પુર્વ સ્વિસ ડિપ્લોમેટને અમદાવાદ એરપોર્ટથી જ પાછા મોકલી દેવાયા

13 February 2018 12:18 PM
Ahmedabad India

વેલિડ વિઝા હોવા છતાં ‘બ્લેકલિસ્ટેડ’ સ્વિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન અધિકારીને હાંકી કઢાયા ; વિવાદીત નવસર્જન ટ્રસ્ટના આમંત્રણથી ગુજરાત આવી રહ્યા હતા ; વિદેશ મંત્રાલય ઘટનાથી અજાણ: ઈન્ટેલીજન્સ બ્યુરોનો રેકોર્ડ પણ નકારાત્મક નથી

Advertisement

નવી દિલ્હી તા.13
કાયદેસરના વિઝા હોવા છતાં બ્લેક લિસ્ટેડ હોવાના કારણે પુર્વ સ્વિસ ડિપ્લોમેટ કર્ટ વોગલેને ભારતમાં પણ મુકતાં વ્હેંત હાંકી કાઢવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં જનવિકાસ નામનું એનજીઓ ચલાવતા અને દલિત ફાઉન્ડેશન અને સેન્ટર ફોર સોશ્યલ જસ્ટીસ સાથે સંકળાયેલા ગગન શેઠીના નિમંત્રણથી વોગેલે ગુજરાતની મુલાકાત લેનાર હતા.
22 જાન્યુઆરીએ 75 વર્ષના વોગેલે અમદાવાદ પહોંચ્યા ત્યારે તેમને પ્રવેશવા દેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ભારતમાં પ્રવેશવાનો અધિકાર નથી અને કોઈપણ જાતના ખુલાસા વગર તેમને ડિપોર્ટ કરાયા હતા. એમનો પાસપોર્ટ પણ જિનીવામાં આપવામાં આવ્યો હતો.
સ્વિત્ઝર્લેન્ડ ખાતેના ભારતીય રાજદૂત સિબી જયોર્જને લખેલા પત્રમાં વોગેલેએ બ્લેકલિસ્ટીંગ માટે કારણ જાણવા માંગ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે મને ખરાબ અનુભવ થયો હતા. 2017 પહેલાં મેં બર્નમાં ભારતના વિઝા મેળવ્યા હતા. છતાં એ ઈમીગ્રેશન અધિકારીઓએ નકારી કાઢયા હતા. મને માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે મને ભારતમાં આવવાનો અધિકાર નથી અને હું બ્લેકલિસ્ટેડ છું અને મારે તત્કાળ સ્વિત્ઝર્લેન્ડ પાછા ફરવાનું છે.
ડિપ્લોમેટ તરીકે વોગેલેની ભારતમાં સ્વિસ ડેવલપમેન્ટ કોઓપરેશનમાં નિમણુંક થઈ હતી. સ્વિત્ઝર્લેન્ડની રાહત પ્રવૃતિઓ પર દેખરેખ રાખવાનું કામ આ સંસ્થા કરે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ તે આ કેસની વિગતો ચકાસી રહી છે. કેન્દ્રીય ઈન્ટેલીજન્સ વર્તુળોના જણાવ્યા મુજબ સ્વિસ ડેવલપમેન્ટ કોઓપરેશન સામે કોઈ વાંધાજનક રેકોર્ડ ઈન્ટેલીજન્સ બ્યુરો પાસે નથી, પરંતુ સ્વિસ ડેવલપમેન્ટ કોર્પોરેશને ગુજરાતના એનજીઓ નવસર્જન ટ્રસ્ટને 30 કરોડની સહાય આપી એ કારણ જવાબદાર હોય શકે છે.
નવસર્જન ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ તેને આઈબી અને વિદેશ મંત્રાલય તરફથી ધર્મો, જાતિઓ, સામાજીક, ભાષાકીય અને પ્રાદેશિક જૂથો, જ્ઞાતિ અને સમુદાયો વચ્ચેના એખલાસને અસર થાય એવી અનિચ્છનીય પ્રવૃતિઓ માટે નોટીસ મળી હતી અને 15 ડીસેમ્બર, 2016 એ વિદેશ ભંડોળ મેળવવા માટેનું એફસીઆરએ લાયસન્સ પણ રદ કરાયું હતું.
વોગેલે અગાઉ જાન્યુઆરી 2017માં કેરળના મલાબાર યુનીટના આમંત્રણથી ભારત આવ્યા હતા અને ત્યારે કોઈ મુશ્કેલી પડી નહોતી.ભારતીય રાજદૂતને લખેલા પત્રમાં વોગેલેએ ભારતમાંના તેમના પોસ્ટીંગ દરમિયાન કામગીરીની વિગતો આપી હતી. તેમણે પત્રમાં ઈરમા, આણંદ, નાબાર્ડ, મલાબાર યુનિયન અને કેરળ ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ એડમીનીસ્ટ્રએશન સાથે એલડીસીના કાર્યક્રમો વિકસાવી શકયા હોવાનું જણાવી 22 જાન્યુઆરીએ ભારતમાં પ્રવેશવા નહી દેવાતા તેમને આઘાત લાગ્યાનું જણાવ્યું હતું.


Advertisement