આર્થિક અનામતમાં રૂા.8 લાખની આવક મર્યાદા એક જ માપદંડ

24 January 2019 02:26 PM
Rajkot Gujarat
  • આર્થિક અનામતમાં રૂા.8 લાખની આવક મર્યાદા એક જ માપદંડ

ગુજરાત સરકારે સમગ્ર પ્રક્રિયા સરળ બનાવી દીધી: ખેતીની જમીન મકાનની શરતો દૂર:કુટુંબની આવક રૂા.8 લાખ: 1978 પુર્વ ગુજરાતમાં વસેલા પરિવારને જ લાભ: પોલીસ ભરતીમાં 33% મહિલા અનામતમાં 10% આંતરિક અનામત: બિનઅનામત આયોગના લાભો માટે જૂની આવક મર્યાદા યથાવત

Advertisement

રાજકોટ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલા 10% ઈસીબી કવોટાનો સૌ પ્રથમ અમલ કરવામાં ગુજરાતે દેશના અન્ય રાજયોને પાછળ રાખી દીધા બાદ હવે આ કવોટાનો લાભ તમામને માટે તથા માપદંડની કોઈ ગુંચવણ ન સર્જાય તે હેતુથી ઈબીસી અનામત માટે ફકત રૂા.8 લાખની આવક મર્યાદા એક જ માપદંડ નિશ્ર્ચિત કર્યા છે તથા શહેર કે ગામમાં ઘરના મકાન ખેતીની જમીન આ તમામ માપદંડની આવશ્યકતા 26 કરી છે. જેનાથી હવે કોઈપણની જાતની દ્વીધાભરી સ્થિતિ રહેશે નહી. આર્થિક નબળા પરિવારમાં રૂા.8 લાખની આવક મર્યાદા નિશ્ર્ચિત કરી છે.
ઉપરાંત જે 33% મહિલા અનામત લાગુ પડે છે, ત્યાં પણ 10% મહિલા અનામત આંતરિક રીતે લાગુ પડશે. ગુજરાતમાં આનંદીબેન શાસને પોલીસ ભરતીમાં 33% મહિલા અનામત નિશ્ર્ચિત કરી હતી તેને આ લાગુ પડે છે.
આ ઉપરાંત ગુજરાતીઓના હિત જળવાય તે જોવા 1978 પુર્વે જેઓ ગુજરાતમાં સેટલ થયા હોય તેને જ આ અનામતનો લાભ મળશે. 1978ની કટ ઓફ ડેઈટ એ રાજયમાં બક્ષીપંચની (ઓબીસી) અનામત લાગુ થવાનું છે. આમ આર્થિક અનામત માટે પણ તે કટ ઓફ યર નિશ્ર્ચિત થયું છે અને આ રીતે કટ ઓફ ડેટથી નોન ગુજરાતી જે 1978 બાદ ગુજરાતમાં વસ્યા છે. તેઓને આ અનામતનો લાભ મળશે નહી. જો કે કેન્દ્ર સરકારની જોબમાં જે 10% આર્થિક અનામત લાગુ થઈ છે તેમાં ગુજરાતનો 1978નો નિયમ લાગુ થશે નહી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજય સરકારે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા જમીન, મકાન કે ફલેટની માલીકી જેવા માપદંડને માન્ય રાખ્યા નથી. જેથી તેમાં કોઈ પુરાવા કે દસ્તાવેજ રજુ કરવાની જરૂર રહેશે નહી.
શ્રી પટેલે જણાવ્યું કે સરકારનો હેતુ જે આર્થિક ગરીબ છે તેઓને અનામતનો લાભ મળે તે જોવાનો છે. રાજય સરકાર આ ઉપરાંત આ 10% અનામતનો લાભ આપવા શૈક્ષણિક સંસ્થાઓ જે ગ્રાન્ટેબલ છે તેઓને સરકાર વધારાની ગ્રાન્ટ ફાળવશે. જો કે રાજય સરકારે અગાઉ જે બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ફી સહીતની સહાયતા અને સરળ દરે લોન આપવાની જે યોજના અમલમાં મુકી છે તેમાં રૂા.4.50 લાખ અને રૂા.6 લાખની આવક મર્યાદા યથાવત રહેશે.


Advertisement