જીલ્લા પંચાયત ચોકમાં પ્રાથમીક શિક્ષકોના ધરણા: ધારાસભ્યોને આવેદન

11 February 2019 04:59 PM
Rajkot
  • જીલ્લા પંચાયત ચોકમાં પ્રાથમીક શિક્ષકોના ધરણા: ધારાસભ્યોને આવેદન

પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવે તો હવે ગાંધીનગરમાં રાજયવ્યાપી ધરણાની ચિમકી: કાળીપટી ધારણ કરાશે

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ સહિત રાજયભરની સરકારી પ્રાથમીક શાળાના શિક્ષકો સોમવારે ધરણાં પર ઉતર્યા હતા, જેમાં સવારે 11 વાગ્યે જિલ્લા પંચાયત ચોક ખાતે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ધારાસભ્યોને આવેદન પણ આપ્યું હતું.
જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ ધરણા પ્રદર્શનમાં ખાસ કરીને 1997માં ભરતી થયેલા શિક્ષકોને સળંગ સિનિયોરીટીનો લાભ ન મળવો અને સાતમા પગારપંચના ભથ્થા પ્રાપ્ત ન થવા, નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના ચાલુ રાખવી સહીતના મુદે રાજકોટના 200થી વધુ પ્રાથમીક શિક્ષકોએ સવારે 11 વાગ્યે જીલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ રતુ ચાવડા અને મહામંત્રી જયંતિ આદ્રોજાની સાથે જીલ્લા અને તાલુકા સંઘના શિક્ષકો એકઠા થઈને બે કલાક સુધી ધરણા કર્યા હતા. ત્યારબાદ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યને આવેદન પણ આપ્યું હતું.
શિક્ષકોએ કહ્યું કે જો અમારા પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે તો 15 અને 16 ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે પુરો દિવસ ધરણાં કરી સરકારને ઢંઢોળવાની ચીમકી આપી હતી. આ સાથે શિક્ષકો કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવશે તેમ જણાવ્યું હતું.


Advertisement