રાજકોટની બેઠક પર સરપ્રાઈઝની શકયતા: આ બન્ને પટેલ અગ્રણીઓના નામ દિલ્હી હાઈકમાન્ડના ટોપ લીસ્ટમાં

14 March 2019 05:03 PM
Rajkot Gujarat
  • રાજકોટની બેઠક પર સરપ્રાઈઝની શકયતા: આ બન્ને પટેલ અગ્રણીઓના નામ દિલ્હી હાઈકમાન્ડના ટોપ લીસ્ટમાં

10 વર્ષ પહેલા જેવી સરપ્રાઈઝ આ વર્ષે પણ ભાજપ આપે તેવી સંભાવના! : વધુ સેન્સ મોહનભાઈ માટે, પણ ટોચ પર ચાલતા નામોમાં કડવા અને લેઉવા પટેલ અગ્રણી સામેલ: બન્નેની સ્વચ્છ-સામાજિક પ્રતિભા

Advertisement

રાજકોટ તા.14
રાજકોટ લોકસભાની બેઠક માટે ઉમેદવાર નકકી કરવા આજે રાજકોટ શહેર ભાજપ પરીવારની સેન્સ નિરીક્ષકોએ લીધી છે ત્યારે એક તરફ આ પક્ષની પરંપરા મુજબની કાર્યવાહી વચ્ચે બીજી તરફ ગાંધીનગર અને દિલ્હી પાર્ટી કાર્યાલય ખાતે કેટલાક અલગ જ નામો પણ લીસ્ટમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. આજની સેન્સ પ્રક્રિયામાં મોટાભાગની સેન્સ વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા માટે અપાઈ રહી છે ત્યારે ગુજરાત અને દેશ કક્ષાના ટોચના નેતાઓની યાદીમાં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પટેલ સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી મૌલેશભાઈ ઉકાણી (પટેલ)નું નામ પણ પહોંચ્યું છે. તો ખોડલધામના પૂર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસો. તથા ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ પણ સપાટી પર આવ્યું છે.
આજે ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા દર વર્ષની જેમ સેન્સ લેવામાં આવી હતી. પરંતુ 10 વર્ષ પહેલા રાજકોટ લોકસભાની બેઠક માટે સેન્સમાં તો ઠીક, ચર્ચામાં પણ ન હોય તેવું જાણીતા શિક્ષણ શાસ્ત્રી કિરણભાઈ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયું હતું. આ વખતે મોહનભાઈ પટેલનું નામ બદલાય તો અન્ય નામોની સાથે આવા કેટલાક સરપ્રાઈઝ નામો પણ અંત સુધી આગળ રહે તેવું પણ ચર્ચામાં છે.
બાન લેબ્સના માલીક અને કલબ યુવી સહિતની જુદી જુદી સામાજીક સંસ્થાઓ તથા સામાજીક પ્રવૃતિ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી માત્ર રાજકોટ નહીં પરંતુ પુરા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓમાં આવે છે. તેમની સામાજીક પ્રવૃતિઓ અને યોગદાન કડવા પટેલ સમાજમાં સ્વીકાર્ય છે. વિવાદ વગર કામ કરવામાં માનતા મૌલેશભાઈ પટેલ ભાજપ પરીવાર સાથે વર્ષોથી જોડાયેલા છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્ગજો તેમના પ્રસંગોમાં મહેમાન પણ બન્યા છે. ભાજપ કે કોર્પોરેશન જેવી સંસ્થાના કાર્યક્રમોમાં પણ બાન લેબ્સ હંમેશા તત્પર હોય છે. પૂરા કડવા પટેલ સહિતના દરેક સમાજ, જ્ઞાતિઓ અને ભાજપમાં તેમની પ્રતિભા સ્વચ્છ છે અને સ્વભાવમાં ખુબ જ સરળ છે.
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ પરેશ ગજેરા અગાઉ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ રહી ચૂકયા છે. હાલ તેઓ ક્રેડાઈના પ્રમુખ તરીકે પણ સક્રિય છે. થોડા સમય પહેલા તેમની આગેવાનીમાં વિશાળ રિયલ એસ્ટેટ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રિયલ એસ્ટેટમાં તેમનું નામ અને કામ ગુજરાત કક્ષાએ છે. લેઉવા પટેલ સમાજના તેઓ યુવા અગ્રણી છે અને નામ કરતા કામમાં વધુ માને છે. સમાજ માટે કઈ પણ કરવાની તેમની તત્પરતા કાયમ હોય છે. રાજકારણથી અત્યાર સુધી અંતર રાખનારા પાટીદાર સમાજના આ બન્ને અગ્રણી રાજકોટ લોકસભા લડે તે માટે ભાજપના
ટોચના નેતાઓ તેમને સ્વચ્છ સમજાવટ કરવા પ્રયત્ન પણ કરી રહ્યા છે. જો કે અંતિમ નિર્ણય તો આ બન્ને આગેવાને જ કરવાનો છે. પક્ષે પણ હજુ કોઈ સત્તાવાર વાત જાહેર કરી નથી.
દાયકા અગાઉ ભાજપે અનેક નામોની ચર્ચા વચ્ચે કિરણભાઈ પટેલનું નામ પસંદ કર્યુ હતું. જો કે તે વખતે સમીકરણો જુદા હતા. આ બન્ને અગ્રણી પક્ષ અને સમાજની ખુબ જ નજીક રહેલા છે. તેઓ જાહેર રાજકારણમાં સક્રિય હોય કે નહીં પરંતુ ભાજપની ગુડબુકમાં જરૂર છે. મુખ્યમંત્રીથી માંડી વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેઓના નામથી પરીચીત છે. રાજકોટમાં આ બન્ને નામો ખુબ જ સન્માનજનક પણ છે.
આજે સેન્સમાં તો સૌએ પોત પોતાના મત મુકયા હતા. રાજકોટ શહેર નેતાગીરીનો એક મોટો વર્ગ આ વખતે જીલ્લાના નહીં પરંતુ શહેરના ઉમેદવાર આપો તેવી માંગણી કરે છે. પટેલ ઉમેદવારને બદલવાના થાય તો ઓબીસીમાંથી હાલ કોર્પો.ની સ્ટે. કમીટીના ચેરમેન તરીકે સક્રિય ઉદય કાનગડનું નામ આગળ વધારવામાં આવ્યું છે. મહાપાલિકાના તમામ હોદ્દા પર અને સંગઠનમાં પણ લગભગ તમામ પદ પર કામ કરનાર ઉદય કાનગડ હાલ કોર્પોરેશનના સૌથી સિનીયર નગરસેવક છે.
વોર્ડ નં.9ના કોર્પોરેટર અને સ્ટે.કમીટીની અઢી વર્ષની મુદતના પ્રથમ ચેરમેન ઉદય કાનગડ પણ સ્માર્ટ પદાધિકારી સાબીત થઈ ચૂકયા છે. મહાપાલિકામાં તેમણે પણ સફળ કામગીરી કરી છે. આ બન્ને નામો જ્ઞાતિના ગણીત સાથે જોડાયેલા છે. જો કે ઉચ્ચ કક્ષાએ અન્ય નામો હોવાની વિગતો હવે ધીમે ધીમે રાજકોટ ભાજપ સુધી પણ પહોંચી રહી છે.


Advertisement