જાગનાથમાં નળમાંથી આવતું ઓઈલ જેવું પાણી: વોર્ડ નં.7માં સફાઈ ખાડે

11 January 2019 06:11 PM
Rajkot
  • જાગનાથમાં નળમાંથી આવતું ઓઈલ જેવું પાણી: વોર્ડ નં.7માં સફાઈ ખાડે

એક મહિનાથી કમિશ્ર્નર સહિતના અધિકારીને ફરિયાદ છતા ફોલ્ટ મળતો નથી: જયુબીલી, કોટક સ્કૂલ, મોટી ટાંકી સહિતના વિસ્તારમાં ગંદકીના ગંજ

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ મહાનગરમાં સ્વચ્છ સર્વેક્ષણ મારફત શહેરની સ્વચ્છતાના ધોરણનો અંદાજ નીકળવાનો છે ત્યારે અનેક વિસ્તારમાં ગંદકી, કચરા અને દૂષીત પાણીના પ્રશ્ર્નોનો અંત આવતો નથી. આજે ફરી વોર્ડ નં.7ના જાગનાથ વિસ્તારમાં કદડા જેવા પાણીનો પ્રશ્ર્ન હલ નહીં થતો હોવાનો દેકારો બોલ્યો હતો તો વોર્ડના અનેક વિસ્તારમાં ગંદકીની ફરીયાદો પણ આવી રહી છે.
રાજકોયનો સૌથી જુનો વિસ્તાર વોર્ડ નં.7માં આવે છે. વેપારી બજારો અને રહેણાંક વિસ્તાર આ વિશાળ વોર્ડમાં આવેલ છે. આજે મહાપાલિકામાં વધુ એક વખત જાગનાથ પ્લોટ શેરી નં.10/14ની ગંભીર ફરીયાદ પહોંચી હતી. સોની પરીવારના ઘરે 1 મહિનાથી મનપાના નળમાં ગટર જેવું દુષીત પાણી આવે છે. આ અંગે અનેક વખત ફરીયાદ બાદ થોડા દિવસો પહેલા કમિશ્ર્નરને પણ રજુઆત કરવામાં આવી હતી. સીટી ઈજનેરે અધિકારીઓને તપાસમાં પણ મોકલ્યા હતા.
આ એક જ મકાન પાસે ડ્રેનેજની લાઈન તુટીને પાણીની લાઈનમાં ભળી ગયાની શંકા છે. તપાસમાં આવેલા ઈજનેરો પોતે નળમાં ગટર જેવુ પાણી આવતુ હોવાનું ક્બુલી ચુકયા છે પરંતુ આ ફોલ્ટ મળતો ન હોવાથી પ્રશ્ર્ન કયારે ઉકેલાશે તે નકકી નહીં એવો જવાબ આપીને ચાલ્યા ગયા છે. કોઈ જગ્યાએ દુષીત પાણી આવવા બદલ જો ફોલ્ટ મળતો ન હોય તો તે જવાબદારી મનપા તંત્રની છે કે નાગરિકની એ સવાલ પૂછાવા લાગ્યો છે. દુષીત પાણીથી રોગચાળો પણ ફેલાય છે. પરંતુ પાઈપલાઈનમાં પાણી ભળી ગયું અને ફોલ્ટ ન મળવો તે સ્થિતિ શરમજનક બની છે.
વળી આ વોર્ડ નં.7ના જયુબીલી શાકમાર્કેટ રોડ, મોટીટાંકી ચોક, ઠકકરબાપા, જાગનાથમાં જૈન દેરાસર વિસ્તાર, ગવલીવાડ, આંગણવાડી નં.66 સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ગંદકી અને કચરાનો પ્રશ્ર્ન કાયમી ધોરણે ઉકેલાતો નથી. અનેક વખત સફાઈ નહીં થતી હોવાની ફરીયાદો આવતી રહે છે. આ વોર્ડમાં અનેક જગ્યાએ સ્વચ્છ નગરના સુત્ર કયાંય દેખાતા નથી તે પણ હકીકત છે.


Advertisement