ બમ ભોલેના નાદથી ગુંજયા શિવમંદિરો : ઠેર-ઠેર શ્રઘ્ધા-ભકિતનો અભિષેક

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડેલા ભાવિકો : આજે ચાર જગ્યાએ ભંડારાનું આયોજન : ભાવનગરના માળનાથ મહાદેવના સાંનિઘ્યમાં ઉજવાતો મહાશિવરાત્રી મહોત્સવ : કચ્છના ગામો-શહેરોમાં શિવનાદ ગુંજયો : રાજકોટમાં શિવરથયાત્રા સહિતના આયોજનો

Advertisement

રાજકોટ તા.13
‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે રાજકોટ, સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મહાશિવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે. આજે મહાશિવરાત્રીના તમામ શિવમંદિરોમાં ચાર પ્રહરની પૂજા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. આજે શિવભકતોએ ઉપવાસ કરીને શિવજીની આરાધના કરી રહ્યા છે.
રાજકોટમાં પ્રાચીન અને જાણીતા શિવાલયો રામનાથ મહાદેવ, જાગનાથ, પંચનાથ મહાદેવ, મહાકાલેશ્ર્વર મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં આજ સવારથી જ ભકતોની કતાર લાગી છે અને શિવલીંગ પર અભિષેક કરીને શ્રઘ્ધાના પુષ્પો બીછાવી રહ્યા છે. શિવ સ્તુતિ, યજ્ઞ સહિતના આયોજનો કરાયા છે.
સોમનાથ
શિવની આરાધનાના અતિઉતમ એવા મહાશિવરાત્રીના પાવન પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિરે ગઇ કાલે સાંજથી જ શિવભકતોનો સમુદ્ર ઉમટી પડેલ અને આજે યાત્રાધામમાં ચારે તરફ શિવભકતોનો પ્રવાહ ચાલીને તેમજ વાહનો મારફત આવી રહેલ છે. મહાશિવરાત્રી નિમીતે યાત્રીકોના વિશાળ સમુદાયને ઘ્યાને લઇ સોમનાથ મંદિરના દ્વાર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલેલ અને સવારે મહાદેવની પ્રાંત આરતી, મહાપૂજા, હોમાત્મક લદ્યુરૂદ, ચાર પ્રહરની પૂજા સાથે ધાર્મીક-આઘ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સોમનાથ મંદીરે મહામૃત્યુજય મંત્રના જુદા-જુદા સાત રોગોથી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી નો વિશેષ કાર્યક્રમ યોજાનાર છે.
સોમનાથ મંદીર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલ્યા બાદ સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેનાર છે. ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી, પાલખીયાત્રા, ઘ્વજારોહણના ધાર્મીક આયોજન સાથે શિવભકતો બ્હોળી સંખ્યામાં લાભ લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રીના દિને સોમનાથ મંદીરે આવતા દરેક માર્ગો ઉપરથી શિવભકતો આવતા પ્રભાસક્ષેત્રમાં જય સોમનાથ નો નાદ ગુંજી ઉઠેલ છે અને આ મહાશિવરાત્રીના પર્વે સોમનાથ ઉત્સવનું આયોજન પણ ત્રણ દિવસ સુધી કરવામાં આવેલ છે.
સોમનાથ મંદીરે મહાશિવરાત્રીના દિને સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી આધારીત સંગીતના સાત રાગોમાં મહામૃત્યુંજય મંત્રથી તન-મનની શાંતીની અલૌકીક અનુભુતી સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો અદભુત કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવનાર છે.
સોમનાથ મહાશિવરાત્રીના દિને લાખોની સંખ્યામાં આવનાર યાત્રીકોને કોઇ મુશ્કેલી ન પડે અને કતાર બંધ દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા સાથે પ્રાથમીક સુવિધા પાણી, આરોગ્ય લક્ષી, સુરક્ષા સહીતના પ્રશ્ર્નોને ઘ્યાને લઇ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલીકા તથા સોમનાથ ટ્રસ્ટ સાથે મળી આયોજન કરાયેલ છે અને બહાર ગામથી વાહનો સાથે આવતા યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે બાયપાસ સર્કલથી પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે થઇ હમીરજી ગોહીલ સર્કલ અને સોમનાથ મંદીરે પહોંચવા વિશેષ માર્ગ તૈયાર કરાયેલ છે.
