સુંજવાન હુમલાની કિંમત ચૂકવવા પાકિસ્તાન તૈયાર રહે : કેન્દ્રીય રાક્ષમંત્રી

13 February 2018 01:01 AM
Rajkot Gujarat India
  • સુંજવાન હુમલાની કિંમત ચૂકવવા પાકિસ્તાન તૈયાર રહે : કેન્દ્રીય રાક્ષમંત્રી

Advertisement

કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન જમ્મૂ-કાશ્મીરમાં જ્યાં આતંકવાદી હુમલો થયો છે તે સુંજવાન આર્મી કેમ્પ પહોંચ્યા હતાં. તેમણે આ કેમ્પનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. અહીંથી તેમણે આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હુમલાના ઈજાગ્રસ્ત સૈનિકોના ખબર અંતર પુછ્યાં હતાં. સીતારમને અહીં પત્રકાર પરિષદને સંબોધી હતી.

સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલાથી લાલઘુમ સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. હુમલાના માસ્ટરમાઈન્ડ મસુદ અઝહર છે, જે પાકિસ્તાનમાં છે. સંરક્ષણમંત્રીએ હુંકાર કર્યો હતો કે, સેનાના જવાનોની શહાદત બેકાર નહીં જાય. પાકિસ્તાને આ હુમલાની કિંમત ચુકવવી પડશે. તેમણે સરહદ પર અત્યાધુનિક હથિયારો તૈનાત કરવા, પેટ્રોલિંગ વધારવા અને આર્મી કેમ્પમાં ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવા જણાવ્યું હતું.

જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે પહોંચેલા દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને હુમલા વિષે જણકારી આપતા કહ્યું હતું કે, આતંકવાદીઓએ સેનાની વરદીમાં આવ્યાં હતાં. આતંકવાદીઓએ સેનાના પરિવારને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રણ હુમલાખોરો ઠાર થયાં છે, કુલ ચાર હુમલાખોરો હોવાનું કહેવાય છે. સૈન્ય અભિયાન સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. જ્યારે સર્ચ ઓપરેશન યથાવત છે. કેંપના તમામ 36 બેરેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, હુમલાખોરોને સ્થાનિક લોકો દ્વારા મદદ પુરી પાડવામાં આવી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ હુમલાને લઈને સેનાએ કેટલાક પુરાવાઓ એકત્ર કર્યા છે જે પાકિસ્તાનને આપવામાં આવશે. આ હુમલામાં હાથ લાગેલા પુરાવાઓની એનઆઈએ તપાસી રહી છે. અનેક ડોઝિયર આપવા છતાં પાકિસ્તાને આ દિશામાં કોઈ પગલા ભર્યા નથી. તેમણે ફરી એકવાર કહ્યું હતું કે પાકિસ્તાને તેની આ હરકતોની કિંમત ચુકવવી પડશે. આ હુમલાનો જવાબ ભારત તેના હિસાબે અને યોગ્ય સમયે આપશે.

નિર્મલા સીતારમને પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પીર-પંજાલની પહાડીઓ સુધી આતંકવાદી ગતિવિધિઓ ફેલાવી રહ્યું છે. તે આતંકવાદીઓની ઘુષણખોરીમાં મદદ કરવા સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરી રહ્યું છે.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મેહબુબાએ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન સાથે મુલાકાત યોજી તેમને રાજ્યની વર્તમાન સ્થિતિઓની જાણકારી આપી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, આ હુમલાને લઈને મુફ્તિ પણ ખુબ જ વ્યથિત છે. તેવી જ રીતે સેનાના ઉચ્ચાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. રાજ્યની પોલીસ અને સેના સાથે મળીને કામ કરી રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


Advertisement