ઘેલા સોમનાથ શિવલીંગ પર પ્રેશર ટેકનિકથી જલાભિષેક બંધ

12 February 2018 06:35 PM
Jasdan Rajkot Saurashtra
  • ઘેલા સોમનાથ શિવલીંગ પર પ્રેશર ટેકનિકથી જલાભિષેક બંધ

મહાશિવરાત્રીના પવિત્ર દિવસ પૂર્વે જ! ; શિવલીંગને નુકશાન થયું હોવાના અહેવાલ બાદ કલેકટરનો નિર્ણય: શિવલીંગને નુકશાન થયુ છે તેની તપાસ કરવા કમિટીની રચના

Advertisement

રાજકોટ તા.12
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સુપ્રસિઘ્ધ અને પૌરાણિક મનાતા ઘેલા સોમનાથ શિવાલય પર મિકેનીઝમથી થતા જળાભિષેક બંધ કરવાનો આદેશ રાજકોટ જિલ્લા કલેકટરે કર્યો છે. ઘેલા સોમનાથ શિવલીંગને પ્રેસરથી થતા જલાભિષેકના કારણે નુકશાન થયું હોવાના ‘સાંજ સમાચાર’ના સ્ફોટક અહેવાલ બાદ વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઘેલા સોમનાથ શિવલીંગને નુકશાન થયું છે કે કેમ તે સંદર્ભમાં તપાસ કરીને ટેકનીકલી રીપોર્ટ આપવા રાજકોટ જિલ્લા કલેકટરે ત્રણ એન્જીનિયરો સહિત પાંચ અધિકારીઓની એક ટુકડીની રચના કરીને 1પ દિવસમાં અહેવાલ આપવા તાકિદ કરી છે. આવતીકાલે મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય, લાખો શ્રઘ્ધાળુઓ ઘેલા સોમનાથ શિવાલયે જલાભિષેક માટે આવશે. તે પૂર્વે જ રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય લીધો છે અને માત્ર જલાભિષેક કરવા માટે પ્રેશર ટેકનીક બંધ કરીને માત્ર હાથ થી જ જળાભિષેક કરવાના આદેશથી ભારે ચકચાર મચી છે.
રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રભરના સુપ્રસિઘ્ધ અને પૌરાણીક ઘેલા સોમનાથ શિવાલય પર રૂા.10 અને રૂા.20 ભરીને મીકેનીઝમ દ્વારા પ્રેશર ટેકનીકથી જલાભિષેકની એક સેવાકીય પ્રવૃતિ ઘેલા સોમનાથ સંચાલન કમીટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી આ પ્રકારનો જલાભિષેક કરવામાં આવતો હતો. પ્રેશર ટેકનીકથી થતા જલાભિષેકના કારણે ઘેલા સોમનાથ શિવલીંગને નુકશાન થયું હોવાની એક ચોંકાવનારી ફરિયાદ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ઓએનજીસીના એન્જીનિયર વિપીનભાઇ પંડયાએ પુરાવા સહિત રાજકોટ જિલ્લા કલેકટરને કરી હતી. ઘેલા સોમનાથના પ્રખર ભકત એવા વિપીનભાઇ પંડયાએ લાખો રૂપિયાનું દાન ઘેલા સોમનાથને કર્યુ છે. મંદિર પરિસરમાં 3 જેટલા શ્રઘ્ધાળુઓને ઉતારા માટેના રૂમની સેવાઓ પણ પ્રદાન કરી છે.
ઘેલા સોમનાથ શિવાલયને પ્રેશર ટેકનીકથી થતા જળાભિષેકથી થયેલા નુકશાન સંદર્ભે ‘સાંજ સમાચાર’એ સ્ફોટક અહેવાલ પ્રસિઘ્ધ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ ગંભીર ઘટનાની તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તબક્કે શિવલીંગને નુકશાન થયું હોવાનું જણાતા રાજકોટ જિલ્લા કલેકટર અને ઘેલા સોમનાથ મંદિરના વહિવટદાર ડો.વિક્રાંત પાંડેએ શિવલીંગને થતા નુકશાન સંદર્ભે મિકેનીઝક પ્રેશરથી કરવામાં આવતા જલાભિષેક તાત્કાલીક અસરથી બંધ કરવાનો આદેશ કર્યો છે. શિવલીંગને થયેલા નુકશાનની તપાસ કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટરે માર્ગ અને મકાન વિભાગ, આરએન્ડબીના એન્જીનીયર સહિત પાંચ ટોચના અધિકારીઓની એક ટુકડીની રચના કરી છે.
આ ટુકડી બે દિવસ બાદ ઝીણવટભરી તપાસ કરશે અને ત્યારબાદ પોતાનો અહેવાલ રજુ કરશે. આ કમીટીમાં જસદણ પ્રાંત અધિકારી ચૌધરીની પણ નિમણુંક કરવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ ઘેલા સોમનાથ શિવલીંગને પ્રેશર ટેકનીકથી કરવામાં આવતા જલાભિષેક સંદર્ભે આખરી નિર્ણય લેવામાં આવશે.
દરમ્યાન ઘેલા સોમનાથ મંદિર વહિવટદાર દ્વારા જિલ્લા કલેકટરના આદેશ બાદ આજથી જ શિવલીંગ પર આજથી જ મીકેનીઝમ પ્રેશર ટેકનીકથી કરવામાં આવતા જલાભિષેકને બંધ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે શિવજીનો પ્રિય એવો મહાશિવરાત્રીનો મોટો ધર્મોત્સવ ઘેલા સોમનાથ ખાતે ઉજવવામાં આવનાર છે. લાખો શ્રઘ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડશે અને પૂજાનો લ્હાવો લેશે ત્યારે માત્ર લોટી દ્વારા જ ઘેલા સોમનાથ શિવલીંગને જલાભિષેક કરી શકાશે. મીકેનીઝમ પ્રેશર ટેકનીકથી જલાભિષેક કરવાની જિલ્લા કલેકટરે મનાય ફરમાવતા લાખો શ્રઘ્ધાળુઓમાં હર્ષની લાગણી ફેલાઇ હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.


Advertisement