ભૂજ તા.11
સરહદી સલામતી દળની 108મી બટાલિયને કચ્છની સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ક્રીક સીમાએથી પાકિસ્તાની યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો યુવક અંદાજે 20થી 25 વર્ષનો છે અને તે સિંધના જતી તાલુકાના ચાચાજાન ખાનનો રહેવાસી છે.
બીએસએફના સત્તાવાર સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, ચાર દિવસ પૂર્વે એક બોટ સાથે જે બે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયાં હતા, આ યુવક તેમનો જ નાસી છૂટેલો ત્રીજો સાથીદાર હોવાની શક્યતા છે. ચાર દિવસ પૂર્વે તે બીએસએફની આંખમાં ધૂળ નાખી અટપટી ક્રીકમાં છૂપાઈ ગયો હતો. પરંતુ, ત્યારબાદ બોટ વગર તે પરત પાકિસ્તાન જઈ શક્યો નહોતો. સૂત્રોએ જણાવ્યું કે, ચાર દિવસથી ભૂખ્યો-તરસ્યો રહેલો યુવક હામ હારી ગયો હતો. ગઇકાલે આજે ક્રીકમાં અશક્ત હાલતમાં તે બેઠો હતો. બીએસએફ હાલ તેની પૂછતાછ કરી રહ્યું છે. બાદમાં તેને સ્થાનિક પોલીસને સુપ્રત કરી દેવાશે.