ઉપલેટાના ચર્ચિત ‘તોડકાંડ’માં તત્કાલીન પી.એસ.ઓ.નું નિવેદન નોંધતી સી.આઈ.ડી.

11 January 2019 06:16 PM
Rajkot

લાખોનો તોડ પ્રકરણમાં આરોપીને સર્કીટ હાઉસેથી જવા દીધા હોવાની ચર્ચા

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ આર આર સેલની ટીમ દ્વારા છ માસ પૂર્વે ઉપલેટામાં જુગારના દરોડા દરમ્યાન લાખોના તોડકાંડના ચકચારી પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમના એડી ડીજી અજય તોમર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. તોમર તથા તેમની ટીમે બે દિવસથી રાજકોટમાં ધામા નાખી નિવેદનો લવાઈ રહ્યા છે. આ પ્રકરણમાં આજરોજ ઉપલેટા પોલીસ મથકના તત્કાલીન પીએસઓનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ તત્કાલીન રેન્જ આઈજી ડી.એન. પટેલ, તથા તત્કાલીન ફોજદાર કૃણાલ પટેલને તપાસના કામે ગાંધીનગર હાજર થવા સમન્સ કરાયા હોવાનું માલુમ પડયું છે.
રાજકોટ રેન્જ આઈજીની સીધી નજર હેઠળના આર આર સેલના ઉપલેટામાં છ માસ પૂર્વે લાખોના તોડકાંડ અને પીયુષ જેઠાભાઈ ડેર પર આચરાયેલી બર્બરતાના આરોપો સાથેની ઉચ્ચ સ્તરીય થયેલી ફરીયાદોમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ ચલાવામાં આવી રહી છે.
જે તે સમયે દરોડા સાથે રહેલા આર આર સેલની ટીમના પોલીસ કર્મીઓની પીછપરછ કરવામાં આવી હતી. ફરીયાદમાં એવો પણ આક્ષેપ હતો કે દરોડો પાડીને નિયમ મુજબ જે તે પોલીસ મથકમાં આરોપીઓને સોંપવાના કે ત્યાં જામીન આપવાના હોય તે કાર્યવાહીના બદલે સર્કીટ હાઉસ લઈ જઈ છ લાખનો તોડ કરી બારોબાર મુકત કરી દેવાયા હતા.
જે સંદર્ભ સત્ય ચકાસવા તા.3/7ના રોજ ઉપલેટા પોલીસ મથકમાં ફરજ પર હાજર પીએસઓ (પોલીસ સ્ટેશન ઓફીસર)ને તેડુ મોકલી આજે બોલાવવામાં આવ્યો હતો. અને આજરોજ તેનું નિવેદન લેવામાં આવ્યુ હતું.


Advertisement