રાજકોટ: હાલમાં જ વિધાનસભાના સભ્યપદેથી તથા કોંગ્રેસના સભ્ય તરીકેથી પણ રાજીનામું આપીને ગઈકાલે પાટણ ખાતેના કલસ્ટર સંમેલનમાં કેસરીયો ખેસ પહેરનાર આશાબેન પટેલે દાવો કર્યો હતો કે હજું પણ કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યો નારાજ છે અને તેઓ ગમે તે ઘડી એ પક્ષ છોડી શકે છે. તેઓએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ સાબીત થયો હોવાનો દાવો કર્યો હતો. ગઈકાલે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ સમયે અગાઉ તેઓની ભાજપ એન્ટ્રીનો વિરોધ કરનાર પુર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલને પણ મળ્યા હતા. આશાબેનની સાથે ઉંઝા નગરપાલીકાના કોંગ્રેસના 15 સભ્યો તથા તાલુકા પંચાયતના સાત સભ્યો પણ ભાજપમાં જોડાતા આ બન્ને સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાશે. આશાબેને કેસરીયો ખેસ પહેર્યા પછી જાહેર કર્યુ કે મારા જેવા 25 ધારાસભ્યોપક્ષમાં ગુંગળામણ અનુભવે છે. હાલમાં જ કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક ગાંધીનગરમાં મળી હતી તેમાં 25 સભ્યોએ પક્ષના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓ સંકેત આપ્યો હતો કે તમો ભાજપમાં જોડાઈ રહ્યા છે હાલમાં જ ભારત ઠાકોર-બહુચરાજીના ધારાસભ્યએ પણ અસંતોષ વ્યકત કર્યો હતો. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના દરવાજા ખુલ્લા હોવાનું જાહેર કર્યુ છે અને જણાવ્યું હતું કે આશાબેનને ભાજપ જે કહેશે તે કામગીરી કરશે.