મુંબઈથી ફલાઈટમાં આવેલો કોમોડીટી વેપારી 6 લાખની રોકડ સાથે પકડાયો

11 January 2019 06:19 PM
Rajkot

ઈન્કમટેકસે તપાસમાં ઝંપલાવ્યુ: કાયદેસરના નાણાં હોવાનો સંકેત

Advertisement

રાજકોટ તા.11
મુંબઈથી રાજકોટ આવેલી ફલાઈટમાંથી રાજકોટનો મુસાફર છ લાખની રોકડ સાથે પકડાતા
આવકવેરા ખાતાએ તપાસમાં ઝંપલાવ્યુ છે. પ્રાથમીક તબકકે આ રકમ
કાયદેસરની જ હોવાનું માલુમ પડવા છતાં હિસાબી સાહિત્ય ચકાસવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુરુવારે સાંજની મુંબઈથી રાજકોટ આવેલી ફલાઈટમાં એક મુસાફર પાસેથી છ લાખની રોકડ મળી આવી હતી. મુંબઈ ખાતેથી જ સ્થાનિક તંત્રને પુર્વ બાતમી આપી દેવામાં આવી હતી એટલે આવતા વેંત તેની
તપાસ કરીને રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી.
રોકડ રકમ વિશે ઈન્કમટેકસને જાણ કરવામાં આવી હતી તેના દ્વારા રોકડ નાણા કાયદેસરના છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
સૂત્રોએ કહ્યું કે વિમાની પ્રવાસી વિરલ દેસાઈ રાજકોટમાં કોમોડીટીનો વેપાર ધરાવે છે. રોકડ રકમ કાયદેસરની જ હોવાના નિવેદનના આધારે તેના હિસાબી સરવૈયા ચકાસવામાં આવી રહ્યાં છે. ચોપડે લેવાયેલા જ નાણાં હશે તો રીલીઝ કરી દેવામાં આવશે અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Advertisement