યુનિવર્સિટીના 400 કોન્ટ્રાકટ કર્મચારીઓને ભેટ : ન્યુનતમ પગાર 15000

11 January 2019 06:12 PM
Rajkot
  • યુનિવર્સિટીના 400 કોન્ટ્રાકટ કર્મચારીઓને ભેટ : ન્યુનતમ પગાર 15000

એક સાથે પ200થી અધિકનો વેતન વધારો મંજૂર કરતી સિન્ડીકેટ : યુનિવર્સિટી પર બે કરોડનો નવો બોજ : સીસીટીવીના રેકોડીંગની સીડી નહીં આપનાર કોલેજો માટે દંડ અને જોડાણ રદ કરવા સુધીની જોગવાઇ : પ્લેસમેન્ટ કર્મચારીઓની ભરતી માટે હવે ખાસ સેલ : એજન્સી રદ

Advertisement

રાજકોટ તા.11
સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા લાંબા સમયથી વહિવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ નથી. જેના પગલે યુનિ.ના પરીક્ષા સહિતના વિભાગોમાં ફીકસ પગારથી ભરતી કરાયેલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓથી જ વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે.
આ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની છેલ્લા લાંબા સમયથી માંગણી ઉઠી હતી. જેને આજે મળેલી સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડીકેટની બેઠકમાં સ્વીકારી લઇ પગાર વધારો મંજૂર કરાયો છે.
જેના પગલે કોન્ટ્રાકટ બેઇઝ કલાર્ક કક્ષાના કર્મચારીઓના મીનીમમ પગાર વધીને 1પ હજાર થવા પામશે. કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ માટે 4000 થી પ200 સુધીનો અધિકતમ વેતન વધારો મંજૂર કરાયાનું જાણવા મળ્યું છે.
યુનિ.ની સિન્ડીકેટે વેતન વધારાને બહાલી આપી કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને નવી ભેટ આપી છે. જેના પગલે યુનિ. ઉપર બે કરોડનો નવો બોજો આવી પડેલ છે.
આ ઉપરાંત યુનિ.ના આ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને એજન્સી નીચે મૂકવામાં આવેલ હતાં. તે એજન્સી રદ કરી હવે આ કર્મચારીઓને યુનિ.ના ખાસ પ્લેસમેન્ટ સેલ નીચે ચૂકવવાનો પણ સિન્ડીકેટની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે.
આ ઉપરાંત યુનિ.ની પરીક્ષામાંથી ચોરી અને ગેરરીતિના દુષણને ડામી દેવા માટે હવે પરીક્ષા દરમિયાન સીસીટીવીના કેમેરા અંગેના નિયમોનું પાલન નહીં કરનાર અને રેકોર્ડીંગની સીડી યુનિ.માં નહી આપનારી કોલેજો માટે પણ ખાસ દંડની જોગવાઇ કરવામાં આવી છે.
જેમાં સીસીટીવી કેમેરાની સીડી નહીં આપનારી કોલેજો માટે પ્રથમ વર્ષે રૂા.એક લાખનો દંડ ફટકારાશે. તેમ છતાં જો જે તે આવી કોલેજો દ્વારા પગલા નહીં લેવાય તો બીજા વર્ષે રૂા.બે લાખનો દંડ અને ત્રીજા વર્ષે રૂા.ત્રણ લાખનો દંડ ફટકારી જે તે આવી કોલેજોનું જોડાણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે.
આ ઉપરાંત યુનિ.ની સિન્ડીકેટની આ બેઠકમાં પરીક્ષા ચોરીની ફરિયાદો આવી ચાર કોલેજોના પરીક્ષા કેન્દ્ર બદલવાનો તેમજ વાયબ્રન્ટ ગુજરાત માટે થનારા રૂા.20 લાખના ખર્ચને મંજૂરી સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ હતાં.


Advertisement