22 કરોડની જમીનમાં પૂર્વ મામલતદાર અને કલાર્ક જ ભાગીદાર!

11 January 2019 06:09 PM
Rajkot

કુવાડવા નજીકની કિંમતી જમીન અંગેની અપીલો અગાઉ નામંજૂર થઇ ગઇ હતી

Advertisement

રાજકોટ તા.11
સૌરાષ્ટ્રના પાટનગર સમુ રાજકોટ વિકાસક્ષેત્રે દિન-પ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે શહેરની આસપાસમાં આવેલી જમીનોની કિંમત કુદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે જમીન માફીયા અને મહેસુલ તંત્ર સાથે સંકળાયેલા તત્વો ફરીથી ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. મહેસુલ તંત્રમાં ફેરફાર થયા બાદ ફરીથી ‘વહિવટો’ શરૂ થઇ ગયાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ છે.
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા રોડ ટચ ગામની જમીનનો વિવાદ છેલ્લા પચ્ચીસેક વર્ષથી ચાલી રહ્યો હતો. જેમાં રાતોરાત વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા નજીક આવેલા ગામની કિંમતી જમીન પચ્ચીસેક વર્ષ પૂર્વે શરતભંગના કેસ સબબ સરકાર દાખલ થઇ ગઇ હતી. અનુસૂચિત જાતિના મૂળ ખાતેદાર એવા ખેડૂતની 22 એકર જમીન સરકાર દાખલ થઇ ગયા બાદ આ અંગે છેલ્લા લાંબા સમયથી મહેસુલ તંત્રમાં કવાયત ચાલતી હતી. પરંતુ આ પ્રકરણમાં એક પૂર્વ મામલતદાર અને કલાર્કની એન્ટ્રી થયા બાદ સમગ્ર પ્રકરણ ઝેટ ઝડપે આગળ વધવા લાગ્યું હતું.
સૂત્રોમાંથી જાણવા મળતી વધુ વિગતો મુજબ મૂળ ખાતેદાર સાથે પૂર્વ મામલતદાર અને કલાર્કે પ0 ટકાની સીધી ભાગીદારી કરી લીધી હોવાની પણ ચર્ચા છે. આશરે રૂા.22 કરોડની જમીનનું પ્રકરણ પોતાના હાથમાં આવ્યા બાદ બંને અધિકારીઓના મોઢામાંથી મધલાળ ટપકવા લાગી હતી અને તેઓ દ્વારા સમગ્ર પ્રકરણનું ડે ટુ ડે ફોલોઅપ શરૂ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના અધિકારીઓ દ્વારા સરકાર દાખલ થઇ ગયેલી જમીન અંગે ભૂતકાળમાં કરવામાં આવેલી અપીલો જે તે વખતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફગાવી દેવાઇ હતી. પરંતુ તાજેતરમાં મહેસુલ તંત્રમાં ફેરફારો થયા પછી પૂર્વ મામલતદાર અને કલાર્ક દ્વારા ઉચ્ચ અધિકારીને ઉઠા ભણાવીને મનાવી લેવાયા હતા.
ઉચ્ચ અધિકારી સરકાર દાખલ થઇ ગયેલી જમીન અંગે રિવાઇઝડ ઓર્ડર કરવા તૈયાર થઇ ગયા બાદ ગણતરીના દિવસો પૂર્વે જ કુવાડવા નજીક આવેલી 22 એકર જમીન અંગે રાતોરાત ઓર્ડર પણ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. વિવાદમાં સપડાયેલી જમીનની આસપાસમાં આવેલી મોટા ભાગની જમીનો બિનખેતી પણ થઇ ગઇ છે.
શહેરની ભાગોળે આવેલી 22 એકર જમીન અંગે ઉચ્ચઅધિકારી દ્વારા ઓર્ડર કરી દેવાતા પૂર્વ મામલતદાર અને કલાર્ક સહિત સમગ્ર પ્રકરણમાં સામેલ તમામને રાતોરાત કરોડો રૂપિયાની લોટરી લાગી ગઇ છે. તંત્ર દ્વારા આ ખેડૂતની તરફેણમાં હુકમ કરી દેવાતા આ જમીન ટુંક સમયમાં માર્કેટમાં આવી જાય તો પણ નવાઇ નહી.
અત્યંત વિશ્ર્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દાખલ થઇ ગયેલી જમીનનો ખેડૂત તરફે રિવાઇઝડ ઓર્ડર કરવા માટે અગાઉ થયેલા પંચરોજકામ અને સ્થળમાં પણ બારોબાર ગેરકાયદેસર ફેરફારો થઇ ગયાનું પણ કહેવાય છે. લાંબા સમય બાદ વર્ષો જૂની વિવાદાસ્પદ જમીન કે જે સરકાર દાખલ થઇ ગઇ હતી. તેના અંગે નવો ઓર્ડર થતાં મહેસુલ તંત્રમાં પણ છાને ખૂણે ગણગણાટ શરૂ થયો છે.
વિવાદાસ્પદ જમીનો કે જે અંગે ભૂતકાળમાં અપીલો રદ થઇ હોય અને બાદમાં અચાનક જ ઓર્ડર થઇ ગયા હોય તેવા પ્રકરણો અંગે જો ઉંડી તપાસ શરૂ કરવામાં આવે તો મહેસુલ તંત્રમાં ખળભળાટ મચી જાય તેવા કૌભાંડો બહાર આવવાની શકયતા સેવાઇ રહી છે.

કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૂર્વ મામલતદારનો ખરડાયેલો ઇતિહાસ
કુવાડવા નજીક રોડ ટચ આવેલા ગામની સરકાર દાખલ થઇ ગયેલી જમીન અંગે રિવાઇઝડ ઓર્ડર કરાવવામાં જેમની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે તેવા પૂર્વ મામલતદાર અને કલાર્કનો ઇતિહાસ પણ ખરડાયેલો હોવાનું કહેવાય છે. કુવાડવાની જેમ જ આ નિવૃત અધિકારી દ્વારા હાઇવે નજીક આવેલા અન્ય એક ગામમાં પણ આવી જ રીતે કૌભાંડ આચર્યાનું રેવન્યુ નિષ્ણાંતોમાં સર્વ વિદિત છે. નિવૃતથઇ ગયાને લાંબો સમય વિતી જવા છતાં આ અધિકારીના રેવન્યુ કચેરીમાં સતત આંટાફેરા રહે છે.


Advertisement