સોમનાથ મંદીર આજે વ્હેલી સવારે ચાર કલાકે ખુલ્યા બાદ છ કલાકે પ્રાત:મહાપૂજા, સાત કલાકે આરતી બાદ સાડા સાત કલાકથી મહામૃત્યુંજય યજ્ઞ અને આઠ કલાકે નુતન ધ્વજારોહણ કરવામાં આવનાર છે. સાડા આઠ કલાકે હોમાત્મક લદ્યુરૂદ પ્રારંભ અને નવ કલાકે પાલખીયાત્રા સોમનાથ મંદીર પરીસરમાં નીકળનાર છે તેમજ વેરાવળ થી પણ ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી.
આ ઉપરાંત અગીયાર વાગ્યે મઘ્યાન્હ મહાપૂજા, બાર કલાકે આરતી અને સાંજે ચાર થી સાડા વાગ્યા સુધી શ્રૃંગાર દર્શન, છ કલાકે હોમાત્મક લદ્યુરૂદ, સાડા છ કલાકે જયોતપૂજન, સાત કલાકે સાંય આરતી બાદ પોણા આઠ વાગ્યે પ્રથમ પ્રહરનું પૂજન કરવામાં આવનાર છે જેમાં સાડા નવ કલાકે પ્રથમ આરતી, અગીયાર વાગ્યે દ્વીતીય પ્રહરની પૂજા અને સાડા બાર કલાકે આરતી, રાત્રીના પોણા ત્રણ વાગ્યે તૃતીય પ્રહર પૂજન અને સાડા ત્રણ કલાકે આરતી બાદ સવારે પોણા પાંચ વાગ્યે ચતૃર્થ પ્રહર પૂજન બાદ સાડા પાંચ કલાકે ચતૃર્થ પ્રહરની આરતી થનાર છે.
મહાશિવરાત્રીના પર્વે મંદિરને ખાસ રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝળહળાટ કરવામાં આવેલ છે અને ખાસ આયાત કરાયેલ પુષ્પોના શણગારથી મંદીરના પવિત્ર વાતાવરણમાં વધારો થનાર છે. સોમનાથ મંદીરે માત્ર માહ મહિનાથી મહાશિવરાત્રી જ નહીં પરંતુ શાસ્ત્ર અનુસાર ગુજરાતી પંચાગના દરેક મહિનાની શિવરાત્રી મંદીરે ઉજવાઇ રહેલ છે અને અખંડ જયોત દિપ પૂજન મહાપૂજા સહીતના ધાર્મીક કાર્યક્રમો સાથે આ દિવસે મંદીર રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિને જુદા-જુદા ચારેક ભંડારાનું આયોજન દાતાઓ અને શિવભકતો દ્વારા કરવામાં આવેલ છે જેમાં દરેક દર્શનાર્થીઓ માટે વિના મુલ્યે પ્રસાદી આપવામાં આવનાર છે. આ પ્રસાદીમાં ગાજરનો હલવો, સાબુદાણાની ખીચડી, શીરો અને ફુટ સહીતની વસ્તુઓ આપવામાં આવનાર છે.
ભાવનગર
આશરે 650 વર્ષ જુના અતિપ્રાચીન એવા ઐતિહાસીક શ્રી માળનાથ મહાદેવનાં સાનિઘ્યમાં મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિતે શિવપૂજા અર્ચના તેમજ દિપમાળા, આરતી તથા મહાપ્રસાદ (ફળાહાર)નું ભવ્ય આયોજન શ્રી માળનાથ ગ્રુપ કરે છે જેની સ્થાપના 19/1/1992ના રોજથી પક્ષીઓ માટે ચણ એકઠું (ભેગુ) કરીને માળનાથ મહાદેવનાં સાનિઘ્યમાં આશરે દરરોજ 7પ કિલો જેટલું ચણ પહોંચાડે છે અને પક્ષીઓ દરરોજ 7પ થી 100 કિલો ચણ ચણી જાય છે. આ ઉપરાંત માળનાથ ગ્રુપ પક્ષીનાં પાણીના કુંડા તથા પક્ષીનાં માળાનું વિનામુલ્યે વિતરણ કરે છે. શ્રી જય માળનાથગ્રુપ દ્વારા તા.13/2, મહાવદ 13ને મંગળવારનાં રોજ કરવામાં આવેલ છે. મહાશિવરાત્રીનું પાવન પર્વ હોઇ આ પવિત્ર દિવસે ભંડારીયા સ્થિત, શ્રી માળનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે આજે વહેલી સવારે 6 કલાકે દિપમાળા સવારે 9:30 કલાકે ઘ્વજારોહણ, બપોરે 12:39 કલાકે દિપમાળા, સાંજના 7 કલાકે દિપમાળા, રાત્રીનાં 12:00 કલાકે દિપમાળા તથા શ્રી જય માળનાથ ગ્રુપ દ્વારા મહાપ્રસાદ (ફળાહાર)નું સવારે 10 કલાકથી સાંજના પ:00 કલાક સુધી શિવપુજા, શિવપુજા સ્તવન તેમજ આ પ્રસંગે પધારનાર ભાવીભકતોને શિવદર્શનનો વિશિષ્ટ લાભ તથા પધારનાર સાધુસંતોનું ભવ્ય સ્વાગત વિગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન માળનાથ ગ્રુપ દ્વારા પરંપરા સ્વરૂપે આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રી એ મહાદેવની પૂજા-અર્ચન અને ધાર્મિક અનુષ્ઠાનનો દિવસ તો છે જ ઉપરાંત મહાદેવને અતિપ્રસન્ન મહામૃત્યુંજયનો પ્રાદુર્ભાવનો મહાન દિવસ છે. આ દિવસે મહાસતીએ આ મંત્રના જાપ જપતાં જપતાં મૃત્યુનાં મુખમાંજઇ રહેલા રાજાના પુત્ર ચંદ્રમા નામના કુંવરનો ઉઘ્ધાર કરેલ હતો. યોગાનું યોગ એ દિવસ પણ મહાશિવરાત્રીનો હતો. આ પ્રાચિનમંદિરનું મહત્વ એ છે કે આ મંદિર આથમણિ દિશાનું છે તથા તેની પરસારમાં આવેલા બીલીપત્રનું વૃક્ષ શિવલીંગની સન્મુખ છે. આવો સમન્વય ભાગ્યે જ જોવા મળતો હોય છે.


Advertisement