ગીરમાં સાવજોની સંખ્યા 600થી વધુ: કેન્દ્રે સિંહ સંરક્ષણ માટે 17 કરોડ આપ્યા

09 February 2019 12:11 PM
Junagadh Gujarat
  • ગીરમાં સાવજોની સંખ્યા 600થી વધુ: કેન્દ્રે સિંહ સંરક્ષણ માટે 17 કરોડ આપ્યા

પ્રોજેકટ લાયન હેઠળ 97 કરોડમાંથી પ્રથમ હપ્તાના નાણાં છુટ્ટા કર્યા

Advertisement

અમદાવાદ તા.9
કેન્દ્ર સરકારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેના પ્રોજેકટને મંજુરી આપ્યા બાદ 2020-21 સુધી 97 કરોડની અંદાજપત્રીય ફાળવણી જાહેર કરી હતી તે પેટે ચાલુ વર્ષ માટે પ્રથમ હપ્તારૂપે 17 કરોડનું ફંડ રીલીઝ કર્યુ છે.
ગીર ક્ષેત્રમાં સાવજોના સંરક્ષણ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતની દરખાસ્તો પ્રોજેકટમાં કરવામાં આવી છે. કેન્દ્રના પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે એશિયાઈ સિંહોની વસતી એકમાત્ર ગીર અભ્યારણમાં છે. સાવજોના સંરક્ષણ માટે રોગચાળા સહીતની બાબતોને પ્રોજેકટમાં આવરી લેવામાં આવી છે. અનેકવિધ એજન્સીઓ સ્થાનિક સંગઠનો-લોકો સાથે સંકલન સાધશે અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન કરાશે. જીપીએસ આધારીત ટ્રેકીંગ, ઓટોમેટેડ સેન્સર ગ્રીડ તથા જીઆઈએસ આધારીત રીયલ ટાઈમ મોનીટરીંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
સાવજોનું રહેઠાણ વધુ મોટુ બનાવવા સંરક્ષિત વિસ્તારમાં ગીર અભ્યારણ ઉપરાંત ગીરનાર, મોતીયાળાને પણ આવરી લેવામાં આવ્યા છે.
2015ની અંતિમ વસતી ગણતરી પ્રમાણે 1648.79 કીમીમાં પથરાયેલા ગીરમાં 523 સાવજો હોવાનું માલુમ પડયુ હતું. ગુજરાતના વન રાજયમંત્રી રમણભાઈ પાટકરે 600 થી વધુ સાવજ હોવાનો અંદાજ દર્શાવ્યો હતો.


Advertisement