ઉપલેટામાં રૂા.2પ500નો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપાયો

11 February 2019 01:55 PM
Dhoraji
  • ઉપલેટામાં રૂા.2પ500નો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપાયો
  • ઉપલેટામાં રૂા.2પ500નો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપાયો

ગેરકાયદે પ્લાસ્ટીકનું વેપારીઓ પાસેથી દંડની વસુલાત

Advertisement

ઉપલેટા તા.11
ઉપલેટા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર સરકારે તાજેતરમાં પ્લાસ્ટિક વેસ્ટ બાયોલોઝ મંજુર કરેલ હોય, એ અંતર્ગત ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આર.સી. દવે તથા નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની મૌખિક સૂચના મુજબ પ્લાસ્ટિકના ઝબલાં તેમજ પ્લાસ્ટિકની વસ્તુઓને જથ્થાબંધ વેચતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
જેમાં બડાબજરંગ રોડ પર આવેલ જનતા પ્લાસ્ટિકમાં ચેકિંગ કરાતા અંદાજીત 85 કિલો, ત્રણ કમાન પાસે આવેલ જલારામ પ્લાસ્ટિકમાં 40 કિલો, રાજમાર્ગ પર આવેલ શ્રીજી પ્લાસ્ટિકમાં 25 કિલો તેમજ બંબાગેટ પાછળ આવેલ શિવશક્તિ પ્લાસ્ટિકમાંથી 20 કિલો મળી કુલ 170 કિલો જેટલું પ્લાસ્ટિક જેની કિંમત 25,500/- નું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતુ.
આ દરેક વેપારીઓને નિયમ મુજબ ના દંડ ફટકારવામાં આવેલ હતા. ગયા ડિસેમ્બર માસમાં વેપારીઓને બોલાવી ચીફ ઓફિસર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ કે પહેલી જાન્યુઆરીથી પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેથી કોઈપણ વેપારીએ નવો માલ ખરીદવો નહીં તેમજ જુના સ્ટોકનો ગમે ત્યાં નિકાલ કરી દેવો. જે બાબતે વેપારીઓએ પણ સહમતી સાધી હતી. પરંતુ અમુક વેપારીઓ દ્વારા પૈસા કમાવાની લ્હાયમાં નીતિનિયમો નેવે મૂકી વેચાણ ચાલુ રખાતા નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતા અન્ય વેપારીઓએ પ્રતિબંધિત વસ્તુઓનો સંકેલો કરી લીધો હતો. તેમજ ફરીથી દરેક વેપારીઓને સુચના આપવામાં આવેલ છે કે કોઈપણ વેપારી પાસે સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રતિબંધિત જથ્થો હોય તો એ લોકોએ વેચાણ ન કરવું. અન્યથા કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આ કામગીરીમાં શોપ ઈન્સ્પેકટર નારણભાઈ ચંદ્રવાડિયા, ઈન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર અશોકભાઈ ડેર, સેનેટરી કલાર્ક અનુભા જાડેજા, તુષારભાઈ સહિતનાઓ સાથે ટીપરવાન સ્ટાફ જોડાયો હતો.


Advertisement