પારો ગગડયો : ગિરનાર 4.પ ડિગ્રી સાથે ઠંડોગાર-નલીયા 7.4 ડિગ્રી

08 February 2019 03:07 PM
Rajkot Gujarat
  • પારો ગગડયો : ગિરનાર 4.પ ડિગ્રી સાથે ઠંડોગાર-નલીયા 7.4 ડિગ્રી

ડીસામાં તાપમાન પ.1 ડિગ્રી ગગડીને 6.4 નોંધાતા 14 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂૂટયો : રાજકોટ 10, અમરેલી 10.4, બે દિવસ ભારે ઠંડી વચ્ચે માવઠાની પણ આગાહી

Advertisement

રાજકોટ તા.8
સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઠંડીનો પારો ગગડી જતાં ફરી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કચ્છના નલીયામાં આજે પારો 7.4 ડિગ્રી થઇ ગયો હતો. તો ગીરનાર પર્વત પર તાપમાન 4.5 ડિગ્રી નોંધાતા સોરઠ પણ ઠંડુગાર બન્યું છે.
રાજકોટમાં આજે 10 ડિગ્રી તાપમાન થયું છે. તો ભૂજમાં 11.4, ડીસામાં 6.4, અમરેલીમાં 10.4 અને ભાવનગરમાં 13 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું છે.
જૂનાગઢ જિલ્લો
છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે ઠંડીનો માહોલ ફરી એકાએક આવતાં જનજીવન પર માઠી અસર થવા પામી રહી છે. બે દિવસના વિરામ બાદ ફરી હિમાલયમાં ભારે હીમ વર્ષાના કારણે શીયાળાને તેનો રંગ દેખાડવામાં ઠંડો પવન ઇશાન ખૂણામાંથી રાત દિવસ ફૂંંકાઇ રહેતા બહાર નીકળવું મુશ્કેલ ભર્યુ બનવા પામ્યું છે. ગિરનાર પર્વત પર આજે સવારે ઠંડીનો પારો નીચે ગગડીને 4.પ ડિગ્રીએ આવી જતાં યાત્રિકો તેમજ વન્ય પ્રાણીઓ ઠંડા પવનમાં ઠુઠવાયા છે. ન્યુનતમ પારો 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભેજ વધીને 78 ટકા પવનની ગતિ પ્રતિ કલાક 6.7 કિલો મીટર નોંધાઇ છે.
લોકો પૂરો દિવસ સ્વેટર ટોપી સાલ ઓઢીને નીકળી રહ્યા છે. વહેલી સવારે મોર્નીંગ વોકમાં પણ નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. સાંજના રસ્તાઓ સુમસામસ જોવા મળી રહ્યા છે.
કચ્છમાં ટાઢોડુ
ગ્રીષમ વાતાવરણ ધરાવતાં કચ્છમાં હાડથીજવતી ઠંડીએ છેલ્લા ત્રણ મહિનાથી જનજીવનને બાનમાં લીધું છે ત્યારે ગુજરાતને સાંકળતા રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય ખૂણે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશને કચ્છમાં ફરી એકવાર પવનપ્રેરિત ટાઢોડું સર્જી દીધું છે. જિલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં પ્રતિ કલાક વીસથી પચીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા હિમપાવાનોએ લોકોને ધોળા દિવસે ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર કરી દીધા છે. ભુજની હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારના જણાવ્યા અનુસાર અપર એર સરક્યુલેશનના કારણે રાત્રિના લઘુત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતરવાની શક્યતા છે. તો, આજે જિલ્લામાં છૂટાછવાયાં વિસ્તારોમાં વરસાદી છાંટા કે માવઠું થવાની પણ શક્યતા છે. આગામી બે દિવસ સુધી પવનની ગતિ તેજ રહેશે. તો, વાદળછાયું વાતાવરણ પણ યથાવત રહેશે.
દરમિયાન, જિલ્લામથક ભુજમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 11 નલિયામાં 10, કંડલા એરપોર્ટમાં 13 અને કંડલા પોર્ટમાં 14.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લાં થોડાંક દિવસોથી હૂંફાળું વાતાવરણ અનુભવતાં લોકોને વેગીલા વાયરાના કારણે ફરી એકવાર ધોળા દિવસે તાપણાંનો સહારો લેવાનો વારો આવ્યો છે. દરમ્યાન,જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી ભારે બરફવર્ષાને પગલે આગામી દિવસોમાં કચ્છમાં પણ કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વિરતપણે પડી રહેલી હાડથીજાવતી ઠંડીને કારણે કચ્છમાં ન્યુમોનિયાના કેસોમાં ઉછાળો આવ્યો છે.
ગુજરાત
ગાંધીનગરમાં ગુરુવારે અચાનક જ વાતાવરણમાં થયેલાં ફેરબદલના પગલે સવારથી જ ઠંડા પવનો શરૂ થયા હતા. આ પવનોનો સામનો નગરજનોને દિવસ દરમિયાન કરવો પડયો હતો. તાપમાનના પારામાં ઘટાડો થવાની સાથે સાથે 18 થી 20 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફુંકાતા નગરજનો થરથર્યા હતાં. ડીસામાં આજે ઠંડીએ 14 વર્ષનો રેકોર્ડ તોડતા તાપમાન 6.4 ડિગ્રી થઇ ગયું હતું.
ઉત્તર ભારતમાં પુન: હિમવર્ષા શરૂ થતાં તાપમાનનો પારો માઇનસમાં જઇ રહ્યો છે. તો બીજી તરફ આ હિમવર્ષાના પગલે ઠંડા પવનોનો સામનો રાજ્યને પણ કરવો પડી રહ્યો છે. ગુરુવારે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુંકાવાની સાથે સાથે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં શિયાળાની અંતિમ તબક્કાની ઠંડી આક્રમક બની હોય તેવા વાતાવરણનો સામનો નગરજનોને કરવો પડયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં અચાનક જ ઘટાડો નોંધાતાં ઠંડીમાં વધારો થવા પામ્યો છે. આગામી બે - ત્રણ દિવસ સુધી ઠંડીના પારામાં વધઘટ નોંધાશે. તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 થી 25 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આ તોફાની પવનોની સાથે ઉપર જતા ઠંડા પવનો જમીન તરફ આવશે જેથી રાજ્યમાં અમદાવદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી નો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તા.8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રી આસપાસ પહોંચવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે.
કાશ્મીર સહિતના ઉત્તર ભારતમાં ફરીથી હિમવર્ષા થઇ છે. દિલ્હી-એનસીઆરમાં ગઇકાલે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આમ, હવામાન વિભાગે અચાનક યુટર્ન લેતા આજે રાજ્યભરમાં લોકોએ ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. સ્થાનિક હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.


Advertisement